વડોદરા : કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે સર્જાયેલા વિવાદમાં પત્નીના પ્રેમની થઇ જીત

0
0

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે સર્જાયેલા વિવાદમાં છેવટે પત્નીના પ્રેમની જીત થઇ છે અને હાઇકોર્ટની મંજૂરી બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા છે. જોકે કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દર્દીના સ્પર્મ વડોદરાની લેબમાં રાખવામાં આવ્યા છે

આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર અનિલકુમાર નામ્બિયાર, ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર અને મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ વિભાગના ડો. મયૂર ડોડિયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે હાઇકોર્ટના હુકમ બાદ 20 જુલાઇના રોજ સાંજે 5:09 કલાકે હાથમાં આવ્યા બાદ સાંજે 7:30 કલાક પછી દર્દીના સ્પર્મ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને TESE (Testicular Spem Extraction) પદ્ધતિથી દર્દીના સ્પર્મ લઇ લેવામાં આવ્યા છે અને હાલ એને વડોદરાની લેબમાં રાખવામાં આવ્યા છે.

કોર્ટના આદેશ બાદ દર્દીના સ્પર્મનો ઉપયોગ કરી IVFની પ્રક્રિયા કરી શકશે

હોસ્પિટલની ટીમે વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ પ્રક્રિયા માટે જરૂરી અનુમતિની દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દર્દીની અચેતન અવસ્થા અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ દ્વારા સ્પર્મ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સારવાર લઇ રહેલા દર્દીને મલ્ટી ઓર્ગન ફેલ્યોરની તકલીફમાં સઘન સારવાર કરવામાં આવી રહી છે. વધુમાં દર્દીની બચવાની નહિવત્ શક્યતાને ધ્યાનમાં રાખી પરિવારજનોને આ બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે. હોસ્પિટલ દર્દીની મંજૂરી વગર સ્પર્મ લઇ શકતી નથી, પરંતુ હાઇકોર્ટે હુકમ કરતાં સ્પર્મ લઇ લેવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ દર્દીના સ્પર્મનો ઉપયોગ કરીને આઇ.વી.એફ. ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરી શકશે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર અનિલકુમાર નામ્બિયાર.
સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર અનિલકુમાર નામ્બિયાર.

હોસ્પિટલ દર્દીનાં પરિવારજનો સાથે જ છે

હોસ્પિટલની ટીમે વધુમાં જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ માટે આ પહેલો કિસ્સો છે. અમે કોર્ટના ઓર્ડર પહેલાં જ દર્દીના સ્પર્મ લેવા માટેની તૈયારી કરી દીધી હતી. કોર્ટનો ઓર્ડર આવતાં જ અમે દર્દીના સ્પર્મ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સ્પર્મ લેવાની પ્રક્રિયા સમયે દર્દીને બ્લીડિંગ થઇ શકે છે. એ વાતથી પણ અમે દર્દીનાં પરિવારજનોને વાકેફ કર્યા હતા. હોસ્પિટલ દર્દીનાં પરિવારજનો સાથે જ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો

20 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો હતો. આ કેસ આજના સમયના દરેક યુગલો માટે પ્રેરણારૂપ છે, જેમાં પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભર્યું છે, જેમાં એક વિશેષ માગણી સાથે પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. એમાં વાત એમ છે કે અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતાં તેમના બચવાની આશા ડોક્ટરે છોડી દીધી હતી. એવામાં અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતાં કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો.

હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના સ્પર્મ સેમ્પલ લેવાની મંજૂરીનો ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના સ્પર્મ સેમ્પલ લેવાની મંજૂરીનો ચુકાદો આપ્યો હતો.

કોર્ટે આગામી સુનાવણી સુધી સ્પર્મ પ્લાન્ટ ન કરવા આદેશ કર્યો

IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ રાહુલભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે એમ ન હતું, આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે, અંજલિબેને આજે કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ સ્પામને જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.

યુવતી મૂળ ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી

અમદાવાદમાં રહેતી યુવતી કેનેડા ગઈ હતી. ત્યાં તેને કેનેડાનો પીઆર(પર્મનન્ટ રેસિડન્સી) મળ્યો. મૂળ ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી. એ યુવાન પણ જૂન 2018થી કેનેડાનો પીઆર ધરાવતો હતો. બન્ને એકબીજાને બેહદ પ્રેમ કરતાં હતાં. અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં અને પતિ-પત્ની એકબીજાની સાથે રહેતાં. પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું હોય છે એ કોઈ કળી શકતું નથી. ફેબ્રુઆરી 2021માં તે યુવાનના પિતાને હૃદયની ગંભીર બીમારી થઈ અને ડૉક્ટરે તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી, આથી તે યુવતી પતિ સાથે માર્ચ 2021માં ભારત પાછી આવી ગઈ અને પતિના પિતા અને માતાની સંભાળ લેવાનું શરૂ કર્યું.

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સ્પર્મ લેવામાં આવ્યા.
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સ્પર્મ લેવામાં આવ્યા.

પતિના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થતાં IVF પ્રોસિઝર અપનાવવાનો નિર્ણય કર્યો

પતિ રોજ હૉસ્પિટલ જતો અને પિતાની સેવા કરતો. તેમનું હૃદયનું ઓપરેશન સફળ થયું અને તેઓ ઝડપથી સાજા થવા માંડ્યા, પરંતુ કુદરતે કંઈક જુદું જ ધાર્યું હતું. પિતા સાથે સતત હૉસ્પિટલમાં સમય વિતાવનાર પુત્રને કોરોનાનું ઇન્ફેક્શન લાગી ગયું હતું. તેની સ્થિતિ ન સુધરતાં ગત 10 મેના રોજ તેને હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યો. ત્યારથી એ યુવતી પતિ સાજો થાય એ માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હતી, પરંતુ ડૉક્ટરોના ભારે પ્રયાસો છતાં યુવકની સ્થિતિ કથળતી જતી હતી. એનાં બન્ને ફેફસાંમાં કોરોના પ્રસરી ચૂક્યો હતો. આખરે તેને ઍક્મો (ecmo) સપોર્ટ પર મૂકવો પડ્યો અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી. પોતાના પતિને બેહદ પ્રેમ કરતી એ યુવતીને તેના જ સંતાનની માતા બનવું હતું, આથી તેણે આઇવીએફ પ્રોસિઝર અપનાવવાનો નિર્ણય કર્યો હતો.

ચુકાદો આપતી વખતે જજ પણ ભાવુક થઈ ગયા

અભૂતપૂર્વ એવા આ કેસની સુનાવણી દરમિયાન અલૌકિક પ્રેમની આ ઘટનાથી ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી. ચુકાદા દરમિયાન યુવતીને પતિનાં સ્પર્મનાં સેમ્પલ મેળવવાની મંજૂરી આપ્યા બાદ હાઇકોર્ટના જજ ભાવુક થઈ ગયા હતા. ગુજરાત હાઇકોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત જ હૉસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મનાં સેમ્પલ મેળવીને તેના દ્વારા માતા બનવા માટે પત્ની દ્વારા અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ગંભીરતા પારખીને વિશેષાધિકારની રૂએ માત્ર 15 મિનિટમાં ચુકાદો આપ્યો હતો.

ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર.
ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર.

હાઇકોર્ટે 15 મિનિટમાં જ ચુકાદો આપ્યો

હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના સ્પર્મના સેમ્પલ લેવાની મંજૂરીનો ચુકાદો આપ્યો. એટલું જ નહીં, સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી, જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે. જોકે હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં ચુકાદો આપ્યા બાદ 7 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હૉસ્પિટલ દ્વારા સેમ્પલ મેળવવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here