..જ્યારે 12 વર્ષ પહેલાં સિરિયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ શહેર!

0
6

ક્યારેય પણ નહીં ભુલાય એ ગોઝારો દિવસ…એક-બે નહીં પરંતુ 58 નિર્દોષ લોકોના થયા હતા મોત

26 જુલાઈ 2008ના રોજ 70 મિનિટના સમયગાળામાં અમદાવાદમાં અલગ-અલગ જગ્યાઓ પર 20 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 58 લોકો માર્યા ગયા હતા અને 200થી વધારે ઘાયલ થયા હતા. આ કેસમાં ગુજરાત પોલીસે 76 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકયો હતો. હાલ 45 આરોપીઓ સાબરમતી જેલમાં છે.

ત્રાસવાદી સંગઠન ઈન્ડીયન મુજાઉદ્દીનના આતંકવાદી યાસીન ભટ્ટકલ ઉર્ફે વિનોદ દેસાઈ ઉર્ફે સમીર સન અબ્દુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડી સહિતના સાગરિતો બોમ્બકાંડને અંજામ આપવા અમદાવાદ આવીને શાહઆલમમાં રોકાયા હતા. આ બંને આતંકવાદીઓએ અમદાવાદમાં 20 જગ્યાએ સિરીયલ બ્લાસ્ટ અને સુરતમાં 25 જગ્યાએ બોમ્બ મુકયા હતા. જોકે સુરતમાં એક પણ બોમ્બ ફુટયા નહોતા.

શહેરના વિવિધ વિસ્તારમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ ઘાયલોને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા. દરમિયાન આતંકવાદીઓએ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર પણ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. બીજા દિવસે તા. 27મી જુલાઈના રોજ સુરતમાં અનેક વિસ્તારોમાં પ્લાન્ટ કરવામાં આવેલા બોમ્બ મળી આવ્યાં હતા. આ તમામ બોમ્બને નિષ્ફળ બનાવવામાં આવ્યાં હતા.

અમદાવાદ અને સુરત પોલીસે બન્ને બનાવોની તપાસ આરંભી હતી. જેમાં આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહીદ્દીનની સંડોવણી સામે આવી હતી. તેમજ આતંકવાદીઓએ અમદાવાદના છેવાડે ઓઢવ નજીક ઘર ભાડે રાખીને જ અહીં જ બોમ્બ બનાવ્યાં હોવાનું ખૂલ્યું હતું.

એટલું જ નહીં પાવાગઢના જંગલ અને કેરલના જંગલમાં આતંકવાદી કેમ્પનું આયોજન કરાયાનું સામે આવ્યું હતું. તેમજ આ કેમ્પમાં જ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટનું કાવતરુ ઘડાયાનું ખૂલ્યું હતું.

પ્રતિબંધિત સિમીના સભ્યોએ દેશમાં ભાંગફોડ આચરવા માટે આઈએમ નામનું આતંકવાદી સંગઠન બનાવ્યું હોવાનું અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં ખૂલ્યું હતું.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ પહેલા ઈન્ડિયન મુઝાહીદ્દીને દેશમાં અનેક સ્થળો પર બ્લાસ્ટ કર્યા હતા. પરંતુ આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી ન હતી. જો કે, અમદાવાદ પોલીસે આઈએમના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસમાં રીયાઝ ભટકલ,ઈકબાલ ભટકલ સહિત 19 આરોપીઓ હજુ વોન્ટેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here