વરિષ્ઠ કલાકાર શિવકુમાર વર્મા વેન્ટિલેટર પર : સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન એ બોલિવૂડ સ્ટાર્સ પાસે માગી મદદ.

0
0

વરિષ્ઠ ટીવી તથા બોલિવૂડ એક્ટર શિવકુમાર વર્મા હાલમાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તેમને આર્થિક મદદની તાત્કાલિક જરૂર છે અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આર્થિક મદદ માગી છે. CINTAA એ બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, સની દેઓલ, વિદ્યા બાલનને શક્ય તેટલી મદદ કરવા માટે ટૅગ કર્યાં છે. શિવકુમારને ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડિસિઝ (COPD, એક જાતની શ્વસન તથા ફેફસાંની બીમારી) છે. આ ઉપરાંત શિવ કુમાર કોરોના પોઝિટિવ હોય તેમ પણ માનવામાં આવે છે.

શું કહ્યું CINTAA?

CINTAA એ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘તાત્કાલિક મદદની જરૂર છે. #CINTAA ના સભ્ય શિવકુમાર વર્મા COPD થી પીડાય છે અને તેઓ કોરોના પોઝિટિવ હોય તેવી શક્યતા છે. સારવાર માટે તાત્કાલિક પૈસાની જરૂર છે. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે શક્ય તેટલી મદદ કરો.’ CINTAA પોતાની પોસ્ટમાં શિવકુમાર વર્માના બેંક અકાઉન્ટની પણ માહિતી આપી હતી.

12 કલાકમાં ત્રણવાર પોસ્ટ શૅર કરી

CINTAA એ 12 કલાકની અંદર આ પોસ્ટ ત્રણવાર શૅર કરી હતી, જેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સની દેઓલ, મનોજ જોષી સહિત વિવિધ સ્ટાર્સને ટૅગ કરી હતી.

CINTAA ના જોઈન્ટ સેક્રેટરી અમિત બહલે એક વાતચીતમાં કહ્યું હતું, ‘અમને બુધવાર (2 ડિસેમ્બર)ના રોજ આ સમાચાર મળ્યા હતા અને અમે CINTAA ના નિયમ પ્રમાણે, તાત્કાલિક 50 હજાર રૂપિયા તેમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં.’

વધુમાં અમિતે કહ્યું હતું, ‘કોરોનાનો રિપોર્ટ આવવામાં હજી સમય લાગશે પરંતુ અમે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. બેંક અકાઉન્ટની માહિતી પણ શૅર કરી દેવામાં આવી છે. તેમને અનેક બીમારી છે. શિવકુમાર એસોસિયેશનના એક્ટિવ મેમ્બર છે અને તેમની દીકરીએ મદદ માટે અમારો સંપર્ક કર્યો હતો.’

ઉલ્લેખનીય છે કે શિવકુમારે બોલિવૂડ ફિલ્મ ‘હલ્લા બોલ’ તથા ‘બાઝી જિંદગી કી’માં કામ કર્યું છે. આ ઉપરાંત તે કેટલીક સિરિયલ્સમાં પણ જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here