વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસે ખેતરમાં યોજાયેલી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની થ્રી-ડી પાર્ટીમાં થયેલી મારામારી દરમિયાન વડોદરાના યુવાની હત્યા થઈ હતી. વડોદરાના નવાપુરાના યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પાર્ટીમાં ગોરવા સહિત વડોદરાના વિવિધ વિસ્તારોના યુવાનો હોવાનું બહાર આવ્યું છે.
ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ પાર્ટીનું આયોજન કરાયું હતું વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોરોના મહામારીના કારણે થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટીઓ યોજવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તે સાથે પાર્ટીઓ ન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ છતાં પોલીસ તંત્રને ગંધ ન આવે તે રીતે પાર્ટીઓ યોજાઇ હતી. કેટલાક સ્થળોએ થ્રી-ડી પાર્ટીઓનું પણ આયોજન થયું હતું. જેમાં પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેના ખેતરમાં પણ સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ એમ થ્રીડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.
પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી
વડોદરાના હિતેષ પરમારની હત્યા કેવી રીતે કરવામાં આવી? અને કોણે કરી? તે જાણવા માટે પોલીસ દ્વારા પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ પાર્ટીમાં સ્થાનિક સહિત વડોદરાના ગોરવા અને શહેરના વિવિધ વિસ્તારના યુવાનો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. થર્ટી ફર્સ્ટની રાત્રે પાદરા તાલુકાના ઘાયજ ગામમાં થયેલી હત્યાના બનાવે ઘાયજ ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર જગાવી મુકી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
સવારે આ બનાવની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને લાશનો કબજો લઇ લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે સાથે પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન હિતેષ પરમારની હત્યાની ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. હાલ પાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.