ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને દેશના સૈનિકોને સલામ કરી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહે પણ ભારતીય સેનાની હિંમત અને સાહસને સલામ કર્યા હતા.
ભારતીય સેનાના ઋણી રહીશું: કોહલી
વિરાટ કોહલીએ પોસ્ટ કરીને લખ્યું, ‘આપણે આપણી સેના સાથે એકતામાં ઉભા છીએ અને આ મુશ્કેલ સમયમાં આપણા દેશનું રક્ષણ કરવા બદલ તેમને સલામ કરીએ છીએ. આપણે આપણા હિરોની અતૂટ બહાદુરી માટે હંમેશા ઋણી રહીશું અને આપણા દેશ માટે તેમના અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા બલિદાન માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.’
જસપ્રીત બુમરાહની ભાવુક પોસ્ટ
આ સાથે જ ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ ભારતીય સેનાના સાહસની પ્રસંશા કરતી X પર એક ટ્વિટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘હું આપણા સશસ્ત્ર દળોના હિંમત અને બહાદુરી બદલ આભારી છું. તેમને સલામ અને આપણને સુરક્ષિત રાખવા માટે તેઓ જે કંઈ કરે છે તેના માટે હંમેશા તેમના ઋણી રહીશું.’