રાજ્યસભા ચૂંટણી : વિધાનસભા ભવન ફ્લોર 4 પર મતદાન શરૂ, આર.સી ફળદુએ પહેલો મત આપ્યો; પાંચ ઉમેદવાર પૈકી એકની હાર નિશ્ચિત

0
7
  • છોટુ વસાવાની ગુગલી- શિડ્યુઅલ 5 લાગુ કરી લેખિત ખાતરી આપો પછી મતદાનની વાત
  • ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક
  • નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન
  • કોરોનામાંથી રિકવર ધારાસભ્યો વોટ આપશે, સાંજ સુધીમાં પરિણામ

અમદાવાદ. વિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન આજે સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું છે બપોરે 4 વાગ્યે સુધી ચાલશે. ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. મતદાન કેન્દ્ર પહોંચી ધારાસભ્યોએ માસ્ક ઉતારી ફોટો ખેંચાવાનો રહેશે.  છોટુ વસાવાએ પણ મતદાન પહેલા શરત મૂકીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર વચ્ચે 4 બેઠક માટે ખરાખરીનો જંગ છે. આર સી ફળદુંએ પહેલો મત આપ્યો છે. કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા હતા. કોંગ્રેસના બે અને ભાજપના 5 ઉમેદવાર પૈકી એકની હાર નિશ્ચિત છે.

મતદાન માટે પ્રક્રિયા હાથ ધરાઈ

ભાજપના સભ્યોને જૂથ પ્રમાણે MLA ક્વાર્ટરથી મતદાન મથકે પહોંચશે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હોટલ ઉમેદથી પહોંચ્યા છે. સમગ્ર પ્રક્રિયા પહેલા ધારાસભ્યએ સેનિટાઈઝ થવાનું ૨હેશે અને ત્યાં તેનું ટેમ્પરેચ૨ માપવામાં  આવશે. જ્યારે આગળની પ્રક્રિયા મુજબ જે ધારાસભ્યને મત આપવાનો ક્રમાંક આવશે તો તેને સૌપ્રથમ મતદાન કેન્દ્રમાં પહોંચીને તેનો માસ્ક ઉતારીને ફોટો ખેંચાવાનો ૨હે છે જેના કા૨ણે જે તે ધારાસભ્ય મતદાન ક૨વા આવ્યા છે તે નિશ્ચિત થઈ શકશે.

છોટુ વસાવાની લેખિત ખાતરીની માગ

BTPના છોટુ વસાવાએ મતદાન પહેલા શરત મૂકી છે કે, બંધારણનો શિડ્યુઅલ પાંચ લાગુ કરીને અમલ કરવા લેખિતમાં ખાતરી આપે પછી મતદાનનની વાત. ST SC અને OBC વિરોધી સરકાર છે, કોંગ્રેસની સરકાર પણ RSS ચલાવતી હતી. આજે ભાજપની સરકાર છે તો પણ RSS જ ચલાવે છે. પત્રકારે પુછ્યુ નાક દબાવો છો ? તો છોટુભાઈ કહે “એ લોકોનું મોટું નાક છે, અહી દબાવે તો બીજેથી શ્વાસ લે”

પાંચ ઉમેદવાર વચ્ચે ચાર બેઠક પર જંગ

ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે. આજે ગાંધીનગરમાં સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે પરિણામ આવશે.

કાંઘલ જાડેજા વ્હીપનો અનાદર કરશે તે નક્કી

હાલ રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા 35 મત જરૂરી છે. ભાજપના 103 મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપશે તે લગભગ નક્કી છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ 66 મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળે તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય.

કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે એવો ભાજપને વિશ્વાસ

ભાજપના સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના 65માંથી બેથી ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરશે. આમ કરવા પાછળનું ગણિત છે કે જો પહેલેથી તે ધારાસભ્યો રાજીનામાં આપી દે તો જીતવા જરૂરી મતનું ભારણ પણ ઘટે અને ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય, તેના બદલે ચાલું ધારાસભ્યો ક્રોસ વોટ કરે  તો તેમનો સીધો એક મત જ ભાજપના નરહરિ અમીનને મળી જાય.

ભાજપની જીતની ફોર્મ્યુલા, પ્રથમ એવા બે ઉમેદવારોને 1-1 વધુ મતનો મેન્ડેટ અપાશે

ભાજપના સૂત્રો કહે છે કે બે ઉમેદવારો અભય ભારદ્વાર અને રમીલા બારાને જીતવા જરૂરી એવાં 35 જ મતને બદલે 1-1 મત વધુ મળે તે રીતે MLAને મેન્ડેટ અપાશે. જો એકાદ MLAનો મત રદ થાય તો અમીનને 32 મતો મળે. તેથી જ નરહરિ અમીન કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઇને ઉત્સાહિત છે.

કોંગ્રેસની જીતની ફોર્મ્યુલા, સવારે જ બંધ પરબીડિયામાં ધારાસભ્યોને વ્હીપ અપાયા

કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પક્ષ પોતાના ધારાસભ્યોને મત માટેનો વ્હીપ શુક્રવારે સવારે જ બંધ પરબિડીયામાં આપ્યા છે. આથી ધારાસભ્યોને સીધી રીતે ખ્યાલ ન આવે કે કયાં ઉમેદવારને કેટલાં મત મળશે. હાલના સંજોગોમાં પ્રથમ ઉમેદવાર શક્તિસિંહને જ પ્રાથમિકતાના મત મળે અને રાજ્યસભામાં લઇ જવાય તેવાં પ્રયત્નો થઇ રહ્યાં છે.

કોણ જીતશે? આ છે ગણિત: કોંગ્રેસ શક્તિસિંહ માટે મેન્ડેટ આપે એવી ચર્ચા, નરહરિ માટે કપરાં ચઢાણ 

ભાજપની પાસે 103 વોટ, 3 બેઠકો જીતવા માટે 105 વોટની જરૂર

સ્થિતિ: ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં એક બેઠક જીતવા માટે 35 વોટની જરૂરિયાત છે. ભાજપ પાસે 103 વોટ છે. એટલે કે બે વોટ વધુ જોઈએ છે.

રણનીતિ: ભાજપની બે બેઠકો નક્કી છે. પણ ત્રીજી સીટ માટે તેને વધુ બે ધારાસભ્યોની જરૂર છે. ભાજપની નજર બીટીપી અને એનસીપીના ધારાસભ્યો પર છે. જો તેઓ એમની પાસે આવી જશે તો ભાજપ 3 બેઠકો મેળવી લેશે.

કોંગ્રેસ પાસે 5 વોટ ઓછા, શક્તિની જીત નક્કી, ભરતસિંહ હારી શકે છે

સ્થિતિ: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. પણ 8 ધારાસભ્ય બળવો કરીને પાર્ટી છોડી ચૂક્યાં છે. આ સ્થિતિમાં 66 વોટ ઓછા છે. તેમને 5 વોટની જરૂર છે.

રણનીતિ: કોંગ્રેસને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો વોટ મળવાનો નક્કી છે. પણ બીટીપી અને એનસીપીએ પત્તા ખોલ્યા નથી. શક્તિસિંહ પ્રથમ કેન્ડીડેટ છે. તેથી ભરતસિંહ ચૂંટણી હારી શકે છે.