નવી દિલ્હીમાં શુક્રવારે વરસાદના કારણે નબી કરીમ વિસ્તારમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને બચાવકામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદ વચ્ચે, મધ્ય દિલ્હીના નબી કરીમ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ઘરની દિવાલ તૂટી પડી હતી, જેમાં ત્યાં રહેતા કેટલાક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના અંગેની માહિતી સવારે 7 વાગ્યે મળી હતી, ત્યારબાદ ત્રણ ફાયર વ્હિકલને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ દિવાલના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર ઓફિસર્સ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે.
આવી જ ઘટનાઓમાં યુપીમાં ભારે વરસાદને કારણે 10 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં આ 10 લોકોના મોત થયા છે. રાહત કમિશનરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૈનપુરીમાં પાંચ, જાલૌન અને બાંદામાં બે-બે અને એટાહમાં એક વ્યક્તિના મોત થયા છે. હવામાન વિભાગે અવધ અને રોહિલખંડ પ્રદેશોના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં અતિશય વરસાદ, અચાનક પૂર અને અન્ય વરસાદ સંબંધિત ઘટનાઓની ચેતવણી જારી કરી છે.
રાજ્યના રાહત કમિશનર જીએસ નવીન કુમારે જણાવ્યું હતું કે, “તાજેતરના વરસાદને ધ્યાનમાં રાખીને, પૂર પીએસી/એસડીઆરએફ/એનડીઆરએફની ટીમો વધુ વરસાદવાળા જિલ્લાઓમાં ચોવીસ કલાક દેખરેખ માટે જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે.” તે જ સમયે, ગુરુવારે મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે 11 લોકોના મોત થયા હતા, જેમાં દતિયામાં દિવાલ ધરાશાયી થવાથી સાત લોકોના મોતનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે લોકોને રાહત આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગ્વાલિયરમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ભીંડમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગ્વાલિયરમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 500થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.