રાજ્યમંત્રી ઓતારામ દેવાસીએ માઉન્ટ આબુ માટે એક વિશેષ માંગ સાથેનો પત્ર સીએમ ભજનલાલ શર્માને લખ્યો છે. અને જો આનો અમલ થશે તો હજારો ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર સામે આવશે. ચાલો જાણીએ કે શું એવી માંગ છે જે જેનો અમલ ગુજરાતીઓને ચિંતામાં મૂકી શકે છે.
રાજસ્થાનમાં માઉન્ટ આબુ વિશ્વ વિખ્યાત છે. માઉન્ટ આબુનો જૂનો ઇતિહાસ છે. માઉન્ટ આબુ બીજા ઘણા નામોથી ઓળખાય છે જેમ કે તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. જ્યારે તેને છોટી કાશી નામ પણ આપવામાં આવ્યું છે. વાત કરી ગુજરાતની અને ગુજરાતીઓની તો ગુજરાતીઓ માટે માઉન્ટ આબુએ નજીકનું પર્યટન સ્થળ છે. ગુજરાતીઓ દરેક નાના મોટા તહેવારે આબુ પહોંચી જતાં હોય છે. અને આબુ ખાસ પાર્ટી માટે પણ ગુજરાતીઓ આવ-જા કરતાં હોય છે ત્યારે જો રાજ્યમંત્રી ઓતારામ દેવાસીની માંગ પૂરી થશે તો ગુજરાતીઓને દુખ થાય તેવા સમાચાર સામે આવશે.
એ વાત તો ઘણા સમયથી ચાલી આવે છે કે માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. સંતો અને ઋષિઓએ પહેલા પણ તેનું નામ બદલવાની માંગ કરી હતી. ત્યારે હવે રાજ્યમંત્રી ઓતારામ દેવાસી અને આબુના ધારાસભ્ય સમારામ ગરાસિયાએ પણ માઉન્ટ આબુનું નામ બદલવાની માંગણી ઉઠાવી છે. આ માટે તેમણે સીએમ ભજનલાલ શર્માને પત્ર પણ લખ્યો છે. પત્રમાં નામ બદલવાની સાથે બીજી પણ એક મહત્ત્વની માંગણી કરી છે.
માઉન્ટ આબુના નામ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આબુ નામ હિમાલયના પુત્ર અર્બુદાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર માઉન્ટ આબુનું નામ અર્બુદા પર્વત પરથી પડ્યું છે. જેને હિમાલયનો નાનો પુત્ર કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે માઉન્ટ આબુનું મૂળ નામ અર્બુદાચલ હતું જેનું નામ અર્બુદા દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે 1220 મીટરની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જે વિશ્વભરમાં પ્રખ્યાત છે તે તેના કુદરતી સૌંદર્ય, લીલીછમ ટેકરીઓ, સ્વચ્છ તળાવો, સુંદર મંદિરો અને ઘણા ધાર્મિક સ્થળો માટે જાણીતું છે.
ઓતારામ દેવાસીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સિરોહીમાં માઉન્ટ આબુ પ્રાચીન સમયથી સનાતન ધર્મની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ઐતિહાસિક પ્રાચીન મંદિરો હજુ પણ અહીં આવેલા છે. તેમણે કહ્યું કે તત્કાલીન શાસક સરકારે તેનું નામ અબુ રાજ તીર્થથી બદલીને માઉન્ટ આબુ કરી દીધું હતું. અબુ રાજ તીર્થમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને તે અબુ રાજ તીર્થ તરીકે જાણીતું હતું. તેથી તેનું નામ અબુ રાજ રાખવું જોઈએ.
ઓતારામ દેવાસીએ મુખ્યમંત્રી પાસે એવી પણ માંગણી કરી છે કે હાલમાં માઉન્ટ આબુમાં માંસની દુકાનોમાં માંસના વેચાણ અને ખુલ્લા સ્થળોએ દારૂ પીવાને કારણે અહીંના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે. આવી સ્થિતિમાં, ખુલ્લામાં માંસ વેચવા અને દારૂ પીવા પર પ્રતિબંધ લાદવો જોઈએ અને તેનું નામ માઉન્ટ આબુથી બદલીને અબુ રાજ કરવું જોઈએ.
હાલ મંગળવારે વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને ‘અબુ રાજ તીર્થ’ કરવાની માંગ કરી. ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી છે. ત્યારે આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલવાનો વિચાર કરશે? અને બીજો મોટો પ્રશ્ન એ પણ થાય કે જો આબુમાં દારૂ પર પ્રતિબંધ આવશે તો હજારો ગુજરાતીઓનું શું થશે?