મધ્યપ્રદેશના ખંડવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા અહિંયા એક માતાએ તેના યુવાન પુત્રને બાઈક અપાવી. પરંતુ યુવકને તે બાઈક નહી પરંતુ મોંઘી બાઈક જોઈતી હતી. જે વાતથી નારાજ થઈને પુત્રએ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો.
મધ્યપ્રદેશના ખંડવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે સાંભળીને તમારા પણ રૂવાંડા ઉભા થઈ જશે. અહીંયા એક માતાએ રૂપિયો રૂપિયો જોડીને તેના સંતાન માટે બાઈક લીધી. જોકે તેના સંતાને તેને જીવનભરનું દુ:ખ આપી દીધું. વાત માત્ર એટલી હતી કે પુત્રને જે બાઈક પસંદ હતી તે માતાએ નહોતી લીધી. જેથી તેણે આપઘાત કરી લીધો. જેના કારણે હાલ માતા પર આભ તૂટી પડ્યું હોય તેવી તેની સ્થિતિ થઈ ગઈ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પુનાસા પિપલાની ગામમાં રહેતા 19 વર્ષીય વિષ્ણુ નામના યુવકે ઝેર પી લીધું. જેથી તબિયત બગડતા પરિવારજનો તેને પુનાસાના હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરે સ્થિતિ ગંભીર જણાવીને તેને જિલ્લા હોસ્પિટલ મોકલ્યો. વિષ્ણુની તબિયતમાં સુધારો ન થતાં તેણે અંતે દમ તોડી દીધો.
મૃતક વિષ્ણુના મામા બલ્લુ યાદવે જણાવ્યું કે વિષ્ણુના પરિવારમાં માતા અને 16 વર્ષની નાની બહેન છે. પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું અને વિષ્ણુ એકમાત્ર પુત્ર હતો. તેની માતા શાળામાં ભોજન બનાવવાનું કામ કરે છે. તે માતાને બાઈક માટે જીદ કરી રહ્યો હતો. પૈસા ભેગા કરીને માતાએ તેને 90 હજારની બાઈક ખરીદી આપી. પરંતુ તે બાઈક તેને ગમી નહીં, જેથી વિષ્ણુ ખેતરમાં ગયો અને ઝેર પીધું. પછી તેણે ફોન કરીને કહ્યું કે, “મમ્મી, મને આ બાઈક ગમતી નથી. મેં 1 લાખ 58 હજાર રૂપિયાની બાઈક પસંદ કરી હતી, તે મને લાવવી હતી, તેથી હું ઝેર પી રહ્યો છું.”
માતાએ ફોન પર પુત્રને ઘણું સમજાવ્યું હતું કે “બેટા, કંઈ ખોટું ન કર, હું તને બીજી બાઈક લાવી દઈશ, તું શાળામાં આવી જા.” માતાએ તેને સમજાવ્યું પરંતુ તે માન્યો નહીં અને ઝેર પીધું અને શાળામાં પહોંચી ગયો. જ્યાંથી તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ માતાના પ્રયત્નો છતાં તે ખુશ ન થઈ શક્યો અને તેની જાન બચી શકી નહીં.