સિંગલ પેરેન્ટ માટે નોકરીની સાથે સાથે બાળકોને સંભાળવા ઘણુ મુશ્કેલી ભર્યુ કામ છે. બંને વચ્ચે સંતુલન રાખતુ ખરેખર અઘરુ છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે ડે કેરમાં બાળકને મુકવા માટેની ક્ષમતા ન હોય કે પછી ડે કેરનો ઓપ્શન જ ઉપલબ્ધ ન હોય. આવા સમયે સિંગલ પેરેન્ટ બાળકને કામ પર સાથે લઇને જવા કોઇ વિકલ્પ રહેતો નથી.. આવુ જ કંઇક જોવા મળ્યુ દિલ્હીમાં.
જ્યારે ઝોમેટો ડિલીવરી બોય પોતાની બે વર્ષની દિકરીને તેડીને ઓર્ડર લેવા પહોંચ્યો ત્યારે ભાવુક ક્ષણો જોવા મળી. સ્ટોર મેનેજર આ જોઇને ભાવુક થઇ ગયો. તેણે ઝોમેટો ડિલીવરી બોયનો ફોટો સોશ્યિલ મીડિયામાં શેર કરીને મસ્ત વાત કહી. જે વાંચીને સૌ કોઇ ઇમોશનલ થઇ રહ્યા છે.
ડિલિવરી બોય સોનુ તેની માસૂમ દીકરીને તેડીને નવી દિલ્હીના ખાન માર્કેટ સ્થિત સ્ટારબક્સમાં ઓર્ડર લેવા આવ્યો હતો. સ્ટારબક્સ સ્ટોર મેનેજર દેવેન્દ્ર મહેરા તેને પિતા અને માતાની ફરજ નિભાવતો જોઈને ભાવુક થઇ ગયા. તેમણે તેનો ફોટો શેર કરીને સોશિયલ મીડ઼િયામાં લખ્યુ કે આ ડિલિવરી બોય અમારા દિલને સ્પર્શી ગયો. તે સિંગલ પેરેન્ટ છે. ઘરમાં અનેક પડકારોનો સામનો કરવા છતાં, તેઓ તેમની બે વર્ષની પુત્રીની સંભાળ રાખીને સખત મહેનત કરી રહ્યા છે. સોનુનું સમર્પણ કોઈને પણ પ્રેરણા આપી શકે છે. મેનેજરે આગળ લખ્યું કે સોનુએ આપણને મુશ્કેલ સમયમાં પણ આપણી જવાબદારીઓથી શરમાવું નહીં શીખવ્યું છે. તેમને અને તેમની પુત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મેનેજરની આ પોસ્ટ એ વાસ્તવિકતાને પણ પ્રકાશિત કરે છે કે નોકરીદાતાઓ અને સમાજે સિંગલ પેરેન્ટ્સની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહાયક બનવાની જરૂર છે. સ્ટોર મેનેજરની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને કોમેન્ટનો વરસાદ શરૂ થઇ ગયો હતો. દરેક લોકો સોનુના કામ પ્રત્યેના જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.