શું છે સોફ્ટ સિગ્નલ?, જેના પર જોવા મળી રહી છે આટલી બબાલ

0
2

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી-20 મેચની સીરીઝનો ચોથો મુકાબલો અમ્પાયરના કેટલાંક ડિસિઝનને લઈને વિવાદાસ્પદ રહ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 રનથી હાર આપી. આ જીતની સાથે ભારત ટી-20 સીરીઝમાં 2-2ની બરાબરી પર પહોંચી ગયું. ભારતીય ઈનિંગનો મદાર સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરની ધમાકેદાર બેટિંગ રહી. સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતે આ મુકાબલો ભલે જ જીતી લીધો હોય પરંતુ આ મેચે અનેક સવાલો છોડ્યા છે. ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ જે રીતે સૂર્યકુમાર યાદવને સોફ્ટ સિગ્લન અંતર્ગત આઉટ આપ્યો, તે ક્રિકેટ વિશ્લેષકોને ગળે નથી ઉતરી રહ્યો.

કેમ થયો વિવાદ

ભારતીય ઈનિંગની 14મી ઓવર ઈંગ્લેન્ડનો સેમ કરન ફેંકી રહ્યો હતો. તે સમયે તેમની સામે સૂર્યકુમાર યાદવ હતા. સેમ કરનના એક બોલ પર સૂર્યકુમારે સ્કૂપ શોટ રમ્યો જો ડીપ ફાઈન લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ડેવિડ મલાન પાસે ગયો. મલાને કેચ પકડી લીધો. જો કે મલાને પકડેલો આ કેચ જમીનને અડકી ગયો હતો. તેમ છતાં ડેવિડ મલાને કેચની અપીલ કરી. આ કેચ યોગ્ય રીતે પકડાયો છે કે નહીં તે જોવા માટે ફિલ્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસે મદદ માગી. નિયમ મુજબ મેદાનના અમ્પાયરે પોતાનો નિર્ણય પણ આપવો પડે છે, તે અંતર્ગત ફિલ્ડ અમ્પાયરે સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો હતો. આ મેચમાં ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં વીરેન્દ્ર શર્મા હતો.

થર્ડ અમ્પાયરે કહ્યું પુરતા પુરાવા ન મળ્યા થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ સૂર્યકુમારના કહેવાતા કેચનો વીડિયો વારંવાર જોયો. રીપ્લે જોવાથી ખ્યાલ આવ્યો કે ડેવિડ મલાને જ્યારે કેચ પકડ્યો ત્યારે બોલ જમીનને અડકી રહ્યો હતો. તેમ છતાં અમ્પાયરે સફાઈથી કેચ પકડ્યો તેના કોઈ જ પુરાવા ન મળ્યા. થર્ડ અમ્પાયરે વીરેન્દ્ર શર્માનું માનવું છે કે કેચ ડ્રોપ થવાના કનક્લૂઝિવ એવિડન્સ (પુરાતા પુરાવા) નથી. તેથી ત્રીજા અમ્પાયરે ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જ જાહેર કર્યો.

જાણો શું હોય છે સોફ્ટ સિગ્નલ?

મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે છે કે જેમાં તે વાત સ્પષ્ટ નથી કે તેને આ કેચ સફાઈથી લીધો છે કે નહીં. એવામાં ગ્રાઉન્ડ અમ્પાયર તે કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. જો કે ત્રીજા અમ્પાયરથી પહેલાં ગ્રાઉન્ડ અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય છે. ક્રિકેટની ભાષામાં તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. જે બાદ ત્રીજો અમ્પાયર મોનિટર પર તેને અનેક એન્ગલથી જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના પર્યાપ્ત પુરાવા મળે છે તો તે બેટ્સમેનને આઉટ કરાર જાહેર કરાય છે. પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ટીવી અમ્પાયરને પર્યાપ્ત પુરાવા નથી મળતા. આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે.

સૂર્યકુમાર યાદવના મામલે પણ આવું જ થયું. ડેવિડ મલાને તેમનો કેચ સફાઈથી પકડ્યો હતો કે નહીં તે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તેથી ગ્રાઉન્ડ અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસેથી મદદ માગી. ગ્રાઉન્ડ અમ્પાયરે પોતાના સાથી અમ્પાયર સાથે વાત કરી અને સોફ્ટ સિગ્નલ અંતર્ગત સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો. જે બાદ ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ તે કેચને અનેક એન્ગલથી જોયો પરંતુ તેને કોઈ જ પુરતા પુરાવા ન મળ્યા. અમ્પાયર વીરેન્દ્ર શર્માએ મેદાન પરના અમ્પાયરના નિર્ણયને યથાવત રાખતા સૂર્યકુમાર યાદવને આઉટ જાહેર કર્યો.

શું કહે છે નિયમ?

થર્ડ અમ્પાયરને શંકાસ્પદ કેચના નિર્ણયને રેફર કરવાના મામલામાં ICCના નિયમ કહે છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને સોફ્ટ સિગ્નલને ત્યારે ફેરવી શકાય છે જ્યારે રિપ્લેમાં તે માટે પર્યાપ્ત પુરાવા મળે. એટલે રિપ્લેથી સ્પષ્ટ થાય છે કે ગ્રાઉન્ડ અમ્પાયરને જે લાગી રહ્યું છે તે ખોટું છે. એટલે જો ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટને સોફ્ટ સિગ્નલ આપ્યું છે તો ટીવી અમ્પાયર ત્યારે જ નોટઆઉટ આપી શકે છે જ્યારે રિપ્લેથી સ્પષ્ટ થાય કે બેટ્સમેન નોટઆઉટ જ છે. સૂર્યકુમારના મામલામે તે સ્પષ્ટ થતું ન હતું કે કેચ ડ્રોપ થયો છે કે નહીં.

ક્લીન કેચનો નિયમ શું છે?

જો કોઈ ફિલ્ડર લો કેચ (જમીનથી નજીકનો કેચ) પકડે છે તો તેની આંગળી બોલની નીચે હોવી જોઈએ. જો કોઈ મામલામાં ફિલ્ડરની બે આંગળી બોલની નીચે છે અને બોલ ગ્રાઉન્ડમાં અડકે છે તો પણ કેચ ક્લીન માનવામાં આવે છે અને બેટ્સમેનને આઉટ જાહેર કરાય છે. સૂર્યકુમારના મામલામાં બોલ જમીન પર અડકેલી જોવા મળે છે પરંતુ તે સ્પષ્ટ નથી થતું કે ફિલ્ડરની આંગળી બોલની નીચે છે કે નહીં. જો કે ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યો તો સ્પષ્ટ પુરાવાના અભાવે થર્ડ અમ્પાયરને આ નિર્ણય બરકરાર રાખવા પડશે.

મેચમાં ત્રણ વખત સોફ્ટ સિગ્નલ, મીડિયા પર નિંદા

સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો તે નિર્ણયની સોશિયલ મીડિયા પર ઘણી જ નિંદા થઈ. એક્સપર્ટ અને ફેન્સે સોફ્ટ સિગ્નલ પર સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડરે લો કેચ કર્યો કે નહીં તે પિચ પાસે ઊભેલા અમ્પાયર કઈ રીતે જોઈ શકે છે. જો તે સ્પષ્ટ પણે જોઈ શકે છે તો પછી થર્ડ અમ્પાયરના ડિસીઝનને રેફર જ કેમ કરવો પડે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડા, વીવીએસ લક્ષ્મણ, વસીમ જાફર સહિતના દિગ્ગજોએ આવા મામલામાં સોફ્ટ સિગ્નલને ખતમ કરવાની માગ કરી છે. મેચમાં કુલ ત્રણ વખત સોફ્ટ સિગ્નલ જોવા મળ્યું. ત્રણેય વખત સોફ્ટ સિગ્નલ આઉટ જ જાહેર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here