પશ્ચિમ બંગાળ : 30 વર્ષ પહેલા પણ મમતા બેનર્જી પર થયો હતો જીવલેણ હુમલો

0
2

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામ ખાતે હુમલો થયો તે સાથે જ 1990માં હાજરા ખાતે તેમના પર જીવલેણ હુમલો થયેલો જેમાં તે મોતના મોઢામાંથી માંડ પાછા ફરેલા તે ઘટના તાજી થઈ ગઈ. CPI-Mના કથિત ગુંડા લાલુ આલમે તે હુમલો કર્યો હતો જેમાં મમતાને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, લેફ્ટને તે હુમલો ખૂબ ભારે પડી ગયો હતો કારણ કે, તેના બાદ મમતા બંગાળના નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેમના રાજકીય વંટોળમાં લેફ્ટની સત્તા કાગળના મહેલની જેમ ધસી પડી હતી.

મમતા બેનર્જી બંગાળમાં હિંસા ઘટી હોવાનો દાવો કરે છે અને તાજેતરના હુમલાનું ઠીકરૂં તેમણે ભાજપના માથે ફોડી દીધું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે, બંગાળ હંમેશા રાજકીય હિંસાઓ માટે કુખ્યાત રહ્યું છે. મમતા પર થયેલા ઐતિહાસિક હુમલા અંગે જાણતી વખતે તે સમજવું મહત્વનું થઈ પડે છે કે કઈ રીતે એક મહિલા બંગાળના રાજકીય ખૂન-ખરાબા વચ્ચે સત્તાની ખેલાડી બનીને ઉભરી આવી.

1990ના હુમલાનું કારણ

તે સમયે મમતા કોંગ્રેસના યુવા નેતા હતા. ખાદ્ય તેલમાં ભેળસેળને પગલે થયેલા મૃત્યુઓના વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. મમતાએ અનેક જગ્યાએ રેલીઓ યોજી હતી. તેના અનુસંધાને તેઓ જ્યારે હાજરામાં રેલી માટે જઈ રહ્યા હતા તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીના કથિત ગુંડા આલમે ધારદાર હથિયાર વડે મમતાનું માથું ફોડી નાખ્યું હતું.

તે હુમલો એટલો ખતરનાક હતો કે, મમતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. કોર્ટે આ કેસમાં જાતે જ સંજ્ઞાન લઈને હત્યાનો પ્રયત્ન અને હુલ્લડના આરોપસર કેસ શરૂ કર્યો હતો. બે મહિના બાદ આલમ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે તે કોણ હતો તે પણ એક સવાલ છે.

લાલુ આલમ પહેલા કોંગ્રેસનો જ કાર્યકર હતો પરંતુ 1980માં તે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયો હતો. પોતાના ભાઈ અને જિલ્લા સ્તરના કોમ્યુનિસ્ટ નેતા બાદશાહની અસરના કારણે આલમની હિંમત વધવા લાગી હતી. મમતા પર થયેલા હુમલાની ભારે ટીકા બાદ બંને ભાઈઓને પાર્ટીએ બહાર કરી દીધા હતા. મમતા વિરૂદ્ધના આ હુમલાનો કેસ 1992માં ચાલુ થયો હતો જે લેફ્ટના રાજકારણને પગલે વર્ષો સુધી લટકેલો રહ્યો હતો.

ખેંચી-તાણીને 29 વર્ષ સુધી કેસ ચલાવ્યા બાદ કોર્ટે આલમને તેના વિરૂદ્ધ પૂરતા પુરાવા ન હોવાનું કહીને મુક્ત કરી દીધો હતો. મમતા બેનર્જીએ આ ચુકાદાને લઈ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, બંગાળની રાજકીય હિંસાની વાર્તાઓ આના કરતા અનેકગણી વધુ ડરામણી અને ખૂંખાર રહી છે.

લોહીથી રંગાયેલું બંગાળનું રાજકારણ

મમતા અને તેમની પાર્ટી પર થતા હુમલા કોઈ નવી વાત નથી. ઉપરાંત મમતાની પાર્ટી દ્વારા કરવામાં આવતા હુમલા પણ કોઈ નવી વાત નથી. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી એકબીજા પર પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવતા આવ્યા છે. જો કે, આ લોહીયાળ સંઘર્ષ બંગાળના રાજકારણના સંસ્કાર સમાન છે.

1970નો દશકો બંગાળમાં ભયંકર ખૂનખરાબાની દુખઃદ યાદોથી ભરેલો રહ્યો હતો. 1964 સુધી તો કોંગ્રેસે બંગાળ પર કબજો જમાવી રાખ્યો હતો પરંતુ ત્યાર બાદ નક્સલવાદી આંદોલન અને કોમ્યુનિસ્ટો ઉભરવાનો તબક્કો એક સાથે ચાલતો રહ્યો. ખૂબ જ ઝડપથી બંગાળ આ આંતરિક રાજકીય હિંસાની લપેટમાં આવી ગયું અને 1971માં ફોરવર્ડ બ્લોક નેતા હેમંત બસુની હત્યા થઈ તે એક મહત્વના ઈતિહાસ સમાન ઘટના બની ગઈ.

CPI (M) વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા બસુની હત્યા કોણે કરાવી તે ક્યારેય નક્કી ન થઈ શક્યું. 1970ના દશકાની વધુ એક સનસનાટીભરી હત્યા બસુની જગ્યાએ આવનારા અજીત કુમાર બિસ્વાસની હતી. લેફ્ટે હિંસાના બળે સત્તામાં આવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને ભારે આંચકો લાગવાનો હતો.

રાજકીય હિંસાના ઈતિહાસમાં બિસ્વાસની હત્યા સહિત 70નો આખો દશકો ખૂબ ભયંકર રીતે આલેખાયેલો છે. ત્યાર બાદ 80ના દાયકામાં મમતા બેનર્જીની રાજકીય યાત્રા શરૂ થઈ હતી જે 1990ના હુમલા બાદ ખૂબ ઝડપથી આગળ વધી. તે સમયે CPI (M) માટે હુમલાનો બચાવ કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો.

મમતા સ્ટાર બની ગઈ

હુમલા બાદ મમતા સ્ટાર બની ગઈ હતી અને કોંગ્રેસને બંગાળમાં પાછા આવવાનો રસ્તો દેખાવા લાગ્યો હતો. ત્યાર બાદ 1996ને બંગાળની રાજકીય હિંસામાં ખૂબ ખતરનાક ગણવામાં આવ્યું જ્યારે પોલીસ સાથે અથડામણમાં ઉતરેલા પ્રદર્શનકારીઓ સાથેની હિંસામાં ગણતરીની મિનિટોમાં13 લોકો માર્યા ગયા હતા. આવી જ એક ઘટના સિંગૂરમાં બની હતી જ્યાં મમતાની પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસે ફાયરિંગ. 2006થી 2008 વચ્ચે સિંગૂર અને નંદીગ્રામના આંદોલનોએ બંગાળના લોહીથી ખરડાયેલા ઈતિહાસના પાના ફરી ખુલ્લા કરી દીધા હતા.

ચોંકાવનારા આંકડાઓ

દેશના ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે 1999થી 2016 દરમિયાન પશ્ચિમ બંગાળમાં દર વર્ષે સરેરાશ ઓછામાં ઓછા 20 પોલિટિકલ મર્ડર થયા. તેમાં પણ 2009ના વર્ષમાં સૌથી વધારે 50 હત્યાઓ થઈ હતી. વર્ષ 2000, 2010 અને 2011માં પણ હત્યાઓનો ગ્રાફ ઘણો ઉંચો રહ્યો હતો. 20 વર્ષ પહેલા પણ આવા જ આંકડા સામે આવ્યા હતા.

1989માં તત્કાલીન કોમ્યુનિસ્ટ નેતા અને મુખ્યમંત્રી જ્યોતિ બસુએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે 1988-89માં ઓછામાં ઓછા 86 રાજકીય કાર્યકરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તે સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીએ ‘કોમ્યુનિસ્ટોના બંગાળમાં જીવવું ખૂબ જોખમી થઈ ગયું છે’ તેમ કહેવું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here