જ્યારે કોઈ લાશ પાસે જતું નહોતું ત્યારે ડીસાના મનુ આસનાની કિટ વગર જ લાશોને પોતાની ગાડીમાં સ્મશાને લઈ જતા

0
2

તસવીર: મનુ આસનાની.
  • ડીસાના મનુ આસનાનીએ કોરોનાકાળમાં 200થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા
  • પરિવારજનો નજીકથી દાહ આપતા અચકાતાં ત્યારે તેઓ માટે દસ ફૂટ લાંબા વાંસની પણ વ્યવસ્થા કરતા હતા

કોરોનાએ દહેશત એવી સર્જી કે સગા દીકરા પણ પિતાની લાશને અડવાની ના પાડી દેતા હતા, એવામાં 11 વર્ષની ઉંમરથી બિનવારસી લાશોની અંત્યેષ્ટિ કરતા ડીસાના 52 વર્ષીય મનુ આસનાનીની જવાબદારીઓ કોરોનાકાળમાં અત્યંત વધી ગઈ. 41 વર્ષમાં 11 હજારથી વધુ લાશોની હિન્દુ સંસ્કૃતિ મુજબ, અંતિમવિધિ કરનાર મનુ આસનાનીએ એપ્રિલ મહિનામાં જ કોરોનાથી પહેલી મહિલાના મોતની અંત્યેષ્ટિ પીપીઇ કિટ પહેરીને કરી હતી, જે બાદ 200થી વધુ લાશો માત્ર એક માસ્ક પહેરીને જ અંતિમ ક્રિયા કરી.

જીવતી વાર્તા જેવી જિંદગી જીવતા મનુ આસનાનીને ડીસામાં ભાગ્યે જ એવી વ્યક્તિ હશે, જે નહિ ઓળખતી હોય, સડક અકસ્માતમાં જ્યારે કોઈ લાશ રોડ સાથે ચોંટી જાય ત્યારે થેલીમાં લાશના અવશેષો એકઠા કરવાનું કામ હોય કે રેલ અકસ્માતમાં શરીરનાં 50થી વધુ નાનાં-મોટાં અંગો શોધવાનું કામ મનુ આસનાની મશીનની જેમ કરે છે. બિનવારસી લાશ જ્યારે મળે ત્યારે પોલીસ સહુથી પહેલા મનુભાઈને જ કૉલ કરે છે. એવામાં કોરોનાકાળમાં લાશોને સ્વીકારવા જ્યારે પરિવાર ડરવા લાગ્યો ત્યારે મનુભાઈને બોલાવવા પડતા.

એક પ્રસંગની વાત કરતાં મનુભાઈએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં જ ડીસાના એક વૃદ્ધનું ત્રીજા માળે શંકાસ્પદ મોત થયું. જોકે તેમનું કોરોનાથી મોત થયું હોવાની આશંકાને પગલે તેમની નજીક કોઈ ગયું નહિ. પરિવારજનોએ બોલાવતાં ત્યાં જઈ લાશ નીચે ઉતારી અને અંતિમસંસ્કાર કર્યા. એવા તો અનેક કિસ્સા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લાશ લેતી વખતે થયા. એક પુત્રએ કોરોનાગ્રસ્ત પિતાની લાશને અંતિમદાહ આપવાનો ઇન્કાર કર્યો હતો, બાદમાં 10 ફૂટ લાંબો વાંસ આપ્યો અને કહ્યું તોપણ ના પાડી. કારણ પૂછ્યું તો જણાવ્યું કે વાંસ પર અનેકોના હાથ લાગ્યા હશે.

કોરોનાની અંતિમવિધિ કરી એટલે લોકોએ 6 મહિના અંતર રાખ્યું હતું
પહેલી દીકરીના 11 વર્ષ પછી મારે દીકરો આવ્યો છે. તેને થોડાં વર્ષો અગાઉ ડેન્ગ્યૂ થયો હતો અને કાઉન્ટ માત્ર દસ હજાર હતા, એ વખતે બ્લડ આપવા માટે 50 લોકો આવી ગયા હતા અને મારી આંખો ભરાઈ ગઈ હતી. 11 વર્ષનો હતો ત્યારે પહેલી ચિતા સળગાવી હતી, આજે 41 વર્ષમાં 11 હજાર કરતાં વધુ લાશોની અંતિમવિધિ સહિતની કામગીરી કરી છે. સળગતી લાશ આસપાસ જ્યારે હું મારી જાતને એકલો જોઉં છું ત્યારે ક્યારેક આંખો ભરાઈ જાય છે. કોરોનાની લાશની અંતિમક્રિયા કરતો હોવાથી અનેક લોકોએ 6 મહિનાથી મારી સાથે અંતર બનાવી દીધું હતું, મને કોઈ બોલાવતા નહીં. ઘરના રૂપિયા ખર્ચીને વસ્તુઓ લાવી હશે, પણ ક્યારેય કોઈ પાસે હાથ લંબાવ્યો નથી. સરકારે સન્માન પણ ઘણી વખત કર્યું છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here