પેટાચૂંટણી : ધારીમાં સી.આર.પાટીલ નું બાઈક-કાર રેલી સાથે સ્વાગત, પાટીલ કારને બદલે બુલેટ પર બેસી સભાસ્થળે પહોંચ્યા.

0
2

ધારી બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ભાજપે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. સી.આર. પાટીલ ધારી પહોંચે તે પહેલા ભાજપ દ્વારા કાર અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલ કારને બદલે બુલેટ પર બેસી સભાસ્થળે પહોંચ્યા હતા. અહીં સી.આર. પાટીલ સહિત ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

સભાસ્થળે સ્ટેજ પર ભાજપના નેતાઓ દો ગજ કી દૂરી ભૂલ્યાં
(સભાસ્થળે સ્ટેજ પર ભાજપના નેતાઓ દો ગજ કી દૂરી ભૂલ્યાં)

 

ધારી વિધાનસભા કબ્જે કરવા ભાજપનો જોરશોરથી પ્રચાર

ધારી વિધાનસભા બેઠક કબ્જે કરવા માટે ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. ધારીમાં મન કી બાત કાર્યક્રમ થકી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોરોના મહામારી હોવા છતાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હતો. આ સભામાં સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.

સભામાં જયેશ રાદિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં
(સભામાં જયેશ રાદિયા સહિતના નેતાઓ હાજર રહ્યાં)

 

પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપને ભારે પડ્યો હતો

બે મહિના પહેલા સી.આર. પાટીલ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. આ વખતે 13થી વધુ કાર્યક્રમોમાં ભાજપે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ ભાજપના જ મોટા નેતાઓને કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ હજુ પણ ચેન્નઈમાં સારવાર હેઠળ છે. રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના નેતાઓ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા અને આ તમામને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.