ગાંધીનગર : VIP ગણાતા સેક્ટર-8માં એરફોર્સના નિવૃત્ત વિંગ કમાન્ડરના ઘરેથી રૂ.18.18 લાખની મતાની ચોરી.

0
8

શિયાળાની શરૂઆત થતાં જ ઘરફોડ ચોરો સક્રિય થયા છે, ત્યારે શહેરના વીઆઈપી ગણાતા સે-8 ખાતે 18.18 લાખની ઘરફોડ ચોરી થઈ છે. તો બીજી ગાંધીનગર તાલુકાના પાલજ ખાતે આવેલા જીત બંગલોઝમાં કેન્દ્રિય વિદ્યાલયના શિક્ષકના ઘરે 1.86 લાખની ઘરફોડ ચોરી થઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સે-8-બી પ્લોટ નં-91 ખાતે રહેતાં એરફોર્સના નિવૃત્ત વિંગ કમાન્ડર મનોજ પ્રકાશચંદ્ર મિત્તલે આ અંગે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ અહીં પત્ની અને પુત્રી સાથે રહે છે જ્યારે તેમનો પુત્ર દિલ્હી ખાતે રહે છે.

પુત્રના ઘરે દીકરીનો જન્મ થતાં ફરિયાદીના પત્ની અને પુત્રી દિલ્હી ખાતે જ હતા. જ્યારે ફરિયાદી 21 ઓક્ટોબરના રોજ સવારે ઘરને તાળુ લગાવી દિલ્હી ગયા હતા. 10 દિવસ પરિવાર સાથે દિલ્હી રહીને તેઓ ગાંધીનગર આવ્યા હતા ત્યારે ઘરની અંદર ટેબલ પર મુકેલું પોર્ટ નીચે પડેલું જોવા મળ્યું હતું. જેને પગલે તેઓ ઘરમાં તપાસ કરતાં સ્ટોરરૂમ અને બેડરૂમમાં રહેલી તિજોરીએ ખુલ્લી હતી. ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની 9 વીંટી, સોનાની બંગડીઓ અને ચેઈન, સોલેટીયર રિંગ, લકી, ડાયમંડ સેટ, સોનાનો હાર, બુટ્ટી, અમેરિકન સોનાની ડાયમંડ ચેઈન, ચાંદીના ઝાંઝર, ચાંદીના 5 સિક્કા મળી કુલ 16.69 લાખના દાગીના, 5 હજારની કિંમતની ઘડીયાળ, 5 હજારના કપડાં અને 1.39 લાખ રૂપિયા રોકડા મળી કુલ 18.18 લાખની મત્તા ગૂમ થઈ હતી. જે અંગે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજા પર તો તાળુ મારેલું જ હતું. પરંતુ મુખ્ય દરવાજાની બાજુમાં લોખંડની જાળીની અંદરના ભાગે મારેલું લોક તોડીને તસ્કર અંદર પ્રવેશ્યા હતા.

ચિલોડા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષિકના પાલજ સ્થિત ઘરે ચોરી

મૂળ વિરમગામના કરણભાઈ મેઘાભાઈ સોલંકી ચિલોડા આર્મી કેમ્પ ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓ પાલજ ગામ ખાતે આવેલા જીત બંગલોઝમાં પરિવાર સાથે મકાન નં-9 ખાતે રહે છે. સ્કૂલમાં વેકેશનને પગલે તેઓ 21 ઓક્ટોબરના રોજ ઘરને તાળુ મારીને વતન ગયા હતા. જ્યાંથી તેઓ 11 દિવસ રહીને ઘર પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકૂચો તુટેલો હતો. ઘરના ઉપર-નીચે બંને માળમાં સામાન વેરવિખેર હતો. તેઓ ઘરમાં તપાસ કરતાં 1.83 લાખના સોના-ચાંદીના દાગીના અને 3 હજાર રૂપિયા રોકડા ગૂમ હતા. જેને પગલે તેઓએ આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં 1.86 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

બંધ ઘર અંગે પોલીસને જાણ કરવા અપીલ કરાઈ

દિવાળી અને વેકેશનના ગાળામાં સામાન્ય રીતે પોલીસ દ્વારા દરેક નાગરિકોને અપીલ કરાય છે. વધુ સમય માટે ઘર બંધ રહેવાનું હોય તો નાગરિકોએ પોલીસને જાણ કરવી. કોરા કાગળ પર સામાન્ય અરજીના સ્વરૂપે પોલીસને ક્યાંથી ક્યાં સુધી ઘર બંધ રહેવાનું છે તે જણાવી દેવામાં આવે તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ સમયે ત્યાં વિશેષ ધ્યાન અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here