રેમોએ કહ્યું, ‘હાર્ટ અટેક બાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે મારું હૃદય માત્ર 25% જ કાર્યરત હતું’, સામાન્ય રીતે હૃદય 55 ટકા કાર્ય કરતું હોય છે

0
12

કોરિયોગ્રાફર તથા ફિલ્મમેકર રેમો ડિસોઝાને હાર્ટ અટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એન્જિયોપ્લાસ્ટીથી હૃદયનાં બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં તો રેમો ઘરે આરામ કરી રહ્યો છે. રેમોએ હાર્ટ અટેક આવ્યો તે દિવસે શું બન્યું હતું તે અંગે વિગતે વાત કરી હતી. રેમોએ તે દિવસને પોતાના જીવનનો સૌથી ડરામણો સમય ગણાવ્યો હતો.

અચાનક જ છાતીમાં દુખાવો થવા લાગ્યો

રેમોએ વાતચીતમાં કહ્યું હતું, ‘તે સામાન્ય દિવસની જેમ જ હતો. બ્રેકફાસ્ટ પતાવીને હું જીમમાં ગયો હતો. મારો તથા લિઝેલનો એક જ ટ્રેનર છે. જીમમાં ટ્રેનર મારી પત્નીને વર્કઆઉટ કરાવતો હતો અને હુ મારો વારો આવે એની રાહ જોતો હતો. આ દરમિયાન મેં ટ્રેડમિલ પર ચાલવાનું શરૂ કર્યું હતું. પછી એમ જ બેસી રહ્યો હતો. લિઝેલનું વર્કઆઉટ સેશન પૂરું થયું ત્યારે હું ઊભો થયો હતો. જોકે, મને અચાનક જ છાતીમાં વચ્ચે દુખાવો થવા લાગ્યો હતો. મને ડાબા હાથમાં દુખાતું નહોતું, તો અમને એમ જ હતું કે એસિડિટીને કારણે આમ થયું હતું. તેથી જ મેં પાણી પીધું હતું. જોકે, દુખાવામાં સહેજ પણ રાહત થઈ નહોતી. મેં મારા ટ્રેનરને આ વાત કહી અને ટ્રેનિંગ સેશન કેન્સલ કરાવ્યું હતું.’

ડૉક્ટર્સે મેજર હાર્ટ અટેક આવ્યો હોવાનું કહ્યું

વધુમાં રેમોએ કહ્યું હતું, ‘હું અને લિઝેલ લિફ્ટમાં આવ્યા હતા અને મેં લિફ્ટનું બટન પ્રેસ કર્યું અને નીચે બેસી ગયો હતો. લિફ્ટની બહાર આવ્યા તો તરત જ મને ઉધરસ આવવા લાગી હતી. લિઝેલે મારી સ્માર્ટવોચ જોઈ અને તેમાં હાર્ટબીટ તથા ECG જોયો હતો અને સ્ક્રીન પર લખાઈને આવ્યું હતું, ‘તમે ઠીક નથી?’ મને જે રીતનો દુખાવો થતો હતો તેવો દુખાવો મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યો નહોતો. હોસ્પિટલ ગયા બાદ ડૉક્ટર્સે મેજર હાર્ટ અટેક આવ્યો હોવાનું કહ્યું હતું.’

હોસ્પિટલ ગયા ત્યારે હૃદય માત્ર 25 ટકા કામ કરતું હતું

રેમોએ આગળ કહ્યું હતું, ‘મારી જમણી ધમનીમાં 100 ટકા બ્લોકેજ હતું. સામાન્ય રીતે હૃદય 55 ટકા કાર્ય કરતું હોય છે. જોકે, મને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે મારું હૃદય માત્ર 25 ટકા જ કામ કરતું હતું. મને પ્રી-વર્કઆઉટ સેશન, કામના સ્ટ્રેસ કે પછી વારસાગતને કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેઓ આ અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું આ જાણવા માટે આતુર છું. અનેક લોકો માને છે કે હું સ્ટીરૉઇડ લઉં છું પરંતુ આ વાત સાચી નથી. હું નેચરલ બૉડીમાં જ વિશ્વાસ રાખું છું.’

દરેકનો આભાર માન્યો

રેમોએ કહ્યું હતું, ‘હું બચી ગયો તે માત્ર ને માત્ર અનેક પ્રાર્થના તથા આશીર્વાદને કારણે શક્ય બન્યું છે. મને ખ્યાલ આવ્યો કે જીવન કેટલું કિંમતી છે. જ્યારે હું હોસ્પિટલમાં હતો ત્યારે હું આંખો બંધ કરીને વિચારતો હતો કે જો હું મરી ગયો તો લોકો મને થોડાંક દિવસ યાદ કરીને પછી ભૂલી જશે. તેથી જ જીવન ઘણી જ કિંમતી ગિફ્ટ છે.’

સલમાનને એન્જલ કહ્યો

રેમોએ કહ્યું હતું, ‘અમે સલમાનને એન્જલ કહીએ છીએ, કારણ કે તે મનનો ઘણો જ સારો છે. મેં તેની સાથે કામ કર્યું છે અને મને ખ્યાલ છે કે તે કેટલી સારી વ્યક્તિ છે. સલમાન અને હું વધુ વાત કરતા નથી. હું માત્ર ‘યસ સર, ઓકે સર’ એટલું જ બોલતો હોઉં છું. વાસ્તવમાં મારી પત્ની તથા સલમાન એકબીજાના ખાસ છે. જ્યારે મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે લિઝેલે સલમાનને ફોન કર્યો હતો. હું હોસ્પિટલમાં છ દિવસ રહ્યો ત્યાં સુધી તેણે સતત મારું ધ્યાન રાખ્યું હતું. તેણે ડૉક્ટર્સ સાથે પણ વાત કરી હતી.’

બે મહિના સુધી સંપૂર્ણ આરામ

વધુમાં રેમોએ કહ્યું હતું કે હાલમાં તે તેલ, મીઠું, સ્વીટ્સ કંઈ જ ખાતો નથી. તેનું હૃદય 40 ટકા જેટલું કામ કરે છે. જ્યારે તે 50 ટકા સુધી કામ કરતું થઈ જશે ત્યારે તે નોર્મલ લાઈફ જીવવાનું શરૂ કરશે. હજી તે બે મહિના સુધી સંપૂર્ણ આરામ કરશે. તે વર્ક આઉટ, ડ્રાઈવિંગ કે પછી કામ કરશે નહીં.

11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યો હતો

રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા બાદ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચને પણ રેમો જલ્દી સ્વસ્થ થાય તે માટે કામના કરી હતી. બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ, મારી પ્રાર્થના તમારી સાથે છે.’

સલમાન-રેમોએ ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું

રેમો ડિસોઝ તથા સલમાન ખાને ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને રેમોએ ડિરેક્ટ કરી હતી. મલ્ટીસ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મને ખરાબ રીતે વખોડી નાખી હતી. ફિલ્મ બાદ એવી ચર્ચા હતી કે સલમાન તથા રેમોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here