રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ૨૦થી ૨૫ કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાવા સાથે બપોરનું તાપમાન પણ ઉંચકાયું હતું. તો આવતીકાલથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે.
આજે રાજ્યમાં સર્વાધિક તાપમાન કંડલામાં ૪૩.૬, અમદાવાદમાં ૪૨.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, રાજકોટ અને ભાવનગરમાં ૪૨.૨ સે. તેમજ ડીસા, વડોદરા, સુરત, ભૂજ, મહુવા સહિતના સ્થળે પણ તાપમાન ૪૦ સે.ને પાર થતા બપોરના ફરી તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ, સાંજે એકંદરે આથમણા પવનો તીવ્ર વેગથી ફૂંકાતા રાહત થઈ હતી.
મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી રાજસ્થાનમાં સિવિયર હીટવેવની અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તા.૧૫થી તા.૧૭ સુધી હીટવેવની શક્યતા છે જેમાં રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છ માટે એલર્ટ જારી કરાયું છે.ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન વધશે અને બાદમાં ફરી આંશિક ઘટાડો થશે.
ઉપરાંત, વધુ એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં તા.૧૬થી ૨૦ સુધી વ્યાપક અસર કરશે જેના પગલે ખાસ કરીને તા.૧૮,૧૯ના ગાજવીજ સાથે અનેક સ્થળે વરસાદની શક્યતા છે. આ સીસ્ટમથી ગુજરાતને પણ આંશિક અસર થશે.