વોશિંગ્ટન: અમેરિકામાં શુક્રવારે બ્રિટનથી આઝાદીની 243મી વર્ષગાંઠ ઉજવાઇ ગઇ. આ પ્રસંગને ખાસ બનાવવા માટે પ્રમુખ ટ્રમ્પે તેને સેલ્યૂટ અમેરિકા કાર્યક્રમ નામ આપ્યું. જેમાં પહેલી વખત વોશિંગ્ટનનાં 97 વર્ષ જૂના લિંકન મેમોરિયલની સામે પ્રથમ વાર પરેડમાં સૈન્ય તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વરસાદ છતાં 50,000થી વધુ લોકો હાજર રહ્યા. ટ્રમ્પે પોતાના સંબોધનમાં પોલિટ્ક્સથી દૂર રહી લોકોને પ્રાઇડ (ગૌરવ)નો અહેસાસ કરાવ્યો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને આ સલામીની સાથે આપણે આપણા ઇતિહાસનો જશ્ન મનાવી રહ્યા છે. આપણે ગૌરવ સાથે આપણા ધ્વજની રક્ષા કરનારા નાયકો, અમેરિકી સેનાના બહાદુર પુરુષો અને મહિલાઓને સન્માનિત કરી રહ્યા છીએ. ટ્રમ્પે આ પ્રસંગે લખેલું ભાષણ વાંચતા કહ્યું કે આપણું રાષ્ટ્ર પહેલાં કરતાં વધુ મજબૂત છે અને અમેરિકીઓ માટે કંઇ પણ અસંભવ નથી.
વિપક્ષે કહ્યું- ટ્રમ્પે સ્વતંત્રતા દિવસના બહાને 2020 ચૂંટણીનો એજન્ડા થોપ્યો
ટ્રમ્પના આ પગલાંની વિપક્ષ ડેમોક્રેટિક નેતાઓએ ટીકા કરી છે. તેમણે 4 જુલાઇ 1776ના રોજ બ્રિટનથી આઝાદીની દેશની જાહેરાતનું રાજકીયકરણ કરવાનો આરોપ મૂક્યો. નેતાઓએ કહ્યું કે ટ્રમ્પે આ કાર્યક્રમના બહાને આગામી વર્ષે થનારી પ્રમુખની ચૂંટણી માટે પોતાનો એજન્ડા થોપવાની કોશિશ કરી છે.
- ટ્રમ્પે ઇવેન્ટને રાજકારણને બદલે દેશના ગૌરવ સાથે જોડ્યું, આ દેશની સુરક્ષા કરનારાને સન્માનની તક છે
- આપણા માટે કંઇ પણ અસંભવ નથી, મંગળ પર ધ્વજ ફરકાવીશું : ટ્રમ્પ