3 વર્ષની બાળકી પર દુષ્કર્મના પિશાચીઓને મરે નહીં ત્યાં સુધી જેલની સજા

0
8

કોરોનાના કકળાટ અને ફફડાટ વચ્ચે વીતેલા 2020ના વર્ષમાં રાજ્યની કોર્ટ કચેરીઓએ પણ દાખલારૂપ ચુકાદા આપીને ન્યાયતંત્ર પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. બાળકી પર આચરાતા દુષ્કર્મ જેવા જઘન્ય કેસમાં કોર્ટે કોઈપણ પ્રકારની દયા દાખવ્યા વગર સમાજમાં અન્ય કેસ ન બને એ માટે કડકમાં કડક સજા ફટકારીને આરોપીઓમાં ધાક બેસાડવા પ્રયત્ન કર્યા છે. એમાં સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારને જીવનના છેલ્લા શ્વાસ સુધી અને રાજકોટમાં 3 વર્ષની બાળકીને ચૂંથનાર આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ, રાજકીય રીતે ભારે વગ ધરાવતા નેતાઓને પણ કાયદાનો પાઠ ભણાવાયો હોય એમ ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી દીધી હતી, સાથે જ સાવલી કોર્ટે રાજ્યમાં બીજી વાર દુષ્કર્મનો ભોગ બનેલી બે પીડિતાને વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

સુરતમાં દુષ્કર્મના આરોપીને જીવનપર્યંત જેલ (11 ડિસેમ્બર,2020)

ઓગસ્ટ 2018માં માનવતાને શર્મશાર કરતા સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ઘરની બહાર રમતી ત્રણ વર્ષની બાળાને ઉઠાવી જઈ 24 વર્ષીય યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. કારખાનામાં કામ કરતા કર્મચારીએ માસૂમ બાળકીને અંધારામાં લઇ જઇને હવસનો શિકાર બનાવી હતી. પિતાએ નરાધમના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં ટાંક્યું હતું કે બનાવથી ભોગ બનનાર બાળાની બાકીની સામાન્ય જિંદગી પર પણ અસર પડી છે અને બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે છે તેવો ગુનો તો છે જ, પરંતુ વ્યક્તિના આત્માનું પણ મૃત્યુ થાય તેવો ગુનો છે.

રાજકોટમાં ત્રણ દાયકા પછી ફાંસીની સજા સંભળાવાઈ (18 માર્ચ, 2020)

રાજકોટમાં સ્પે.પોક્સો કોર્ટના એડિશનલ જજ ડી.ડી.ઠક્કરે 18 માર્ચ 2020ના રોજ ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સજા સંભળાવી હતી. રાજકોટમાં 38 વર્ષ બાદ ત્રણ વર્ષની બાળકીને પીંખનારને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. બાર એસોસિયેશને આરોપીનો કેસ ન લડવા ઠરાવ પણ કર્યો હતો. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયાએ ત્રણ વર્ષ પહેલાં ચુનારાવાડમાંથી પરપ્રાંતીય દંપતીની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું અપહરણ કરી એક જ કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂં સ્થળે લઇ જઇ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. અદાલતે ફાંસીની સજાનો ચુકાદો આપ્યા પછી પણ આરોપી રમેશને કોઇ રંજ કે અફસોસ જોવા મળ્યો ન હતો.

સાવલી કોર્ટે કિશોરીઓની દયનીય હાલતની નોંધ લીધી(7 નવેમ્બર,2020)

પોસ્કો એક્ટ, 2012ની વિવિધ કલમો હેઠળ વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકમાં બે માસૂમ કિશોરીઓ પર બળાત્કારના ગંભીર જાતીય અત્યાચારની બે જુદી-જુદી ફરિયાદો નોંધાઇ હતી. તેની સુનાવણી દરમિયાન અદાલતે બંને બાળ કિશોરીઓની દયનીય હાલતની નોંધ લીધી હતી અને ગુજરાત સરકારની ગુજરાત વિક્ટિમ કોમ્પેન્શેસન સ્કીમ-2019 હેઠળ ભોગ બનનારી છોકરીઓને સત્વર નાણાકીય મદદ મળી શકે એ બાબત અદાલતે ધ્યાનમાં લઈને પહેલથી એટલે કે સુઓમોટો આ આદેશ કર્યો, જે આ ઘટનાનું વધુ એક જમા પાસું છે. સરકારી વકીલે પણ વિક્ટિમ કોમ્પેન્શેસનની યોજના હેઠળના આ આદેશનું સમર્થન કર્યું હતું, જેથી સ્કીમ હેઠળ 2 લાખ અને બીજી કિશોરીને 75 હજારનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે ગુજરાત રાજ્યની બીજી ઘટના હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here