Saturday, September 18, 2021
Homeગુજરાતકોલીથડ ગામમાં પાણી ધસી આવ્યું : એક મહિલાની માંડ માંડ એક કલાકે...

કોલીથડ ગામમાં પાણી ધસી આવ્યું : એક મહિલાની માંડ માંડ એક કલાકે ડિલિવરી કરાવી, બાળકને બચાવી લીધા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદને કારણે વિવિધ સ્થળે જળબંબાકાર સર્જાયો હતો. જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પૂરમાં ફસાયેલા અનેક લોકોને બચાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના લોધિકામાં 21 ઇંચ વરસાદ પડતા ખેદાન મેદાન સર્જાયું હતું. આ ઉપરાંત ગોંડલના કોલીથડ ગામમાં પણ ભારે તારાજી સર્જાઈ હતી. આ અંગે કોલીથડ ગામના સરપંચ ગોપાલભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે કાલે અમારા ગામમાં હોનારત જેવા દ્રશ્યનું સર્જન થઈ ગયું હતું. નદીના બધા પુલ તૂટી ગયા હતા. ગામમાં પાણી ધસી આવ્યું હતું. તેમાં એક મહિલાની માંડ માંડ એક કલાકે ડિલિવરી કરાવી હતી. હાલ તેને અને તેના બાળકને બચાવી લીધા છે. પરંતુ ખાવાની કંઈ વ્યવસ્થા નથી.

લોધિકાથી ગોંડલ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો
લોધિકાથી ગોંડલ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો
કોલીથડ ગામના સરપંચ ગોપાલભાઈ સાવલિયા
કોલીથડ ગામના સરપંચ ગોપાલભાઈ સાવલિયા

લોધિકડી ડેમનો પારો તૂટતા ખેતરો ધોવાયા
લોધિકા તાલુકામાં આવેલ લોધિકડી ડેમનો પારો તૂટતા ડેમ ખાલી થયો હતો અને આજુબાજુના ખેતરો ધોવાયા હતા. જેને પગલે લોધિકાથી ગોંડલ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો અને કોઝવે તૂટતા વાહનવ્યવહાર બંધ થયો હતો. આ ઉપરાંત PGVCLની લાઈન તૂટતા તેના રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં 16 ઇંચ, વિસાવદરમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના કાલાવાડ અને જામજોધપુરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં એક મહિલા સહિત 3 લોકો તણાયા હતા.

ગામમાં પાણી ધસી આવ્યું હતું.
ગામમાં પાણી ધસી આવ્યું હતું.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા પંથકમાં પડ્યો છે અને ત્યાંના પાણીનો પ્રવાહ લઈને આવતી મોટા ભાગની નદી ન્યારી નદીમાં ભળતાં ન્યારી-1 ડેમમાં પાણી આવે છે. એકદમથી ભારે વરસાદ આવતાં ન્યારી-1 ડેમની સપાટી જોખમી રીતે વધવાની શરૂ થઈ હતી. પાણીની આવક એટલી વધારે હતી કે મોડી રાત્રિના જ મનપાના ઈજનેરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ત્યારથી જ સિટી ઈજનેર એમ. આર. કામલિયા, ડેપ્યુટી ઈજનેર હિતેશ ટોળિયા સહિતનો સ્ટાફ સ્ટેન્ડ ટુ હતો અને દરેક મિનિટ ગણાતી હતી, જોખમ એટલું હતું કે નિર્ણયમાં થોડી પણ ક્ષતિ રહે તો ન્યારી ડેમના ઉપરવાસના અથવા નીચાણવાસનાં ગામોમાં તારાજી થઈ જાય એમ હતી.

નીચાણવાસનાં ગામોમાં તારાજી
નીચાણવાસનાં ગામોમાં તારાજી

આ વિસ્તારને કન્વર્ઝન ઝોન કહેવાય છે
સૌરાષ્ટ્ર પરના લૉ-પ્રેશર ઉપરાંત ઓરિસ્સા તરફ ડિપ ડિપ્રેશન સર્જાયું હતું જે આગળ વધતા વેલ માર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને તે પણ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ પહોંચશે ત્યારબાદ સૌરાષ્ટ્ર આવશે. આ સિસ્ટમ ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના લૉ-પ્રેશરમાં ભળી જશે તેથી ફરી વરસાદ આવશે. જેમ જેમ નવી સિસ્ટમ બની રહી છે તે પાછલી સિસ્ટમ કરતા વધુ મજબૂત થઈને આવી રહી છે. તેથી આ સિસ્ટમ પર સારો અને ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. એક બાબત સમજવા જેવી છે કે જ્યારે પણ લૉ- પ્રેશર સર્જાય છે ત્યારે તે એક વર્તુળ બનાવે છે જે ફરતે પવન ફરતા હોય છે. લૉ-પ્રેશર તરફ દરિયાના ભેજવાળા પવનો ખેંચાય છે અને જમણી બાજુથી ફરવાનું શરૂ કરે છે. વર્તુળ પર ફરવાનું શરૂ કરે ત્યારથી આખો રાઉન્ડ 360 ડિગ્રીનો હોય છે પણ 75 ટકા સુધી પહોંચ એટલે તે ભેજને જકડી રાખતા નથી અને વરસાદ તૂટી પડે છે. આ વિસ્તાર એટલે કે લૉ-પ્રેશરના વર્તુળના 180 ડિગ્રીથી શરૂ કરીને 270 ડિગ્રીનો હોય છે અને તેની દિશા સાઉથ વેસ્ટ હોય છે. આ વિસ્તારને કન્વર્ઝન ઝોન કહેવાય છે અને ત્યાં પવનો ભેજ છોડીને આગળ વધે છે.

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

17 ડેમ ઓવરફ્લો થયા
રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

ગામમાં પાણી ધસી આવ્યું હતું.
ગામમાં પાણી ધસી આવ્યું હતું.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ

તાલુકો વરસાદ
લોધિકા 21 ઈંચ
વિસાવદર 16 ઈંચ
કાલાવડ 20 ઈંચ
રાજકોટ 16 ઈંચ
ધોરાજી 12 ઈંચ
કોટડા સાંગાણી 08 ઈંચ
ગોંડલ 10 ઈંચ
પડધરી 7 ઈંચ
કપરાડા 5 ઈંચ
જૂનાગઢ 7 ઈંચ
ધ્રોલ 10 ઈંચ

હજુ આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના મતે ઓરિસ્સા તરફથી આવતી સિસ્ટમ બે દિવસમાં સૌરાષ્ટ્રના લો-પ્રેશરમાં મર્જ થતા સિસ્ટમ મજબૂત બનશે અને તે પણ ભારે વરસાદ લાવી શકે એમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments