જળ સંકટ / લાલબત્તી સમાન રિપોર્ટ, ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ભૂગર્ભજળ ‘તળીયે’

0
49

જળ એ જ જીવન છે, હવે આવા સંદેશ લખવાથી કાંઈ નહીં થાય. પરંતુ તેનો અમલ કરાવવો પડશે અને ખુદ પણ કરવો પડશે અને જો ન કર્યો તો પાણી વીના જ મૃત્યુ નક્કી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજ્યના પાંચ જિલ્લાને રેડ ઝોનમાં મુક્યા છે. જ્યાં ભૂગર્ભજળ સતત ઊંડા જઈ રહ્યા છે અને ખતમ થવાની તૈયારીમાં છે. ત્યારે શું છે સરકારનું રેડ અલર્ટ અને ક્યા જિલ્લામાં ઝળુંબી રહ્યું છે જળસંકટ તેના પર છે આ ખાસ અહેવાલમાં.

ચોંકાવનારો રિપોર્ટ

સમગ્ર દેશમાં ૨૫૨ જિલ્લામાં ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઝડપથી ઉંડા જઇ રહ્યા છે. આ ૨૫૨ જિલ્લાઓમાં ગુજરાતના પણ પાંચ જિલ્લાનો સમાવેશ થયો છે. મહેસાણા,પાટણ,બનાસકાંઠા,કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં સરકારી રિપોર્ટ અનુસાર દર વર્ષે ૩ મીટર કરતાં પણ વધુ ભૂગર્ભ જળ ઉંડુ જઇ રહ્યુ છે. આ રિપોર્ટ ચોકાવનારો જ નહીં બલ્કે લાલબત્તી સમાન છે. આ રિપોર્ટ અનુસાર જો હજુ પણ લોકો નહી જાગે અને પાણીનો વિચારવિહિન ઉપયોગ યથાવત રાખ્યો તો આવનારા છ કે સાત વર્ષમાં જ આ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ ખૂટી પડશે.

આમ તો ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લાને નપાણિયા જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે.આ જિલ્લાઓમાં ભૂગર્ભ જળના તળ સરેરાશ અન્ય જિલ્લાઓની તુલનામાંવધુ ઉંડા રહ્યા છે.પરંતુ આ તળ ૪૦૦ ફૂટની આસપાસ રહ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી. પણ હવે મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના તળ કેટલાક વિસ્તારમાં તો ૮૦૦ ફૂટ કરતાં પણ વધુ ઉંડે ચાલ્યા ગયા છે.

આવનારા છ વર્ષમાં ખેંચવા માટે ભૂગર્ભમાં પાણી જ નહીં હોય

આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે ગુજરાતના પાંચ જિલ્લાઓને ભૂગર્ભ જળ મામલે લાલ લીટીમાં મૂકી દીધા છે,અને ચેતવણી આપી છે કે,જાગી જાઓ નહી તો હવે સમય નથી બચ્યો..જો હજુ પણ વિવેક બુધ્ધિનો ઉપયોગ કર્યા વિના પાણી ખેચતા રહ્યા તો આવનારા છ વર્ષમાં ખેચવા માટે ભૂગર્ભમાં પાણી જ નહી બચ્યુ હોય. ગુજરાતના આ પાંચ જિલ્લાઓમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ટીમ મોકલાઇ છે,અને આ ટીમ સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને ભૂગર્ભ જળનાં તળ ઉંડા જતા અટકાવવાની વિવિધ શક્યતાઓ તપાસી રહી છે.

મહેસાણા સહિત કુલ પાંચ જિલ્લા લાલ લીટીમાં

ગુજરાતના પાંચ જિલ્લાઓમાં સર્જાયેલી વિકટ સ્થિતિને  હાલમાં કેન્દ્ર સરકારના જલ સંરક્ષણ અભિયાનના કેન્દ્રીય સંયુક્ત સચિવ રજનીશ ટીંગલ પણ મહેસાણા દોડી આવ્યા છે.અને તેમણે સ્થાનિક વહીવટીતંત્ર સાથે આ મામલે ખૂબ જ ગંભીરતા પૂર્વક ચર્ચા કરી પાણીના તળ ઉંડા જતા અટકાવવા રસ્તા શોધવા ઉપર ભાર મૂક્યો છે.જો કે,આ પ્રયાસ વચ્ચે હકીકત એ છે કે,મહેસાણા જિલ્લામાં દર વર્ષે ૩ મીટર પાણીની સપાટી નીચે ઉતરી રહી છે અને આ જ સ્થિતિ યથાવત રહી તો આગામી છ વર્ષમાં મહેસાણા સહિત પાંચ જિલ્લામાં ભૂગર્ભ જળ ખૂટી પડશે.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો  દર વર્ષે ૧૭૦૮.૩૦૨૭ મિલિયન ક્યૂબિક મીટર પાણી કુદરતી સ્ત્રોતથી ભૂગર્ભમાં ઉતરે છે.જેની સામે ૨૧૩૨.૩૯૭૫ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો વપરાશ થાય છે.આમ ભૂગર્ભમાં જમા થતા પાણી અને વપરાશ થતા પાણી વચ્ચે ૪૦૪.૮૫૧ મિલિયન ક્યૂબિક મીટરની ઘટ રહે છે.બીજા શબ્દોમાં કહીએ તો જમા થયેલા પાણી સામે દર વર્ષે ભૂગર્ભમાંથી ૪૦૪ અબજ લિટર પાણી વધુ ખેચવામાં આવે છે.એટલુ જ નહી ૨૦૨૦ ના અંત સુધીમાં આ ખાડો વધીને ૪૨૪ અબજ લિટર સુધી પહોચી જવાનો અંદાજ છે.એજ રીતે પાટણ જિલ્લામાં પણ આ ગેપ ૩૯૭ અબજ લિટર જેટલી છે.

વિવકપૂર્ણ ઉપયોગ નહીં કરી તો જમીનમાં ટીપુ પાણી પણ નહીં રહે

જળ એ જીવન છે.એટલા માટે જ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે.નહી તો હવે એ સમય દૂર નથી કે,જમીનમાં ટીપુ પાણી પણ નહીં બચ્યુ હોય..મહેસાણા,પાટણ જેવા જિલ્લામાં જ્યાં નદીઓનું પ્રમાણ નહીવત છે,ત્યાં ભૂગર્ભ જળને બચાવી રાખવું એ એક માત્ર ઉપાય છે.ત્યારે જો હજુ પણ લોકો નહી જાગે તો કદાચ આવનારી પેઢી માટે આપણે પાણી જ બાકી નહીં રાખ્યુ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here