વડોદરા : આરોગ્ય વિભાગ તરફથી ઠપકાનો ડોઝ અપાતા 45થી વધુ વયનું રસીકરણ બંધ નહીં થાય

0
5

45+ વાળા નાગરિકો માટે 2 દિવસથી બંધ રસીકરણ આખરે ગુરુવારથી શરૂ કરવામાં આવનાર છે પણ આ વય જૂથમાં રસીકરણ બંધ રાખવાના નિર્ણય બદલ મ્યુનિસિપલ કમિશનરને ગાંધીનગર થી ઠપકો મળ્યો હતો તો પાલિકાના આરોગ્ય અમલદારને આરોગ્ય વિભાગ તરફથી ઠપકાનો ડોઝ અપાયો હતો.પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી 45 થી વધુ ઉંમરના લોકો માટે વેકસીન આપવામાં આવી રહી હતી પણ વેકસીનનો જતો ખૂટી પડતા આખરે મંગળવારથી આ વય જૂથમાં રસી આપવાનો બંધ થતાં હોબાળો મચી ગયો હતો.

બીજી તરફ 18 થી 45 વર્ષના વય જૂથમાં વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે પરંતુ પ્રથમ દિવસે 76 કેન્દ્રોમાં રસી આપવામાં આવી હતી પણ બીજા દિવસથી 50 % કેન્દ્રો પરથી રસી અપાઇ રહી છે.બે દિવસથી શહેરમાં વેક્સિન ના પૂરતા જથ્થાના અભાવે 45 થી વધુ ઉંમરના લોકો માટે કોરોના સામે કવચ આપતી રસી બંધ થતાં તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા.ખુદ મ્યુનિસિપલ કમિશ્નરે અપૂરતા જથ્થાના કારણે 45થી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાનું બંધ કરવામાં આવ્યું છે તેવી પોસ્ટ સોસિયલ મીડિયામાં મુકતા આશ્ચર્ય પણ ફેલાયું હતું.

જેના કારણે ગાંધીનગરથી મ્યુ.કમિશનરને ઠપકો મળ્યો છે અને તેવી જ રીતે આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલને પણ ડોઝ અપાયો હતો અને તેની ચર્ચા પણ તેમની ઓનલાઇન બેઠકમાં થઈ હતી. જેમાં હવેથી આ રીતે રસીકરણ બંધ નહીં કરાય તેવી મ્યુ.કમિશનર સ્વરૂપ પી એ ખાસ સૂચના આપી હતી.

જોકે, 30 હજારનો ડોઝ વડોદરાને મળતા આખરે ગુરુવારથી ફરી એક વખત 45થી વધુ ઉંમરની વ્યકિત માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે અને ગુરુવારથી 70% રસી બીજા ડોઝ લેનારને આપવા પર ભાર મૂકવામાં આવશે.માંજલપુર, મકરપુરા, કારેલીબાગ સહિતના વિવિધ રસીકરણ સેન્ટરો પર બુધવારે 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો રસી મુકાવા માટે પહોચતા તેમને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. તેમને 5 થી 6 દિવસ પછી આવજો તેવું કહેવાતા લોકો રોષે ભરાયા હતાં.

5 દિવસ બાદ રસી માટે આવવાનું કહ્યું
મારે બીજો ડોઝ લેવાનો છે. જેના માટે હું ચાર દરવાજા વિસ્તારમાં આવેલા જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. જ્યારે પણ હોસ્પિટલમાં જાઉ એટલે મને રસીનો ડોઝ નથી તેમ કહેવામાં આવતું હતું. બુધવારે પણ હું હોસ્પિટલમાં રસી મુકાવવા માટે ગયો હતો. જ્યાં સ્ટાફે મને રસી નથી એટલે પાંચ-છ દિવસ પછી આવજો તેમ કહી દિધું હતું. હું સમા-સાવલી રોડ પર રહું છું અને ગરમીના દિવસોમાં મારે રસીનો બીજો ડોઝ લેવા ધક્કા ખાવા પડી રહ્યાં છે. > મુકેશભાઈ સોની, સમા-સાવલી રોડ

રસી ક્યારે મળશે તેનો જવાબ નથી મળતો
હું માંજલપુર અશોકરાજે ગાયકવાડ સ્કુલ, મેન્ટલ હોસ્પિટલ કારેલીબાગ તેમજ અન્ય સેન્ટરો પર મારો બીજો ડોઝ મુકાવા છેલ્લા ચારેક દિવસથી જઈ રહ્યો છું. પરંતું મને રસીનો બીજો ડોઝ હજુ સુધી મુકાયો નથી. જ્યારે બુધવારે પણ હું અલગ અલગ સેન્ટરો પર ફર્યો પરંતું મને રસી નથી તો ક્યાંથી મુકીએ તેવા જવાબ મળ્યાં છે. > રમેશ પંચાલ, મકરપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here