વીકે સિંહનો દાવો : ચીની સૈનિકોના ટેન્ટમાં આગ લાગતા સર્જાઇ હતી હિંસક અથડામણ

0
6

લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ભાત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહએ મોટો દાવો કર્યો છે. વીકે સિંહ મુજબ, ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું. પૂર્વ આર્મી ચીફનું કહેવું છે કે અચાનક લાગેલી આગથી ભારતીય સૈનિક ભડક્યા હતા.

15 જૂને થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનના કમાંડિંગ અધિકારી સંતોષ બાબૂ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ચીનના પણ 43 સૈનિક માર્યા ગયા હતા.

કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે જણાવ્યું કે, “ભારત અને ચીન વચ્ચે જે વાતચીત થઈ હતી. તેમાં સરહદ નજીક બન્ને દેશોના સૈનિકો પરત ફરશે અને ત્યાં કોઈ હાજર નહીં રહે, તેવો નિર્ણય લેવાયો હતો. જ્યારે 15 જૂને ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર અન્ય સૈનિકો સાથે સાંજે ચીની સૈનિકો પરત ફર્યાં છે કે કેમ? તે જોવા ગયા ત્યારે જાણ થઈ કે, તેઓ ત્યાં જ હતા. જે બાદ ત્યાં તંબુ જોઈને બન્ને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા હતા.

ચીની સૈનિકો તંબૂ હટાવવા લાગ્યા ત્યારે તેમાં આગ લાગી ગઈ. જો કે તંબુમાં શું છુપાવવામાં આવ્યું હતું તેની જાણ નથી થઈ. આ બાબતે બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ અથડામણ દરમિયાન આપણા લોકો ચીની સૈનિકો પર હાવી થઈ ગયા. જેથી ચીને પોતાના વધારે સૈનિકોને બોલાવ્યા, તો આપણા સૈનિકોએ પણ વધારે લોકોને બોલાવ્યા. અંધારી રાત્રે 500થી 600 લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

પૂર્વ આર્મી ચીફનો દાવો છે કે પહેલા આપણા ત્રણ લોકો હતાહત થયા હતા. પછી આપણા અને ચીની સૈનિકો નદીમાં પડી ગયા હતા. ઈજા અને નદીમાં પડવાના કારણે આપણા વધુ 17 જવાન શહીદ થયા. 70 જેટલા ઘાયલ થયા હતા.