અમદાવાદ : 49 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 64 ઝાડ પડ્યાં, એકનું મોત, GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું

0
12

અમદાવાદ: સોમવારે સવારથી વાદળછાયા વાતાવરણ અને થોડા-થોડા સમયના અંદરે વરસાદી ઝાપટાં તેમજ કલાકના 23 કિલોમીટરથી માંડી 49 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં શહેરના વિવિધ વિસ્તારમાં 64 પડી ગયા હતા અને 40 રસ્તા બંધ થઈ ગયા હતા. શાહીબાગ અંડરબ્રિજ પાસે રેલવે કોલોનીમાં એક તોતિંગ ઝાડ તૂટી પડતાં રેલવેના એક કર્મચારીને માથામાં ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું. તીવ્ર પવનને લીધે અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ કરવો પડ્યો હતો અને સાંજે 7 પછીની બધી ફ્લાઈટો મોડી પડી હતી.

આસ્ટોડિયામાં પથ્થરવાળી મસ્જિદ પાસે રિક્ષા પર હોર્ડિંગ્સ પડ્યું

ગોદરેજ ગાર્ડન સિટી અને નવરંગપુરામાં કાર પર ઝાડ પડ્યા હતા. ગોદરેજ ગાર્ડન સિટી પાસે કાર પર ઝાડ પડ્યું ત્યારે એક યુવતી કારમાં હતી. જો કે, તેને બચાવી લેવામાં આવી હતી. નવરંગપુરામાં ડેપ્યુટી કમિશનરના બંગલાની કમ્પાઉન્ડ વોલ જ્યારે જગન્નાથ મંદિર બહાર પોલીસ ચોકીનો મેઈન ગેટ ઝાડ પડતાં તૂટી ગયા હતા. આસ્ટોડિયામાં પથ્થરવાળી મસ્જિદ પાસે રિક્ષા પર હોર્ડિંગ્સ પડ્યું હતું. એસજી હાઈવે પર લાઈટનો થાંભલો ઊખડી પડ્યો હતો. જ્યારે જીએમડીસી ગરબા ગ્રાઉન્ડમાં લાઈટો માટે ઊભા કરાયેલા ટાવર ઊખડી પડ્યા અને મેદાન તળાવ બની ગયું હતું. શહેરમાં મોટાભાગ ની સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબા રદ કરવા પડ્યા હતા. સોમવારે શહેરભરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ વરસાદ 33.60 ઈંચ થયો છે.

ઝાડ તૂટી પડતાં સીજી રોડ બંધ કરવો પડ્યો

સાંજે 6 વાગ્યા પછી શહેરમાં ફૂંકાયેલા કલાકના 35થી 49 કિલોમીટરની ઝડપના પવનથી સીજી રોડ પર એક તોતિંગ વૃક્ષ તૂટી પડતાં એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો હતો. ઝાડ પડતાં સીજી રોડ પર ટ્રાફિક પણ અવરોધાયો હતો.

મોદી GMDC ગરબા જોવા જશે

બીજી ઓક્ટોબરની રાત્રે અમદાવાદના આવી રહેલા વડાપ્રધાન તે રાત્રે વરસાદ નહીં પડે તો શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની મુલાકાતે જશે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની દેશવ્યાપી ઉજવણી સંદર્ભે અમદાવાદ આવી રહેલા વડાપ્રધાન રાત્રી રોકાણ પણ કરે તેવી શક્યતા છે.

7 વિસ્તારમાં 1 ઈંચથી વધુ

વિસ્તાર વરસાદ-મીમીમાં
સરખેજ 26
દૂધેશ્વર 27.5
કોતરપુર 27
મેમ્કો 26.5
ઉસ્માનપુરા 26
નરોડા 26.5
પાલડી 26.5
ચકુડીયા 21.5
ગોતા 20.5
રાણીપ 14.5
ચાંદખેડા 15
વટવા 18

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here