વલસાડ જિલ્લામાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે પારડીના ખડકી ગામનું તળાવ ઓવરફલો થયું હતું. તળાવ છલકાતા અને આડેધડ બાંધકામના કારણે વરસાદી પાણી હાઇવે પર ઘસી આવ્યાં હતાં. હાઇવે પર પાણી આવતાં મુંબઇ-અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જેના કારણે ખડકીથી પારડી તરફ 3 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. ચાલુ વરસાદે હજાર વાહન ચાલકોએ પોતાના વાહનમાં બેસી રહેવાની ફરજ પડી હતી. સ્થાનિક વાહન ચાલકો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતાં.
પારડી નજીક ખડકી નેશનલ હાઈવે નંબર 48 નજીક એક તળાવ વરસાદથી છલકાયું હતું. તળાવ ઓવરફલો થતાં નજીકના વિસ્તારમાં કંપની અને બિલ્ડીંગોના આડેધડ બાંધકામના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી હાઇવે સુધી પાણી ઘસી આવ્યાં હતાં. ખડકી હાઇવે પર વરસાદી પાણી પહોંચતાં વાહન ચાલકો પણ એક સમયે ડરી ગયા હતાં. પોલીસ અને આઇઆરબીની ટીમે હાઇવે બંધ કરાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરાવી હતી, પરંતુ એક તરફ વરસાદ ચાલુ રહેતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. અમદાવાદથી મુંબઇ તરફ જતાં વાહનોની 3 કિ.મી સુધી લાઇનો જોવા મળી હતી. પોલીસ અને આઇઆરબીની ટીમે ટ્રાફિકને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સ્થાનિક આગેવાન અને વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શંકરભાઇ પટેલે જણાવ્યું હતું કે ખડકીનું ગામ તળાવ અને બાંધકામોના કારણે વરસાદી પાણી હાઇવે પર આવ્યું છે. હાઇવે ઓથોરોટીએ પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઇએ.