રાજકારણ : વિધાનસભાની આઠેય બેઠકની પેટાચૂંટણીમાં અમારો વિજય થશે, પૈસાની લાલચે કોંગ્રેસ છોડીને ગયેલાને જનતા જવાબ આપશેઃ હાર્દિક

0
4

રાજકોટ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે  પહેલા ખોડિયાર માતાજી સામે શિશ ઝુંકાવી ધન્યતા અનુભવી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં પેટા ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસના નિરિક્ષકો કામે વળગી ગયા છે અને તમામ બેઠકોમાં અમારા 200-200 કાર્યકરો દોડી રહ્યા છે. આઠેય બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે તેનો જનતા જવાબ આપશે. પેટા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશે. આઠેય બેઠકો પર અમારો 15000ની લીડથી વિજય થશે.

 

ભાજપની સરકારથી પ્રજા ત્રસ્ત બની ગઇ

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યમાં ભાજપની સરકારથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની નથી. પેટાચૂંટણી સેમિફાઇલ છે અને આવનારી વિધાનસભાની 2022ની ચૂંટણી ફાઇનલ મેચ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ એક તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવશે. મેં પહેલાં પણ કહ્યું હતું જ્યાં જરૂર પડશે ત્યાં અમે આત્મમંથન કરીશું. કોંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે. અમે આત્મમંથન કરીશું અને જ્યાં જરૂર પડશે ત્યાં ભૂલ સુધારીશું. કોંગ્રેસે મારા પર વિશ્વાસ મુક્યો છે અને પૂરી નિષ્ઠા સાથે કોંગ્રેસમાં કામ કરીશ.

કોંગ્રેસના ધારાસભ્યો સાથે જોડાયા 

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ હાર્દિક પટેલ સાથે ખોડલધામમાં હાજર રહ્યા હતા. કોરોનાની મહામારી હોવા છતાં ખોડલધામમાં હાર્દિક પટેલના આગમનને લઇને મેળાવડો જામ્યો હયો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે બધા સાથે હાથ પણ મિલાવ્યો હતો. સાથે રહેલા લોકોએ બોલો ઉમા-ખોડલની જય બોલાવી હતી. અહીંથી હાર્દિક પટેલ સીદસર ઉમિયા માતાજીના મંદિરે જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here