રાંદેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી મસમોટું જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં 50 થી 100 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. શિતલ ટોકિઝ પાસે જુગારધામ ચલાવનાર યોગેશ નામનો માથાભારે ફરાર થઈ ગયો છે. જ્યારે અન્ય જુગારીઓ પણ વિજિલન્સની ટીમને જોઈને જુગારધામથી નાસી જવા પ્રયત્નો કર્યા હતા. વિજિલન્સની ટીમે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.જુગારીઓના 30 થી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું
રાંદેર વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા શિતલ ટોકિઝ પાસે જુગાર ધામ ચાલતું હતું. સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરીને મોટાભાગના જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં ભર બપોરે રેડ કરીને જુગારીઓને ઝડપી લીધા છે. જેથી સ્થાનિક પોલીસ DCB, PCB અને SOG ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમે આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડ્યા હતાં.