પાણીની સમસ્યા : વડોદરામાં પીવાના પાણીના નવા સ્ત્રોત ઉભા નહીં થવાના કારણે કકળાટ

0
3

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે પીવાના પાણીના નવા સ્ત્રોત ઉભા નહીં કરવાને કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ કાયમી થઇ ગયો છે એટલું જ નહીં એક બાજુ વહીવટીતંત્ર એમ કહે છે કે, પાણીનો પૂરતો જથ્થો લોકોને પહોંચાડવામાં આવે છે, પરંતુ, મહાનગરપાલિકાની પાણીની વિતરણ પદ્ધતિમાં ખામી હોવાના કારણે લોકોને પુરતું પાણી પહોંચતું નથી.

આજવા સરોવરની કામગીરી 1885માં શરૂ થઇ હતી
વડોદરા શહેરને પીવાનું સ્વચ્છ પાણી મળે તે ઉદ્દેશ્યથી આજવા સરોવર બનાવ્યું હતું. 1881થી 1892 દરમિયાન વોટર વર્કસની સ્થાપના કરીને વડોદરાથી 23 કિ.મી. દૂર આજવા સરોવરની યોજના તૈયાર કરવામાં આવી હતી. આજવા સરોવરના બાંધકામનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે. વડોદરાના તે વખતના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવર વડોદરાની વસ્તી કરતા ત્રણ ગણું મોટું બનાવ્યું હતું. આજવા સરોવરની કામગીરી 1885માં શરૂ થઇ હતી. તે સમયે વડોદરાની વસ્તી 1 લાખની હતી, એટલે 3 લાખ લોકોને પાણી મળી રહે તેને ધ્યાનમાં રાખી સરોવર તૈયાર કર્યું હતું, પરંતુ, સમય વિતતા વડોદરા શહેરની વસ્તી અને વિસ્તાર પણ વધ્યો છે. સમય સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવર બાદ મહીસાગર નદી અને નર્મદા કેનાલમાંથી અલગ-અલગ પાણી મેળવવાના સ્ત્રોત ઉભા કરી નગરજનોને પાણીની સુવિધા પુરી પાડી છે.

પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો કકળાટ
સેન્ટ્રલ પબ્લિક હેલ્થની ગાઈડલાઈન પ્રમાણે વ્યક્તિ દીઠ 160 લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી 145 એમ.એલ.ડી, મહીસાગર નદીમાંથી 300 એમ.એલ.ડી અને સિંધરોટ નર્મદા કેનાલમાંથી 75થી 78 એમ.એલ.ડી પાણી મેળવી રહ્યું છે. એટલે કે 400 એમએલડી પાણીની જાવક સામે 523થી 560 એમ.એલ.ડી પાણીની આવક છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં વિસ્તાર 158 ચોરસ કિલોમીટરથી વધીને 220 ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયો છે. જેની સરખામણીએ વસ્તી પણ 21 લાખને પાર થઈ જતા પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. પરિણામે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીનો કકળાટ સર્જાયો છે.

300 એમ.એલ.ડી પાણીની આવક ઊભી કરવાનું કામ ચાલી રહ્યું છે
સત્તાધીશો તથા કોર્પોરેટરો બેઠક યોજીને પાણી મુદ્દે આપદા ભોગવતા રહીશોને આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ, સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. જેથી પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પૂરું પાડવા પાલિકાએ સિંધરોટ મહીસાગર નદીમાંથી નવી લાઈન મારફતે 300 એમ.એલ.ડી પાણીની આવક ઊભી કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, તેમ છતાં પૂર્વ વિસ્તારમાં વધારાનું પાણી ડાયવર્ટ કરવાનું અથવા સ્ત્રોત ઉભો કરવાનો કાર્ય ન થાય ત્યાં સુધી પાણીનો કકળાટ રહેશે તેવું માનવું છે

ઉનાળામાં પાણીનો વપરાશ વધતા પાણીની ઘટ ઉભી થતી હોય છે
આ અંગે પાણી પુરવઠા શાખાના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા નગરજનોની જરૂરિયાત મુજબ અને નિયમ પ્રમાણે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે, જોકે, ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો વપરાશ વધતા પાણીની ઘટ ઉભી થતી હોય છે. તદુપરાંત તાજેતરમાં શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા સિંધરોટ મહીસાગર નદીમાંથી પાણીની આવક મેળવવાનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે, જેની કામગીરી ટૂંક સમયમાં પૂરી થઈ જશે જેનો લાભ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here