Tuesday, December 7, 2021
HomeVMCનું 3554 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વિકાસ કામો માટે પાલિકા 100 કરોડના બોન્ડ...
Array

VMCનું 3554 કરોડનું ડ્રાફ્ટ બજેટ, વિકાસ કામો માટે પાલિકા 100 કરોડના બોન્ડ બહાર પાડશે

વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અજય ભાદુએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું 3554.51 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. જેમાં પાયાની સુવિધાઓ પાણી, ડ્રેનેજ, વરસાદી કાંસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. વડોદરા શહેરની આસપાસમાં આવેલા ભરૂચ, આણંદ, પાદરા, સાવલી અને ડભોઇ સહિતના સેન્ટરની કનેક્ટિવિટી માટે રેલવે સાથે મળીને માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવશે.

પાયાની સુવિધાનાં કામોને પ્રાધાન્ય અપાયું છે

નાણાકીય સ્થિતિને સંતુલિત કરવા ચાલુ વર્ષે સ્વભંડોળનાં કામને નિયંત્રિત કરી પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, જાહેર આરોગ્ય જેવાં અતિ મહત્ત્વના કામો અને શહેરીજનોની દૈનિક જરૂરિયાત સાથે સંકળાયેલાં કામો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.આ જ વ્યવસ્થા આગામી નાણાકીય વર્ષમાં યથાવત્ રાખી પાણી-ડ્રેનેજ-વરસાદી ગટર સહિતનાં નાગરિક સુખાકારી અને વિકાસની પ્રાથમિકતાવાળાં કામો ગ્રાન્ટ અથવા પીપીપી ધોરણે આવરી લેવામાં આવશે. – અજય ભાદુ, મ્યુ.કમિશનર

પાલિકાને 30 હજાર ફરિયાદો મળી

વડોદરા મહાનગરપાલિકાને ગયા વર્ષે શહેરમાંથી 30 હજાર ફરિયાદો મળી હતી. જેમાં 60 ટકા વાંધા મિલકતોને લગતી ફરિયાદો હતી. જેમાં સુધારા કરવામાં આવશે. જેનાથી ભ્રષ્ટાચાર ઘટશે. લોકોની મુશ્કેલી ઓછી પડશે. અધિકારીઓની સમયની બચત થશે. કોર્પોરેશનની આવકમાં 3થી 4 કરોડનો વધારો થશે.

માસ ટ્રાન્સપોર્ટ માટે નગરોને સાંકળાશે

પાદરા, ડભોઇ, સાવલી, વાઘોડિયા, ભરૂચ, આણંદથી હજારો નાગરિકો ધંધા રોજગારી માટે શહેરમાં આવે છે. આ લોકોને અપડાઉન કરવા કનેકટીવીટી મળી રહે તે માટે માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આવે તે જરૂરી છે. જેના માટે બસ અથવા મેટ્રો ટ્રેનનો વિકલ્પ છે. જેના માટે સરવે કરી માસ્ટર પ્લાન બનાવાશે.

અલકાપુરીમાં બનશે મલ્ટિસ્ટોરી પાર્કિંગ

શહેરમાં ટ્રાફિકની  અને  પાર્કિગની વિકટ સ્થિતિ છે. સંખ્યાબંધ વિસ્તારોમાં પાર્કિગ માટે પૂરતી જગા પણ વાહનચાલકોને મળતી નથી. શહેરમાં 10 લાખ વાહનો નોંધાયેલા છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા આરસીદત્ત રોડ પર બેન્ક ઓફ બરોડાના ભવન પાસેના પ્લોટમાં મલ્ટીસ્ટોરી પાર્કિગની હિમાયત કરતુ સૂચન કરાયું છે.

વિશ્વામિત્રીને શુદ્ધ રાખી જીવંત કરાશે

વિશ્વામિત્રીનો રિવરફ્રન્ટ પ્રોજેકટ પડતો મૂકાયો છે. જેના સ્થાને હવે નદીને જીવંત રાખવા સાથે પ્રદુષણ મુકત કરવાનું આયોજન છે. 14 કિલોમીટરના વિસ્તારમાંથી વહેતી નદીમાં ડ્રેનેજના પાણી છોડતા બંધ કરાશ, આગામી તબક્કામાં એરિયલ વ્યૂ સરવે પણ કરાશે. તબક્કાવાર રીતે 67 કિલોમીટર કાંસને કવર કરાશે.

બે નવા બ્રિજ અને નાળું બનાવાશે

માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા રોડ પરના ફાટક પર રેલવે ઓવર બ્રિજ બનાવવાનું અાયોજન છે. સરકારની ગ્રાન્ટ આધારિત બ્રિજ માટે સરવે અને ડીપીઆર બનાવવાની તેમજ જાંબુવા તરફ જતા રસ્તા પર 10 કરોડના ખર્ચે નાળુ બનાવવા સાથે માણેજા મારેઠા ગામને જોડતા ફાટક પર રેલવે ઓવરબ્રિજની જોગવાઇ કરાઇ છે.

અકોટામાં નવો સ્વિમિંગપૂલ બનશે

પશ્ચિમ વિસ્તારને સ્વીમીંગપુલની સુવિધાનો લાભ મળે તે માટે અકોટા ટીપી નંબર 1ના એફપી નંબર 76માં સ્વીમીંગપુલ બનાવાશે. તેના માટે રૂા.16 કરોડનો ખર્ચ સૂચવાયો છે. ખંડેરાવ માર્કેટ ખાતે દિવ્યાંગોની અવરજવર માટે સરળતા રહે માટે લીફટ સહિત સુલભપથ બનાવવાની ભલામણ મ્યુ.કમિશનરે કરી છે.

બજેટ હાઇલાઇટ્સ
 • ત્રણ ટાંકી વિસ્તારમાં સ્માર્ટ મીટર,નેટવર્ક અપગ્રેડ રૂ.137 કરોડ
 • ભાયલી અને તલસટમાં 50-50 MLD STP રૂ.136 કરોડ
 • મુખ્ય 4 પ્રવેશદ્વારોવાળા રસ્તાને યુટિલિટી ડક્ટ રૂ.125 કરોડ
 • ફ્લો મીટર વાલ્વ લગાવી કંટ્રોલ મોનિટરિંગ રૂ.100 કરોડ
 • રાજીવનગર STPમાંથી ટ્રીટેડ વેસ્ટ વોટર પૂરું પાડવું રૂ.73 કરોડ
 • છાણી ખાતે 50 એમએલડી એસટીપી રૂ.70 કરોડ
 • રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.50 કરોડ
 • નિમેટામાં WTP, આજવા સરોવરમાંથી વધુ ઉપાડ રૂ.45 કરોડ
 • પોઇચાથી પૂર્વ વિસ્તાર માટે પાણીની લાઇન નાંખવી રૂ.25 કરોડ
 • પંપિંગ મશીનરી બદલી અપગ્રેડ કરવી રૂ.22 કરોડ
 • કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા રૂ.18 કરોડ
 • પ્લેનેટોરિયમ માટે સાધનોની ખરીદી રૂ.10 કરોડ
 • 6 અર્બન હેલ્થ સેન્ટર રૂ.7 કરોડ
 • એરપોર્ટથી કપૂરાઇ સુધી રસ્તો રૂ.6 કરોડ
 • ફાયર બ્રિગેડ માટે નવાં સાધનો-વાહનોની ખરીદી રૂ.6 કરોડ
 • દોડકા WTPથી રાયકા સુધી પાણીની લાઇન રૂ.5 કરોડ
 • છાણી એસટીપીથી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય રૂ.5 કરોડ
 • વડીવાડી ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર બનાવવા રૂ.5 કરોડ
 • વાસણા ભાયલી રોડ પર ફાયર સ્ટેશન રૂ.5 કરોડ
 • ખટંબા ખાતે ઢોરની દેખરેખ માટે પશુધન કેર સેન્ટર રૂ.5 કરોડ
 • સયાજીબાગ ઝૂમાં પ્રવેશદ્વાર,એન્ક્લોઝર રૂ.5 કરોડ
 • અલકાપુરીમાં મલ્ટિલેવલ પાર્કિંગ રૂ.5 કરોડ
 • ડ્રેનેજ લાઇનની મરામત રૂ.4 કરોડ
 • પૂર્વ વિસ્તારની પાંચ ટાંકીમાં નવું નેટવર્ક રૂ.2 કરોડ
 • પદ્માવતી શોપિંગ સેન્ટરના રિનોવેશન રૂ.1 કરોડ
 • માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ રૂ.1 કરોડ
 • વડસર ટ્રી મ્યૂઝિયમમાં સાઇકલ ટ્રેક રૂ.50 લાખ
 • 10 હજાર આવાસોનુ પીપીપી ધોરણે આયોજન

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments