વડોદરા : બે યુવાનોએ મળીને કારને સેનિટાઈઝ કરવા ઓક્ટોપસ રોબોટ તૈયાર કર્યો

0
2

કોરોનાકાળમાં લોકો આર્થિક અને શારીરિક રીતે ભાંગી પડ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, લોકડાઉનથી અનલોકના સમયગાળા દરમિયાન વડોદરા શહેરના કેટલાક યુવાનો એવા હતા કે, જેઓ કોરોનાકાળમાં ઉભી થયેલી સમસ્યાના સમાધાન માટે કામ કરી રહ્યા હતા અને સમય જતા તેઓને સફળતા પણ મળી હતી. વડોદરાના બે ઉદ્યોગ સાહસિક યુવાનો યુવરાજસિંહ પરમાર અને મિથીલેશ પટેલે અનોખો સેનિટાઇઝિંગ રોબોટ તૈયાર કર્યો છે. રોબોટને ઓક્ટોપસ જેવો અનેક હાથ વાળો બનાવવામાં આવ્યો છે અને આ રોબોટની મદદથી કારના ઇન્ટિરિયરને ડેમેજ કર્યાં વગર કામગીરી કરી શકે છે.

યુવાનોને કંઇક ઇનોવેટીવ કરવાનો વિચાર આવ્યો
ઓક્ટોપસ જેવા સેનેટાઇઝિંગ મશીન બનાવનાર ઉદ્યોગ સાહસિક યુવાન યુવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને લાવવા લઇ જવા માટે અનેક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોનાનો ચેપ બીજે ફેલાય નહીં તે માટે વાહનોને અવારનવાર સેનિટાઈઝ કરવાની ફરજ પડી હતી. જેને લઇને સમયની માગ સમજીને મેં અને મારા મિત્ર મિથીલેશ પટેલે લોકડાઉન સમયે એન્ટી બેક્ટેરીયલ સ્ટીમ સેનિટાઇઝિંગ સિસ્ટમ અને એન્ટી બેક્ટેરીયલ કેમિકલ સેનેટાઇઝિંગ સીસ્ટમ બનાવી હતી અને તેના દ્વારા વાહનોને સેનિટાઇઝ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, સમય જતા વાત ધ્યાને આવી કે, કેમિકલની અસરને કારણે વાહનની અંદરનું ઇન્ટિરીયર ખરાબ થતું હતું. જેને લઇને અમને કંઇક ઇનોવેટીવ બનાવવાનો વિચાર આવ્યો હતો.

ઓક્ટોપસ રોબોટ બનાવવા પાછળ યુવાનોએ 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો
ઓક્ટોપસ રોબોટ બનાવવા પાછળ યુવાનોએ 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો

5 મહિના બાદ સફળતા મળી
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે બનાવેલી સેનિટાઇઝિંગ સિસ્ટમ વધુ ખર્ચાળ અને સમય માગી લે તેવી હતી અને બીજી બાજુ કારોના કાળમાં લોકો પૈસા અને સમય બચે તથા તેની સાથે કારનું ઇન્ટીરીયર પણ સેફ રહે તેવા વિકલ્પની શોધમાં હતા. તો અમે નાણાં અને સમયની બચત કરે તથા કારનું ઇન્ટિરીયર સુરક્ષીત રાખે તેવા સેનેટાઈઝરના વિકલ્પ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં 5 મહિના બાદ અમને સફળતા મળી હતી.

ભારત સરકારે સેનેટાઇઝિંગ રોબોટની પેટન્ટ એપ્રુવ કરી
તેઓએ જણાવ્યું હતું કે, 5 મહિના સુધી અને અમારૂ એક્સપરિમેન્ટ ચાલુ રાખ્યું હતું. આખરે અમને ઓક્ટોપસ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં સફળતા મળી હતી. રોબોટનું નામ પોર્ટેબલ ઓટોમોબાઇલ ડિસઇન્ફેક્ટેડ ડિવાઇઝ છે. તાજેતરમાં અમે ભારત સરકાર સમક્ષ અમારા રોબોટની પેટન્ટ કરાવવા માટેની એપ્લિકેશન ફાઇલ કરી હતી. જેમાં અમને સફળતા મળી છે અને ભારત સરકાર દ્વારા પેટન્ટ એપ્રુવ કરી દેવામાં આવી છે.

બે યુવાનોએ મળીને કારને સેનિટાઇઝ કરવા ઓક્ટોપસ રોબોટ તૈયાર કર્યો હતો
બે યુવાનોએ મળીને કારને સેનિટાઇઝ કરવા ઓક્ટોપસ રોબોટ તૈયાર કર્યો હતો

મોબાઇલ એપ્લિકેશન થકી ઓક્ટોપસ રોબોટ એક્ટિવ થઇ જાય છે
ઓક્ટોપસ રોબોટની કામગીરી અંગે મિથીલેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલા ઓક્ટોપસ રોબોટને કારમાં મૂકવામાં આવે છે, ત્યાર બાદ કારને બંધ કરવામાં આવે છે અને કારમાં રીફ્લેક્ટીવ મટીરીયલ ચઢાવવામાં આવે છે. રોબોટ મોબાઇલ એપ્લિકેશન સંચાલિત હોવાના કારણે પછી મોબાઇલનું બ્લુટુથ ઓન કરવામાં આવે છે, ત્યાર બાદ મોબાઇલ એપ્લિકેશન થકી ઓક્ટોપસ રોબોટ એક્ટિવ થઇ જાય છે.

તમામ ફુગ અને બેક્ટેરીયાનો નાશ કરી શકાય છે
રોબોટને કારમાં ત્રણ પ્રકારના કમાન્ડ આપી શકાય છે. પહેલા મોડમાં ઓક્ટોપસ એક્ટિવ થાય છે. બીજા મોડમાં કારમાં રહેલી હવા સ્પેશિયલ ચેમ્બરમાંથી પસાર થાય છે અને આમ કરવાથી ફ્રેશ હવા કારમાં જાય છે. અને હવાનું શુદ્ધીકરણ કરવામાં આવે છે, ત્યાર બાદ ત્રીજા કમાન્ડમાં જ્યાં લાઇટનો પ્રકાશ ન જઇ શકે તેવી જગ્યાના બેક્ટેરીયાનો નાશ કરવા માટે વિશેષ દ્રવ્યના ધૂમાડાનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રવ્ય સુગંધિત હોવાના કારણે બેક્ટેરીયાનો નાશ કરવાની સાથે કારનું વાતાવરણ પ્રફુલ્લીત બનાવે છે. ગાડીમાં ઓર્ગેનિક પદાર્થો પડી જવાથી સમય જતા દુર્ગંધ આવતી હોય છે. આ પ્રક્રિયાથી તમામ ફુગ અને બેક્ટેરીયાનો નાશ કરી શકાય છે.

ભારત સરકાર દ્વારા સેનેટાઇઝિંગ રોબોટની પેટન્ટ એપ્રુવ કરી દેવામાં આવી છે
ભારત સરકાર દ્વારા સેનેટાઇઝિંગ રોબોટની પેટન્ટ એપ્રુવ કરી દેવામાં આવી છે

ઓક્ટોપસ રોબોટ બનાવવા પાછળ રૂ. 10 હજારનો ખર્ચ થયો
યુવરાજ પરમારે ઉમેર્યું હતું કે, ઓક્ટોપસ રોબોટ બનાવવા પાછળ રૂ. 10 હજારનો ખર્ચ થયો છે. અમે આ પ્રોજેક્ટને ભવિષ્યમાં સારી તક મળી તો કમર્શિયલાઇઝ કરીશું. અત્યાર સુધી આ ઇનોવેશન માટે સરકાર તરફથી અમને કોઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, પરંતુ, જો તે પ્રકારે સપોર્ટ મળે તો અમારા પ્રોજોક્ટને આગળ લઇ જવામાં મદદરૂપ થશે.

બંને ખુબ જ નાની વયથી ઇનોવેટીવ આઇડિયા પર કામ કરતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ પરમાર અને મિથીલેશ પટેલ ખુબ જ નાની વયથી ઇનોવેટીવ આઇડિયા પર કામ કરતા હતા. ઓક્ટોપસ રોબોટ યુવરાજ પરમારનું 22મું ઇનોવેશન છે. અને મિથીલેશ પટેલનું ઓક્ટોપસ રોબોટ 50મું ઇનોવેશન છે. બંને યુવા ઉદ્યમીઓએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ લોકોનું જીવન વધુ સરળ બનાવવા માટે ટેક્નોલોજીના આધારે ઇનોવેશન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here