કોણ છે જેનાથી તહેવારો પર શાંતિ સહન થતી નથી? બંગાળમાં 14 માર્ચના રોજ ધૂળેટીના દિવસે હિંસાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક અરાજક તત્વોએ ભગવાનની મૂર્તિઓ સાથે તોડફોડ કરીને ઉત્પાત મચાવી દીધો.
પશ્ચિમ બંગાળમાં ધૂળેટીના દિવસે અશાંતિ જોવા મળી છે. નંદીગ્રામથી ભાજપના વિધાયક શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ તેમના મતવિસ્તારમાં મૂર્તિ ખંડિત કરવાની એક ઘટના સામે આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયે પણ આ ઘટનાની ટીકા કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
અમિત માલવિયે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. નંદીગ્રામ બ્લોક 2ના અમદાબાદ વિસ્તારના કમાલપુરમાં સ્થાનિક રહીશો ગત મંગળવારથી જ પૂજા અર્ચના કરતા હતા. પરંતુ જ્યારે પૂજા અને રામનારાયણ કિર્તન નિર્વિધ્ને ચાલુ રહ્યા તો કેટલાક લોકોએ શ્રી રામના નામ સહન ન થતા સ્થળ પર તોડફોડ કરી અને મૂર્તિઓને અપવિત્ર કરી દીધી.
તેમણે કહ્યું કે બરુઈપુર, જાદવપુર અને મુર્શિદાબાદ સહિત સમગ્ર પ્રદેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત મમતા બેનર્જીની પોલીસે બંગાળના કેટલાક ભાગોમાં હોળી સમારોહ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછી પાછળ હટી ગયા. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, સનાતનીઓમાં વ્યાપક આક્રોશ છે, પરંતુ આ કપરા સમયમાં ભાજપ બંગાળમાં તેમની સાથે મજબૂતીથી પડખે છે. અમે મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં બીજુ બાંગ્લાદેશ બનાવવાની મંજૂરી ક્યારેય નહીં આપીએ.
પશ્ચિમ બંગાળમાં વધતી હિંસાને જોતા બીરભૂમ જિલ્લાના સેન્થિયા શહેરમાં ઓછામાં ઓછા 5 ગ્રામ પંચાયતવાળા વિસ્તારોમાં 17 માર્ચ 2025 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ પગલું અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે બીરભૂમમાં એક પથ્થરબાજીની ઘટનાના રિપોર્ટ બાદ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. આ પગલું શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે ભરાયું છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ 9 માર્ચ 2025ના રોજ ભાજપના નેતા દીલિપ ઘોષે એક ઘટનાની જાણકારી આપી હતી જેમાં પશ્ચિમ બંગાળમાં બશીરહાટ શહેરના શંખચૂરા બજારમાં એક કાલી મંદિરમાં તોડફોડ મચાવવાનો અને હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ તોડવાનો આરોપ લગાવ્યો હતો. ઘોષનો દાવો હતો કે મંદિર પર હુમલો તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહનૂર મંડલના નેતૃત્વમાં થયો હતો.