ટ્રેલર : ‘બ્રીધઃ ઈનટુ ધ શેડોઝ’નું ટ્રેલર રિલીઝ, અપહ્યત કરાયેલી દીકરીને પરત લાવવા માટે અભિષેક ખૂની બનશે?

0
2

મુંબઈ. અભિષેક બચ્ચન ‘બ્રીધઃ ઈનટુ ધ શેડોઝ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. આ સીરિઝનું ટ્રેલર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સીરિઝ 10 જુલાઈથી એમેઝોન પર સ્ટ્રીમ થશે.

શું છે ટ્રેલરમાં?

આ સીરિઝમાં અભિષેક બચ્ચન સાઇકાયટ્રિસ્ટ ડૉ. અવિનાશ સભ્રવાલના રોલમાં છે. તેની દીકરી સિયાનું અચાનક અપહરણ થઈ જાય છે. અપહરણકર્તા ડૉ.અવિનાશ પાસે પૈસાની ડિમાન્ડ નથી કરતાં પરંતુ અન્ય કોઈ વ્યક્તિનું ખૂન કરવાનું કહે છે. અવિનાશના મનમાં સવાલ ચાલી રહ્યા છે કે તે પિતા છે કે ખૂની? પહેલી સિઝનમાં અમિત સાધે ઈન્સ્પેક્ટર કબીર સાંવતનો રોલ પ્લે કર્યો હતો. બીજી સિઝનમાં પણ અમિત સાધ પોલીસના રોલમાં છે. અમિત સાધ જેલમાં છે અને તેને લઈ દર્શકોના મનમાં અનેક સવાલ છે. ટ્રેલર જોયા બાદ દર્શકોના મનમાં સવાલ ઉઠ્યાં છે કે અવિનાશ પોતાની દીકરીને શોધી શકશે, માસ્ક પાછળની વ્યક્તિ કોણ છે, પોલીસની આમાં કોઈ ભૂમિકા છે ખરી?

આ સીરિઝને લઈ અભિષેકે કહ્યું હતું કે તે ડિજિટલ ડેબ્યૂને લઈ ઘણો જ ઉત્સાહી છે. જ્યારથી સીરિઝની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ચાહકોનો પ્રેમ તથા સપોર્ટ મળ્યો છે. તે આ સીરિઝના માધ્યમથી નવા દર્શકો સાથે જોડાઈ શકશે. તો અમિત સાધે કહ્યું હતું કે તે કબીર સાંવત તરીકે ફરી એકવાર સીરિઝમાં પરત ફર્યો છે. આ સીરિઝમાં તે તદ્દન અકલ્પનીય અવતારમાં જોવા મળશે.

મંયક શર્માના ડિરેક્શનમાં બનેલી આ સીરિઝમાં અભિષેક બચ્ચન, નિત્યા મેનન, ભવાની અય્યર, વિક્રમ તુલી, અરશદ સૈય્યદ, અમિત સાધ તથા ઈવાના કૌર જેવા કલાકારો છે. અભિષેક બચ્ચન છેલ્લે 2018માં ફિલ્મ ‘મનમર્ઝિયા’માં જોવા મળ્યો હતો. આ વર્ષે તેની ફિલ્મ ‘બિગ બુલ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.