વડોદરા : ચૂંટણી પહેલાં મોપેડની ડીકીમાં 39 લાખ રોકડા લઈને જતા બે યુવાનો ઝડપાયા

0
7

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી ટાણે મોડી રાત્રે ફતેગંજ પોલીસે મોપેડની ડીકીમાં રૂપિયા 39 લાખ રોકડા લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને ઝડપી પાડ્યા હતા. આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી. તે દિશામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ડીકીમાંથી રૂપિયા 39 લાખ રોકડા મળ્યા

તા. 28 ફેબ્રુઆરીના રોજ રવિવારે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી થનાર છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ચૂંટણીઓમાં મતદારોને રિઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવે છે અને દારૂની રેલમછેલ થતી હોય છે. ત્યારે મોડી રાત્રે ફતેગંજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન મોપેડ લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને ઉભા રાખી તેઓના મોપેડની ડીકીમાં તપાસ કરતા રૂપિયા 39 લાખ રોકડા મળી આવ્યા હતા.

39 લાખ સાથે બે યુવાનોની અટકાયત

રૂપિયા 39 લાખ રોકડ અંગે બંને યુવાનો સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસ બંનેને પોલીસ મથક ખાતે લઇ આવી પૂછપરછ શરૂ કરી હતી. જોકે આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી ને ક્યાં લઈ જવામાં આવી હતી તે અંગે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ ફતેગંજ પોલીસે રૂપિયા 39 લાખ સાથે અટકાયત કરાયેલા બંને યુવાનો સામે જાણવાજોગ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની તપાસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતાઓ

ફતેગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે રૂપિયા 39 સાથે ઝડપાયેલ બંને યુવાનો પૈકી અંકલેશ જયંતીભાઈ પટેલ (રહે 199, મારુતિ ધામ સોસાયટી બાજવા) અને આર્યન ધર્મેન્દ્રભાઈ પટેલ (રહે, બી -141 યોગીનગર ટાઉનશીપ, રામાકાકા ડેરી પાસે છાણી )ના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. મોડી રાત્રે રૂપિયા 39 લાખ રોકડા પકડાતા આ રકમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે લઈ જવાતા હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here