દયાભાભી પરત આવશે કે નહીં? પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું, અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને મનાવવાનો પ્રયાસ કરીશ

0
4

છેલ્લાં ઘણાં દિવસોથી એ વાતની ચર્ચા થઈ રહી હતી કે દયાભાભી એટલે કે દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ હંમેશાંના માટે છોડી દીધી છે. અસિત મોદીએ કહ્યું હતું કે સો.મીડિયામાં લોકો કંઈ પણ લખી નાખે છે અને તેઓ ક્યારેય સો.મીડિયા જોતા નથી. દિશાએ સિરિયલ છોડી તે વાતમાં કોઈ સચ્ચાઈ નથી. તે અને તેમની ટીમ દિશાને પરત લાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે.

અસિત મોદી સાથે થયેલી વાતચીત…

દર્શકોને નાખુશ કરવા નથી

અસિત મોદીએ કહ્યું હતું, ‘છેલ્લાં કેટલાંક મહિનાથી અમે માત્ર ને માત્ર કોવિડ 19ને કારણે મુશ્કેલીમાં છીએ. અમે કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરીને શૂટિંગ કરીએ છીએ. મુંબઈમાં કેસો વધી રહ્યાં છે અને આ જ કારણે શૂટિંગ દરમિયાન ઘણી જ સાવચેતી રાખવી પડે છે. હાલમાં અમારી પાસે દિશાના રિપ્લેસમેન્ટ અંગે વિચારવાનો સમય નથી. જો દિશા ખુશીથી આવવા માગે છે તો વેલકમ છે, કારણ કે હું દર્શકોની સાથે એવું કંઈ જ કરવા માગતો નથી, જેનાથી તેઓ નાખુશ થાય. આ જ કારણ છે કે હું છેલ્લાં 3 વર્ષથી દિશાની રાહ જોઉં છું. દિશા કમબેક કરશે તો મને ઘણો જ આનંદ થશે. હું દર્શકો ઈચ્છે છે તે રીતે તેમનું મનોરંજન કરી શકીશ. દર્શકો પ્રત્યે મારું આ કર્તવ્ય છે.’

દિશાને સમજાવવાનો પ્રયાસ ચાલુ

વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘છેલ્લાં 13 વર્ષથી દર્શકોને દિશાનું પાત્ર પસંદ આવ્યું છે. હું તેમને ઉદાસ જોઈ શકું તેમ નથી. કોવિડ 19 દરમિયાન પણ અમે સારું કામ કરવા માગીએ છીએ. આ એક મોટો પડકાર છે. આ દરમિયાન અમે દિશાને પણ એ જ સમજાવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓડિયન્સ તમારી ડિમાન્ડ કરે છે. બની શકે તો દર્શકો માટે સિરિયલમાં પરત ફરો. દર્શકોના પ્રેમે તેમને આટલાં મોટા બનાવ્યા છે, તો તે પ્રેમનું સન્માન કરીને પરત આવી જાઓ.’

સિરિયલના એક સીનમાં જેઠાલાલ પત્ની દયાનો પત્ર વાંચી રહ્યા છે

સિરિયલના એક સીનમાં જેઠાલાલ પત્ની દયાનો પત્ર વાંચી રહ્યા છે

અંતિમ ઘડી સુધી મનાવીશ

અસિતના મતે મહિલાઓ પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરતાં સારી રીતે જાણે છે. દિશા પણ ઈચ્છે તો બેલેન્સ કરી શકે છે. આ અંગે તેમણે કહ્યું હતું, ‘આજના સમયે મહિલાઓ કેટલી મહેનત કરે છે. તેઓ પોતાની પર્સનલ લાઈફને બેલેન્સ કરીને મોટા-મોટા ઓર્ગેનાઈઝેશનમાં ટોપ પોઝિશન પર છે. દિશાને અમે લાંબો બ્રેક આપ્યો છે. તેની દીકરી મોટી થાય તેની રાહ જોઈ છે. આવી તક ઘણાં ઓછા લોકોને મળે છે. તે બહુ જ ટેલેન્ટેડ છે. દિશાને મનાવવા માટે હું અંતિમ ક્ષણ સુધી દિલથી મહેનત કરીશ. પછી જો તે આવવા નથી જ માગતી તો હું રિપ્લેસમેન્ટ શોધવાનું શરૂ કરીશ. મારા માટે આ શો સૌથી મોટો છે. મેં હજી સુધી કોઈ રિપ્લેસમેન્ટ શોધ્યું નથી.’

ટીમ દિશાના સંપર્કમાં છે

અંતે દિશા શું ઈચ્છે છે? આ સવાલના જવાબમાં અસિત મોદીએ તરત જ જવાબ આપતા કહ્યું હતું, ‘દિશાની પાસે મારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધુ જ છે. મેં તેને કહ્યું છે કે તે જ્યારે પણ પરત આવવા માગે ત્યારે મારો કે મારી ટીમમાંથી ગમે તેનો સંપર્ક કરી શકે છે. અમે 10 વર્ષ સુધી સાથે કામ કર્યું છે. અમે છેલ્લી ઘડી સુધી તેની રાહ જોઈશું. દર્શકો તેને જોવા માગે છે અને અમે દર્શકોની ઈચ્છા પૂરી કરવા માગીએ છીએ. હાલમાં દિશાની સાથે આ અંગે કોઈ વાત થઈ નથી, પરંતુ મારી ટીમ તેના સંપર્કમાં છે.’

ફેમિલી ફંક્શનમાં દિશા વાકાણી દીકરી તથા માતા સાથે

ફેમિલી ફંક્શનમાં દિશા વાકાણી દીકરી તથા માતા સાથે

દિશા પોતાના નિર્ણયો જાતે લેતી નથી

સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં તેનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, ‘દિશા પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે, આ શરતો માનવી શક્ય નહોતી. ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે તેવી ચર્ચા હતી. જોકે, પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, તેની ચર્ચા થવા લાગી હતી.

2017માં દીકરીને જન્મ આપ્યો હતો

દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here