Home વ્યાપાર વિડીયો જુઓ : શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં નુકસાનીથી બચવા શું કરવું જોઈએ!

વિડીયો જુઓ : શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં નુકસાનીથી બચવા શું કરવું જોઈએ!

0
26

નમસ્તે મિત્રો, આજે આપણે શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં નુકસાનીથી કેવી રીતે બચી શકાય તે જોઈશું.

માર્કેટમાં રોકાણ કરવા દરેક લોકો ઉત્સુક હોય છે, પરંતુ સામાન્ય રીતે આમાં મોટાભાગના લોકો માર્કેટમાં પૈસા ગુમાવતા હોય છે, તો આજના કોમોડિટી એક્સપ્રેસમાં આપણે એ જોઈશું કે માર્કેટમાં તમારા પરસેવાની કમાણી લગાડો તે પહેલાં કઈ બાબતો વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

માર્કેટમાં એવું કહેવાય છે કે જે લોકો સવારે પૈસા લઈને આવ્યા હોય તે લોકો મોટાભાગે સાંજે અનુભવ લઈને જાય છે અને જે લોકો સવારે અનુભવ લઈને આવ્યા હોય છે તે લોકો સાંજે પૈસા લઈને જાય છે. શેરબજાર હોય કે કરન્સી બજાર હોય કે પછી કોમોડિટી બજાર હોય, તેમાં સરેરાશ વાત કરીએ તો મોટાભાગના માર્કેટમાં પૈસા મૂકીને જાય, જ્યારે થોડા જ લોકો માર્કેટમાંથી પૈસા લઈને જાય છે.

વિડીયો : માર્કેટમાં નુકસાનીથી બચવા શું કરવું જોઈએ જુઓ

તો આજે જોઈએ કે તમારે માર્કેટમાંથી પૈસા લઈને જવું હોય તો શું કરવું જોઈએ.

સૌથી પહેલું કે તમારે તમારો અભિગમ માર્કેટના માટે બદલવો પડે. ઘણા લોકોને એમ કે હું લાખ રૂપિયા લઈને ટ્રેડ કરવા જાઉં અને થોડા સમયમાં લાખના 12 લાખ કરી દઈશ… એટલે કે આવા લોકો એમ માને છે કે આ કોઈ પૈસા કમાવાની સ્કીમ છે, જ્યાં પૈસા લગાવો અને લોટરી લાગી જાય તો આ અભિગમ જ પહેલા બદલવો જોઈએ. તમારે માર્કેટને બિઝનેસની જેમ ગણવી જોઈએ. ઘણા લોકો મને પૂછતા હોય છે કે હું 1 લાખ રૂપિયા વાયદા બજારમાં લગાડું તો હું કેટલા સોના-ચાંદીમાં કેટલા વાયદામાં રમી શકું, તો ઘણા લોકો એમ કહેતાં હોય કે હું પણ પહેલા સોના-ચાંદીમાં રમતો હતો પણ બહુ ખરાબ રીતે હારી ગયો… આ જે શબ્દો છે તે જ બતાવે છે કે તમે સ્ટોક માર્કેટ કે કોમોડિટી માર્કેટમાં રમવા માટે જ આવો છો, તો સૌપ્રથમ આ અભિગમ તમારે બદલવાની જરૂર છે. તમારે આને પ્રોફેશનની રીતે જોવું જોઈએ, આપણે આને જલ્દી પૈસા બનાવવાનું એક સાધન ગણવું ન જોઈએ.

બીજી વસ્તું લોકો જ્યારે બહાર કોઈપણ બિઝનેસ કરે તો તે લોકો 2થી 5 ટકા તેમાંથી પ્રોફિટ થાય તો ખુશ-ખુશ થઈ જતા હોય છે, જ્યારે શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં આવે અને 10થી 20 ટકા રિટર્ન મળ્યું હોય તો પણ તેમને પૂરતો સંતોષ થતો નથી હોતો. આવા વિચારોને કારણે ઘણી પોન્ઝિ સ્કીમો બજારમાં આવતી હોય છે અને ઘણા બ્રોકરો પણ લાલચ આપતા હોય છે કે હું તમને મન્થલી આટલા ટકા આપીશ. તો આવી સ્કીમોથી બચવું જોઈએ. તમારે મને એ પૂછવું જોઈએ કે મારે આ શેરબજાર કે કોમોડિટી માર્કેટમાં સહભાગી થવું હોય તો મારે શું કરવું જોઈએ.

બીજું, માર્કેટમાં ઘણા લોકો પ્રોફિટ કે લોસ જોયા વગર ટ્રેડ કર્યે જ રાખે છે, તમે જોયું હશે કે ઘણા લોકો મોબાઈલમાં ગેઈમ રમતા હોય છે, તો તેને મોબાઈલની ગેઈમનું એડિક્શન થઈ જતું હોય છે, તે લોકો જ્યાં સુધી ગેઈમમાં જીતે નહીં ત્યાં સુધી તે રમ્યા જ કરતા હોય છે, જ્યારે એકાદ વાર જીતે પછી તેને નિરાંત થતી હોય છે. આવી જ રીતે માર્કેટમાં પણ ઘણા લોકો એવા હોય છે કે જેને માર્કેટની લત લાગી જાય છે, એટલે કે હાર્યો જુગારી બમણું રમે એમ એક શેર કે કોમોડિટીમાં પૈસા ગુમાવ્યા હોય તો શા માટે પૈસા આમાં ગુમાવ્યા તેનું રિસર્ચ કર્યા વગર બમણા પૈસા લગાવીને ફરી-ફરી પ્રયાસ કરતા હોય છે તો આ એડિક્ટીવ નેચર તમારે બદલવો પડશે. જો તમને આવી લત લાગવાની હોય તો તમારે માર્કેટથી દૂર જ રહેવું જોઈએ. માર્કેટ વિશે પહેલાં રિસર્ચ કરો અને ત્યારબાદ જ તમે ટ્રેડિંગ ચાલુ કરો અને માર્કેટમાં ધીરજપૂર્વક ટ્રેડિંગ કરવું જોઈએ, નહીંતર આજ નહીં તો કાલે તમારી મહેનતની કમાણી ડૂબવાની જ છે.

તો પહેલું પગલું એ છે કે માર્કેટ વિશે પહેલાં પૂરતું જ્ઞાન મેળવી લેવું કે માર્કેટ કેવી રીતે ચાલે છે. તમને કોઈ કહેશે કે તમે મારી કંપનીમાં પૈસા લગાડો, તો તમે તેની કંપની વિશે કેટલું રિસર્ચ કરતા હોવ છો, તમે કોઈ સોશિયલ મીડિયામાં રોકાણ વિશેના મેસેજ આવે તો તમે ઈન્ટરનેટ પર તે કંપની વિશે કેટલું રિસર્ચ કરવા બેસી જતા હોવ છો, પરંતુ જ્યારે માર્કેટમાં ટ્રેડ કરવાનું આવે ત્યારે કોઈની ટીપ્સ સાંભળીને આંખો મીંચીને ટ્રેડ કરવા લાગતા હોવ છો તો પહેલા રિસર્ચ કરો પછી જ ટ્રેડિંગમાં હાથ નાખો નહીંતર બજારથી તમારા હાથ દાઝી જશે અને તમારે લાખોપતિ થવાને બદલે રોડપતિ થવાનો વારો આવી જશે. એટલા માટે માર્કેટને પહેલાં સમજવા માટે રોજ ઈન્ટરનેટ કે બીજા માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.માર્કેટનું બરોબર જ્ઞાન લઈને જ તમારે માર્કેટમાં એન્ટર થવું જોઈએ. હવે માર્કેટમાં એન્ટર થયા પછી શું તકેદારી રાખવી જોઈએ તે જોઈએ.

સૌથી પહેલી તકેદારી સ્ટોપલોસ લગાડવાની રાખવી જોઈએ. મોટાભાગના રિટેલ ઈન્વેસ્ટર્સ સ્ટોપલોસ વગર જ કામ કરતા હોય છે. આપણે ત્યાં ઘણાબધા લોકોનું માનવું છે કે સ્ટોપલોસ એટલે સામે ચાલીને નુકસાની વહોરવી, એટલે આવા લોકો સ્ટોપલોસ જ નથી લગાડતા. જે લોકોએ માર્કેટમાં પૈસા ગુમાવ્યા છે તે લોકોને તમે પૂછશો તો તે લોકોના પોર્ટફોલિયોમાં વધુપડતા શેર્સ કે કોમોડિટીઝમાં પ્રોફિટ કર્યો હશે, પરંતુ તે એકદમ નાનો-નાનો પ્રોફિટ હશે, એટલે કે 100 રૂપિયામાં લઈને 105 રૂપિયામાં પ્રોફિટ બૂક કરીને નીકળી જાશે, પરંતુ જેમાં થોડાક શેર્સ કે કોમોડિટી એવી હશે કે તેમાં 4-5 ટ્રેડ એવા હશે કે તેમાં મહત્તમ નુકસાન કર્યું હશે અને તેમાં તેનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હશે. એટલે એક મેચ્યોર ટ્રેડર્સ બનવા માટે તમારે સ્ટોપલોસ લગાડવો જોઈએ, સ્ટોપલોસ નહીં લગાડો તો શ્યોર લોસ થશે આ વાત મનમાં બેસાડી દો.

પહેલું તો તમારે તમારી અપેક્ષા નક્કી કરી લેવી જોઈએ કે હું આ ટ્રેડમાંથી આટલું પ્રોફિટ કરું અને આટલું પ્રોફિટ કરવા માટે હું આટલું લોસ કરવા માટે તૈયાર છું. જે જથ્થાબંધ વેપારી છે તે પોતે જ્યારે માલ લે છે ત્યારે તે નક્કી કરી લે છે કે મારે જો ભાવ વધે તો આ માલમાંથી આટલું કમાવવું છે અને મારે જો ભાવ ઘટે તો આટલું નુકસાન જાય હું ભોગવવા તૈયાર છું અને જો નુકસાન જતું હોય તો આ માલ વેચીની નુકસાનથી મારે બચવું છે. તમે એક કાર ખરીદો છો અને થોડા વર્ષો ચલાવો છો અને પછી કાર વારંવાર ખોટકાઈ જતી હોય ત્યારે તમે ગેરેજમાં કાર લઈ જાવ ત્યારે ગેરેજવાળો કહેશે કે તમારી કારના એન્જિનમાં પ્રોબ્લેમ છે અને તમારે આને રિપેર કરાવવાનો આટલો મોટો ખર્ચ થશે ત્યારે તમે કેમ વિચાર કરો છો કે જો આટલા પૈસામાં રિપેરિંગ થતું હોય તો જ હું કરાવીશ નહીંતર આ જૂની કારને રિપેર કરાવવાના આટલા મોટા ખર્ચને બદલે હું આ કાર વેચીને નવી કાર લઈ લઉં. બસ આવું જ કાંઈક માર્કેટમાં છે અને તેને સ્ટોપલોસ કહે છે. તમે જો મોટા લોસમાં હોવ તો લોસ બુક કરવામાં પાછી પાની નહીં કરો નહીંતર તમારું લોસ વધતા-વધતા એટલું મોટું થઈ જશે કે પછી તમારું એકાઉન્ટ ખાલી થઈ જતા વાર નહીં લાગે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો સ્ટોપલોસ નથી રાખતા તે લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. પરંતુ આ સ્ટોપલોસ રાખતી વખતે તમારે બજારની વધઘટને ધ્યાનમાં રાખીને જ સ્ટોપલોસ રાખવો જોઈએ નહીંતર બજારમાં મોટી ઊથલ-પાથલ થતી હોય અને તમે જો નાનો સ્ટોપલોસ રાખો તો વારંવાર તમારો સ્ટોપલોસ ટ્રિગર થઈ જતો હોય છે, એટલે તમારે સ્ટોપલોસ એવો રાખવો જોઈએ જે બજારની વધઘટને અનુરૂપ હોય.

બીજી એક અગત્યની વાત, માર્કેટમાં એવરેજીંગ કરવાથી મોટાભાગે દૂર રહેવું જોઈએ. જ્યારે તમે લોસમાં હોવ ત્યારે તમારા બ્રોકર કહેશે કે આમાં લોસ થઈ રહ્યો છે તો આટલા વધુ શેર્સ કે કોમોડિટી લઈને તમે એવરેજ કરી નાખો તો આ સલાહ મારા મતે સૌથી ડેન્જર વસ્તુ છે આવું એવરેજ કરવામાં ક્યારેક તમારું એકાઉન્ટ ખાલી થઈ જવાનો સંભવ વધારે રહેતો હોય છે.

તો મિત્રો આવી નાની-નાની બાબતો ધ્યાનમાં રાખીને જો તમે ટ્રેડ કરો તો તમે માર્કેટમાં પૈસા ગુમાવવાથી બચી જશો. તો આજે બસ આટલું જ આવી વધુ માહિતી સાથે ફરી મળીશું.

Live Scores Powered by Cn24news