વડોદરા : વિબ્ગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલે વગર વ્યાજની લોન યોજના શરૂ કરી, વાલીઓ સરળતાથી ફી ભરી શકે તે માટેનો પ્રયાસ

0
3

વડોદરા શહેરની ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા વધુ ફી માંગવા સાથે પઠાણી ઉઘરાણી શરૂ કરાતા વાલીઓએ સ્કૂલ ઉપર જઇને આજે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ ભારે હોબાળો મચાવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કૂલ ઉપર દોડી ગયા હતા. એક તરફ સ્કૂલો દ્વારા ફીના મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલી વિબ્ગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કોવિડ-19ની સ્થિતિમાં મુશ્કેલીમાં મૂકાઇ ગયેલા વાલીઓ સહેલાઇથી ફી ભરી શકે તે માટે લોન યોજના અમલમાં મૂકી છે.

વિબ્ગ્યોર ગૃપ ઓફ સ્કૂલ વિના વ્યાજે લોન આપશે
વડોદરા શહેરના ભાયલી ખાતે આવેલા વિબ્ગ્યોર ગૃપ ઓફ સ્કૂલના CEO મનિષ રસ્તોગીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં વાલીઓની હાલત કફોડી બની ગઇ છે. જે વાલીઓ ફી ભરી શકતા નથી. તેવા વાલીઓ માટે 27 માસ માટે 5 લાખ(વિદ્યાર્થી દીઠ રૂપિયા 2.50 લાખ) સુધીની લોનની સુવિધા કરવામાં આવી છે. આ લોન વિના વ્યાજે આપવામાં આવશે. સરળ EMI એજ્યુકેશન લોન વડોદરા, મુંબઇ, પુણે અને નાસિક શહેરની સ્કૂલો માટે શરૂ કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા જે વાલીઓ ફી ભરી શક્યા નથી તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના પણ અમલમાં મૂકી છે. આ સાથે જે વાલીઓ એક સાથે ફી ભરી શકતા નથી. તેવા વાલીઓ માટે ઇન્સ્ટોલમેન્ટની પણ સુવિધા કરી આપવામાં આવી છે.

ગુજરાત પબ્લિક સ્કૂલની ફી ઉઘરાણી સામે વાલીઓમાં રોષ
કોરોનાની મહામારીમાં વાલીઓની હાલત કફોડી બની ગઇ છે. અનેક વાલીઓના નોકરી-ધંધા રહ્યા નથી. આર્થિક ભિંસનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરની વિવિધ સ્કૂલો દ્વારા વાલીઓ પાસે ફી માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરની અનેક સ્કૂલો સામે ફી મુદ્દે વિવાદો થયા છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી. આજે શહેરના કલાલી રોડ ઉપર આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરવા સાથે વાલીઓ પાસે ઉઘરાણી શરૂ કરતા રોષે ભરાયેલા વાલીઓ સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા. અને ભારે હોબાળો મચાવ્યો હતો.

ગુજરાત પબ્લિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો
(ગુજરાત પબ્લિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો)

 

પ્રશ્નોનું નિરાકરણ આવે નહીં ત્યાં સુધી વાલીઓ લડત ચાલુ રાખશે

વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકો FRCએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી માંગવામાં આવી રહી છે. અમે સ્કૂલ પાસે ફી અંગેનું બાયફરકેશન માંગ્યુ છે. હાઇકોર્ટમાં ફી અંગેનો નિર્ણય પેન્ડિંગ છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ આપતા ગ્રુપમાં વિદ્યાર્થીના નામ જોગ ફીનો મેસેજ કરવામાં આવી રહ્યો છે. જે યોગ્ય નથી. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા હતા, પરંતુ, તેઓની તબિયત સારી ન હોવાથી તેઓને રજૂઆત કરી શકાય નથી. જોકે, હવે વાલીઓ જાગૃત થઇ ગયા છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે નહીં ત્યાં સુધી અમે વાલીઓની લડત ચાલુ રહેશે.