વડોદરા : RTOમાં નવી કારનો 9999 નંબર મેળવવા માટે રૂા. 2.28 લાખની બોલી બોલાઇ

0
6

શહેરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. લોકોમાં દહેશતનો માહોલ છે ત્યારે આરટીઓ દ્વારા તાજેતરમાં નવી શરૂ કરેલી ફોર વ્હીલર અને ટુ-વ્હીલરની સિરીઝના સિલેક્ટેડ નંબરના ઓક્શનમાં ઈનોવાના માલિકે 2.28 લાખ ભર્યા હતા. કેટલાય સમયથી સિલેક્ટેડ નંબર માટે ઊંચી રકમ બોલાતી નથી ત્યારે કોરોનાની મંદી વચ્ચે પણ જંગી રકમ આવતાં આરટીઓને પણ આવક થઇ હતી. સામાન્ય રીતે દર વર્ષે વડોદરા આરટીઓમાં 3 સિરીઝ ખૂલતી હોય છે.

હાલની પીએફ અગાઉ પી.ઈ. સિરીઝમાં લાખ રૂપિયા જેટલી ઊંચી બોલી પણ કોઈ બોલ્યું નહોતું. આરટીઓ અધિકારીઓ માટે પણ કોરોના વચ્ચે સિલેક્ટેડ નંબર માટેનો ઊંચો ભાવ આશ્ચર્યજનક રહ્યો છે. કેટલાક નંબર માટે 50 હજારથી એક લાખ સુધી પણ બોલી બોલાય છે. વડોદરા આરટીઓ દ્વારા 20 માર્ચથી ફોર વ્હીલરની નવી સીરીઝ માટે ગોલ્ડન, સિલ્વર નંબરની હરાજી શરૂ કરાઇ હતી, જેમાં જગદીશભાઈ નામના વ્યક્તિએ ઈનોવા કાર માટે સિલેક્ટેડ નંબર 9999 માટે આ રકમ ભરી હોવાનું આરટીઓ દ્વારા જાણવા મળ્યું હતું.

બીજી તરફ વડોદરામાં ટ્રાવેલ્સ વ્યવસાય કમરતોડ માર સહન કરી રહ્યું છે ત્યારે કારેલીબાગના એક ટ્રાવેલ્સ દ્વારા 4 લક્ઝરી બસ એક સાથે ખરીદવામાં આવી હતી. શનિવારે આરટીઓમાં પાસિંગ માટે આવેલી આ બસ કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બની હતી. ટ્રાવેલર્સ દ્વારા જણાવ્યા મુજબ ટૂર માટે નહીં પરંતુ કંપનીમાં મુકવા બસો ખરીદવામાં આવી છે, જે કર્મચારીઓને લાવવા લઈ જવાના કામમાં વપરાશે.

હરાજીમાં 108 લોકોએ ભાગ લીધો
ઇન્ચાર્જ આરટીઓ વડોદરા એ.એમ.પટેલે જણાવ્યું હતું કે, 20 માર્ચે થયેલા ઓક્શનમાં 108 લોકોએ ભાગ લીધો હતો. કેટલાંક વર્ષોથી આટલી મોટી બોલી કોઈ બોલ્યું નથી. બાકી નંબરો માટે 15થી 19 એપ્રિલ સુધી માટે અરજી થઈ શકશે.

ગોલ્ડન નંબર માટે રૂા. 25 હજાર બેઝ રેટ
કારના ગોલ્ડન નંબર માટે બેઝ રેટ 25 હજાર અને સિલ્વર નંબર માટે 10 હજાર તેમજ ટુ વ્હીલર માટે ગોલ્ડન નંબર 5 હજાર, સિલ્વર નંબર 2 હજાર બેઝ રેટ છે. આરટીઓ આ રકમથી ઓછામાં કોઈ પણ નંબર વેચી શકતી નથી. જો બોલી ન બોલાય તો એ નંબર પડી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here