સુરત : ત્રણ બાળકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચતા સોસાયટીવાસીઓએ પુષ્પવર્ષા કરી

0
11

સુરત. આજે કોરોનાની સામે સમગ્ર દેશ ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસની સામે ડોકટર સહિત અનેક કોરોના વોરિયર્સ દિવસરાત એક કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કર્મઠ આરોગ્યકર્મીઓની સૂઝબૂઝ અને સાર-સંભાળને પરિણામે સુરતનો કોરોના રિકવરી રેટ ૬૯ ટકા સુધી પહોંચ્યો છે, સુરત શહેર અને જિલ્લાના કોરોના દર્દીઓ કોરોનાનો જંગ જીતી સાજા થઈને ઘરે સુખરૂપપરત ફરી રહ્યા છે, આવા સંજોગોમાં સુરતના કોરોના પોઝિટીવ ત્રણ નાનકડાં ભૂલકાંઓએ કોરોનાને હરાવ્યો છે. સુરતના સારોલી ખાતે નેચરવેલી ટાઉનશીપમાં રહેતા આ ત્રણ બાળકો ઘરે પરત ફર્યા તેની ખુશીમાં સમગ્ર નેચરવેલી ટાઉનશીપના રહીશોએ ત્રણેય નાના ભૂલકાઓને ફૂલડેથી વધાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

10 દિવસની સારવાર અપાઈ

નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સિનીયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડો.મયુર લાખાભાઈ કલસરિયા, એમ.ડી. (ઈમરજન્સી મેડિસીન)ને તા.૧6મી એપ્રિલના રોજ નવી સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. સુરતના પૂણા સારોલી સ્થિત નેચરવેલી રેસિડેન્સીમાં રહેતાં ડો.મયુર કલસરિયા 10 દિવસની સારવાર બાદ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમની આજુબાજુમાં રહેતા પાડોશીઓ અને ટાઉનશીપના કેટલાક રહીશોના સેમ્પલો લઈને નવી સિવીલ ખાતે ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતા. જેમાં નેચરવેલી હોમ્સ ટાઉનશીપના ચાર વ્યક્તિઓમાં એક પુખ્ત ઉંમરના કલસરીયા લાલુભાઈ જશુભાઈ( ઉ.વ.35) અને ત્રણ બાળકો, કલસરીયા હેમલકુમાર લાલુભાઈ (ઉ.વ.04 ),  નક્ષકુમાર પ્રમોદભાઈ ગુપ્તા(ઉ.વ.7)  અને બારાઈ પ્રિયાકુમારી હિંમતભાઈ(ઉ.વ.09)વર્ષ નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

બાળકો નિરોગી બની ઘરે પરત આવ્યા 

મોહિણી પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તમામને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવીલ ખાતે કોરોના વોર્ડમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. મક્કમ મનોબળ ધરાવતાં આ ત્રણેય બાળકોએ કોરોનાને મ્હાત આપી છે. બાળકોને સિવિલ હોસ્પિટલ દ્વારા તેમને વિશેષ વિદાય આપવામાં આવી હતી. ભૂલકાઓની સઘન સારવાર બાદ તમામ બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. સિવિલના ડોકટરોની ટીમના પ્રયાસોથી આ બાળકો નિરોગી બની સુખરૂપ ઘરે પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here