Tuesday, September 28, 2021
Homeવડોદરા : પરિવારના ત્રણ ભાઈઓએ માત્ર રૂપિયા 15માં સારવાર લઈને કોરોનાને મ્હાત...
Array

વડોદરા : પરિવારના ત્રણ ભાઈઓએ માત્ર રૂપિયા 15માં સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દર્દીઓ માટે સરકાર દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. વડોદરાના સુખડિયા પરિવારના ત્રણ ભાઈઓએ માત્ર રૂપિયા 15માં સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે. સુખડિયા પરિવારના 3 ભાઇઓએ જણાવ્યું હતું કે, અમે ત્રણ ભાઈઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોત તો રૂપિયા 15 લાખ જેટલો ખર્ચો થયો હોત.

સુખડિયા પરિવારના 11 સભ્યો કોરોના સંક્રમિત થયા

વડોદરાનો સુખડીયા પરિવાર જ્યારે કુટુંબના 14માંથી 11 સભ્યો કોરોના પોઝિટિવ જણાયા, ત્યારે ઘેરી ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જોકે આ પૈકી 8 જણને પ્રભાવ સામાન્ય હતો. એટલે ઘેર સારવાર પૂરતી હોવાથી થોડીક રાહત તો થઈ, પરંતુ, પંકજભાઈના મોટાભાઈ અતુલભાઈ અને નાનાભાઈ જીતેન્દ્રભાઈએ ત્રણેયને અસર વધુ હતી એટલે હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી હતી.

મેડિકલેમ અને કોરોના પોલિસી હોવા છતાં સયાજી હોસ્પિટલમાં દાખલ થયા

વડોદરાના તબીબ ડો.જયેશ શાહ સાથે સુખડીયા પરિવારને ખુબ ઘરોબો છે. એમણે સયાજી હોસ્પિટલમાં જ દાખલ થવાની સલાહ આપી. મેડિક્લેમ અને કોરોના પોલિસી પણ હતી. તેમ છતાં સયાજીમાં જ દાખલ થવાનો નિર્ણય લીધો, જે છેવટે સાચો અને સુયોગ્ય ઠર્યો.

પરિવારે કેવી રીતે કોરોનાને હરાવ્યો તેની વાત પંકજભાઈ સુખડિયાએ રજૂ કરી હતી

પરિવારે કેવી રીતે કોરોનાને હરાવ્યો તેની વાત પંકજભાઈ સુખડિયાએ રજૂ કરી હતી

મોટાભાઈ કો મોર્બિડ હતા, એટલે 21 દિવસ સારવાર ચાલી

પંકજભાઈ અને જીતેન્દ્રભાઈ 10 દિવસની સારવાર પછી કોરોનામુક્ત થઈ ઘેર આવ્યા છે. મોટાભાઈ કો મોર્બિડ હતા, એટલે 21 દિવસ સારવાર ચાલી, પરંતુ, સયાજીના તબીબોએ આ ભાઈઓ રોગમુક્ત થયાની ખાત્રી પછી જ રજા આપી. રેમડેસિવિરના કોર્સ સહિત જરૂરી તમામ દવાઓ આપી અને રજા આપતાં સમયે પણ વધુ 10 દિવસ ચાલે એટલી જરૂરી દવાઓ આપી.

અમે ત્રણ ભાઈઓ રૂ.15ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા

પંકજભાઈ કહે છે કે, એક વ્યક્તિના રૂ.5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓ રૂ.15ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા હતા. તેની સામે હું હિસાબ માંડુ તો મારા મોટાભાઈને ખાનગી દવાખાનામાં રૂ.10 થી 12 લાખ ચૂકવવા પડે એટલી અને બાકીના 2 ભાઈઓને અંદાજે રૂ.5 લાખ ચૂકવવા પડે એટલી સારવાર મળી અને સહુથી મોટા આનંદની વાત તો એ છે કે, સાવ વિનામૂલ્યે સારવાર મળી અને રોગમુક્ત થઈને હેમખેમ ઘેર પાછા ફર્યા.

તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધા જ વંદનીય છે

પંકજભાઈ લાગણીભીના અવાજે કહે છે કે, સયાજી હોસ્પિટલ એ ખરેખર તો આરોગ્ય મંદિર છે અને તેના ઉચ્ચ શિક્ષણ અને કુશળતા ધરાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધા જ ભગવાનની બરોબર વંદનીય છે, તેઓ તો એટલે સુધી કહે છે કે, ચરણ સ્પર્શને યોગ્ય છે.

રાજ્ય સરકારના પણ વખાણ કર્યાં

આ તમામ બાબતો નો યશ રાજ્ય સરકારને જાય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, તબીબો અને સ્ટાફ ગમે તેટલો કુશળ હોય, પરંતુ, જરૂરી અને પૂરતી દવાઓ અને તબીબી સાધનો, સુવિધાઓના હોય તો લાચાર બની જાય. રાજ્ય સરકારે ખુબ છુટા હાથે આ બધી વ્યવસ્થાઓ કરી એટલે જ આટલી સારી સારવાર શક્ય બની છે.

સયાજી હોસ્પિટલમાં ઉપર કરેલો ભરોસો યોગ્ય ઠર્યો, ત્રણેય ભાઇઓ કોરોના મુક્ત થયા

સયાજી હોસ્પિટલમાં ઉપર કરેલો ભરોસો યોગ્ય ઠર્યો, ત્રણેય ભાઇઓ કોરોના મુક્ત થયા

કૌટુંબિક પ્રસંગમાં માત્ર 40 લોકો એકઠા થયા છતાં પરિવાર સંક્રમિત થયો

સુખડીયા પરિવાર એક અનિવાર્ય કૌટુંબિક પ્રસંગ નિમિતે એકત્ર થયો, માત્ર 40 જેટલા લોકો બધી કાળજી લઈને પ્રસંગમાં જોડાયા તેમ છતાં, પરિવારના સભ્યો ખુબ મોટા પ્રમાણમાં સંક્રમિત થયાં એ હકીકત સૌની આંખો ખોલનારી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અગત્યતા સમજાવે છે.

તબીબો અને કર્મચારીઓ હાલમાં 10થી 12 કલાક તો ફરજો બજાવે છે

તેઓ કહે છે કે, સરકારી દવાખાનાઓમાં હોય છે, તેટલો ઉચ્ચ શિક્ષિત અને તાલીમબદ્ધ સ્ટાફ અન્ય દવાખાનાઓમાં નથી હોતો. આ સ્ટાફની કુશળતા જ રોગ સામેની લડાઈમાં તેમને જીત અપાવે છે. તબીબો અને કર્મચારીઓ હાલમાં 10થી 12 કલાક તો ફરજો બજાવે જ છે. જરૂર પડ્યે ફરજનો સમય 16થી 18 કલાક પણ લંબાઈ જાય છે તેમ છતાં, કોઈ કંટાળા કે અણગમા વગર ફરજ બજાવે છે.

કોરોના વોરિયર્સ કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા

આ ફરજો દરમિયાન ઘણાં જાતે કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા. ઘણાના કુટુંબીજનોને પણ કોરોના થયો, પરંતુ, કોઇએ ફરજમાં પાછી પાની કરી નથી. પંકજભાઈ કહે છે કે, દરેક સાથે આ લોકો ખુબ સૌજન્ય અને વિવેક થી વર્તે છે. અહીં બે ટાઇમ ભોજન, નાસ્તો, ચા અને દૂધ મળે છે. પીવા માટે 500 એમ.એલ.ની વોટર બોટલ છૂટથી મળે છે. પછી બીજું શું જોઈએ…?

આરોગ્ય મંદિરની સારવાર રૂપી પ્રસાદથી અમારા જીવનની રક્ષા થઈ

આ આરોગ્ય મંદિર છે અને તેની સારવાર રૂપી પ્રસાદથી અમારા જીવનની રક્ષા થઈ છે. અમે ખરેખર ધન્ય થઈ ગયાં છે, એવી લાગણી વ્યક્ત કરતા તેમને જણાવ્યું કે, દર્દીઓની સંખ્યા ધાર્યા કરતાં ખુબ વધારે છે, ત્યારે ક્યાંક, કોઈ ઇરાદા વગર નાની મોટી ચૂક થઈ જાય તો તેને આધારે આ લોકોની સેવાને મુલવવી ઠીક નથી. કપરા સંજોગો અને ચેપનું જોખમ વહોરી આ લોકો જે અવિરત સેવાઓ આપી રહ્યાં છે એ વંદનીય છે, હું અને મારો પરિવાર સહુને દિલથી વંદન કરીએ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments