જલારામ બાપાની 221મી જન્મ જયંતી નિમિત્તે વીરપુર બન્યું જલારામમય : ઘરે ઘરે લોકોએ રંગોળી કરી, વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા.

0
6

આજે જલારામ બાપાની 221મી જલારામ જયંતી છે. ત્યારે આજે આખુ વીરપુર જલારામ મય બની ગયું છે. જલારામ જયંતી નિમિત્તે લોકોએ ઘરે ઘરે રંગોળી કરી છે. બીજી તરફ આજે મંદિર બહાર વહેલી સવારથી જ હરિભક્તોની લાંબી લાઈનો લાગી હતી.

વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી છે. વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો વીરપુર પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષેની જેમ બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા છે. જેમાં વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.

ઘરે જ રહીને જલારામ જયંતીની ઉજવણી કરવા અનુરોધ

પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કરી પૂજ્ય જલારામ બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. બાપાના દર્શન કરવા માટે માસ્ક તેમજ સેનેટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જલારામ ભક્તો દ્વારા વહેલી સવારથી જ ભજન, ધૂન કરતા કરતા બાપાના દર્શન કર્યા હતાં. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતપોતાના ઘેર જ રહીને પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી ઉજવવા અનુરોધ કર્યો છે. સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

લોકોએ ઘરે ઘરે રંગોળી કરી

સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. લોકોએ ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધ્યા છે. સાથે જ રંગોળી પણ કરી છે. રંગોળીઓમાં અલગ અલગ પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્રના સેડ બનાવવામાં આવ્યા છે. જેમાં પૂજ્ય બાપાનો જીવન મંત્ર હતો કે ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના જીવનચરિત્રને સાર્થક કરતા રંગોળીના સેડ બનાવી પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતી વીરપુરવાસીઓ ઉજવી રહ્યાં છે.