વેરાવળ : મીઠાપુરમાં મેટિંગ દરમિયાન દીપડો-દીપડી 60 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા, દીપડાનું મોત

0
44

વેરાવળ: વેરાવળના પ્રભાસપાટણ પાસે આવેલા મીઠાપુર ગામે 60 ફૂટ ઉંડા કૂવામાં મેટિંગ દરમિયાન દીપડો અને દીપડી પડી ગયા હતાં. જેમાં દીપડાનું મોત થયું હતું. જ્યારે વન વિભાગે દીપડીને સહી સલામત બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાવી હતી.

30 ફૂટ સુધી કૂવામાં પાણી ભર્યું હતું

મીઠાપુર ગામે મેરામણભાઇ રામભાઇ ડોડીયાની વાડીના કૂવામાં રવિવારે મેટિંગની ક્ષણો દરમિયાન દીપડો અને દીપડી એક સાથે કૂવામાં ખાબક્યા હતા. જેની જાણ ખેડૂત મેરામણભાઇને થતા તેઓ ફોરેસ્ટ વિભાગને આ અંગે જાણ કરી હતી. અને વેરાવળ ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં મૃત દીપડાને ખાટલો કૂવામાં ઉતારી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દીપડી કૂવાના એક સાઇડના ભાગમાં સહી સલામત રીતે ઉભી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે આ 60 ફૂટ ઉંડા કૂવામાં 30 ફૂટ જેટલુ પાણી હોવા છતાં પણ વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પાંજરું કુવામાં ઉતારી જીવીત દીપડી બહાર કાઢી હતી.

બે કલાક રેસક્યુ ઓપરેશન ચાલ્યુ

જાણવા મળતી વિગત મુજબ મૃત દીપડાની ઉંમર 4 વર્ષની હતી. જીવીત 3 વર્ષની દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે. તો બીજી તરફ મૃત દીપડાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ કામગીરીમા ફોરેસ્ટ વિભાગના એલ. ડી. ગલચર, આર. કે. મોરડીયા, વેરાવળ અને માંગરોળની ટ્રેકર ટીમ દ્વારા બે કલાક સુધી રેસ્ક્યુ હાથ ધર્યું હતું.