ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચમાં જ્યારે આખો દેશ ભારતની જીતની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે દેવરિયાનો એક પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મેચના દિવસે, ઘરની દીકરીને ભારતની ઈનિંગ જોતી વખતે હાર્ટ એટેક આવ્યો.
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. આખા દેશે આ જીતની ઉજવણી કરી હતી, પરંતુ આ ઉજવણીમાં એક પરિવાર સામેલ નહોતો થયો. દેવરિયામાં રહેતો એક પરિવાર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ એન્જોય કરી રહ્યો હતો. પરિવારે ન્યૂઝીલેન્ડની આખી ઇનિંગ એન્જોય કરી હતી. પરંતુ ત્યારબાદ ભારતની બેટિંગ આવી અને કંઈક એવું થયું કે પરિવારમાં સન્નાટો છવાઈ ગયો. પરિવારે આ મેચ દરમિયાન પોતાની 14 વર્ષની દીકરી ગુમાવી દીધી હતી.
14 વર્ષની પ્રિયાંશી હાર્ટ એટેક આવવાથી મોતને ભેટી હતી. જ્યારે પ્રિયાંશીનું મોત થયું ત્તયારે ભારતની બેટિંગ ચાલી રહી હતી. ત્યારબાદ વાત વહેતી થઇ હતી કે પ્રિયાંશીનું મોતનું કારણ વિરાટ કોહલીનું એક રને આઉટ થવું હતું. પરંતુ પ્રિયાંશીના પિતાએ દીકરીના અંતિમ સંસ્કાર બાદ જણાવ્યું કે ફાઇનલ મેચના દિવસે શું થયું હતું. તેમણે વિરાટ કોહલીના આઉટ થવાથી પ્રિયાંશીને હાર્ટ એટેક આવ્યાની વાતથી ઇનકાર કર્યો હતો.
પ્રિયાંશીના પિતા અજય પાંડેએ જણાવ્યું હતું કે આ વાતમાં કોઈ હકીકત નથી. ઘટનાના દિવસને યાદ કરતાં પ્રિયાંશીના પિતાએ કહ્યું કે જ્યારે આ ઘટના થઇ ત્યારે તેઓ બહાર હતા. ન્યૂઝીલેન્ડની ઇનિંગ જોયા બાદ અજય માર્કેટ ગયા હતા. ત્યાં તેમને કોલ આવ્યો હતો કે પ્રિયાંશી પડી ગઈ છે. જ્યારે તેઓ ઘરે આવ્યા તો દીકરીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું અવસાન થઇ ગયું હતું. જોકે, અજય પાંડેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની દીકરીના મોતનું કારણ વિરાટ કોહલીની વિકેટ નથી.
8માં ધોરણમાં અભ્યાસ કરતી પ્રિયાંશીનું મોત મેચ દરમિયાન જ થઈ ગયું હતું. મીડિયામાં સમાચાર વહેતા થયા હતા કે વિરાટ કોહલીની વિકેટ પડવાથી તેણીને ઝટકો લાગ્યો હતો અને તેનું મોત થયું. જોકે, પ્રિયાંશીના પરિવારજનોએ કહ્યું કે આવું કંઈ થયું નથી. જ્યારે પ્રિયાંશીનું મોત થયું ત્યારે ભારતીય ટીમ સારું પરફોર્મ કરી રહી હતી. એટલું જ નહિ, જ્યારે પ્રિયાંશી પડી ગઈ, ત્યાં સુધી તો વિરાટ કોહલી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા પણ નહોતા. ત્યારે વિરાટ કોહલીના આઉટ થવાના કારણે પ્રિયાંશીનું મોત ન થઇ શકે.