કલમ 370 નાબૂદ થવાથી હવે કાશ્મીરમાં શું-શું બદલશે?

0
89

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલાં વિશેષાધિકારનો ઉપયોગ કરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ના અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો હતો.

આ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

કાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370નો મુદ્દોએ ભાવનાત્મક મુદ્દો છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિને જોતાં આઠ હજાર જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા છે.

આ જવાનોને ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ તથા અન્ય રાજ્યોમાંથી હવાઈ માર્ગે જમ્મુ-કાશ્મીર મોકલાશે.

ત્યારે જાણો કે અનુચ્છેદ 370 નાબૂદ થવાથી કાશ્મીરીઓ તથા અન્યત્ર રહેતા ભારતીયોને કઈ રીતે ફેર પડશે.

તમને શું ફેર પડશે?

અનુચ્છેદ 370 નાબૂદ થતાં અન્ય રાજ્યમાં વસતા નાગરિકો હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.

અગાઉ રાજ્યને વિશેષ દરજ્જો મળેલો હોવાથી અન્યત્ર વસતાં ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.

સરળ શબ્દોમાં કહીએ તો જો તમે ગુલમર્ગમાં હોટલ ખરીદવા ઇચ્છો તો ખરીદી શકાશે અને ત્યાં રહેવા માટે ઘર ખરીદો તો ત્યાંની મતદાર યાદીમાં નામ નોંધાવી શકશો.

અગાઉ કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા.

જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવકને પરણે તો પણ કાશ્મીરમાં સંપત્તિ ધારણ કરવાના તેના અધિકાર છિનવાઈ જતા હતા.

આ સિવાય શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.


હિંદુઓને શું ફેર પડશે?

જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયના નાગરિકોને 16 ટકા અનામત મળી શકશે.

રાજ્યમાં હિંદુ, બૌદ્ધ, શીખ તથા જૈન લઘુમતીમાં હોવાથી તેમને નોકરીઓમાં અનામત મળશે.

હવે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા જમ્મુ-કાશ્મીરની ઉપર પણ લાગુ પડશે.

રાજ્યમાં ભારતના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને હવે ગુનો ગણવામાં આવશે. અગાઉ ભારતીય રાષ્ટ્રધ્વજને સળગાવવાની ઘટનાઓ વારંવાર બનતી હતી.

આ સિવાય જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો પણ હતો, જે રાજ્યની તમામ સરકારી ઇમારતો ઉપર ભારતના તિરંગાને સમાંતર ફરકાવવામાં આવતો હતો.

કાયદો અને વ્યવસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા સંસદ મારફત જે કોઈ કાયદા બનાવવામાં આવશે, તે સીધા જ જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થઈ શકશે.

અગાઉ કેન્દ્ર સરકારને સંચાર, વિદેશનીતિ, સંરક્ષણ તથા અન્ય આનુષંગિક બાબતોમાં કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકતી હતી.

આ સિવાયની બાબતોમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા નિર્ણય લઈ શકતી હતી (કે તેની મંજૂરીની જરૂરિયાત રહેતી.)

જોકે, હવે કેન્દ્ર સરકાર તમામ બાબતોમાં કાયદા ઘડી શકશે. ઉલ્લેખનીય છે કે, રાઇટ-ટુ-ઇન્ફર્મેશન ઍક્ટ અને રાઇટ-ટુ-ઍજ્યુકેશન જેવા કાયદા લાગુ થતા ન હતા.

વર્તમાન સ્થિતિને જોતાં કેન્દ્ર સરકારે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 18 હજાર જવાનોને ઍરલિફ્ટ કરી દેવાયા હતા.


કોણ ચૂંટણી લડી શકશે?

જમ્મુ-કાશ્મીરની પંચાયતોને અધિકાર મળશે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જે આર્થિક સહાય મોકલવામાં આવતી હતી તે રાજ્ય સરકાર મારફત ગ્રામ પંચાયત સુધી પહોંચતી હતી.

જોકે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે સીધા જ નાણા ગ્રામ પંચાયતોને મોકલવાનું શરૂ કર્યું હતું.

બંધારણની કલમ 326 લાગુ પડશે. મતલબ કે અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મતદાન કરી શકશે.

આ સિવાય જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર નાબૂદ થઈ ગયા છે.

અમિત શાહે સોમવારે જે બિલ રાજ્ય સભામાં રજૂ કર્યું તેની જોગવાઈ મુજબ જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે (દિલ્હીની જેમ) વિશેષ રાજ્યનો દરજ્જો મળશે.

જ્યારે લદ્દાખ અલગથી (અંદમાન નિકોબારની જેમ) કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને તેની પોતાની વિધાનસભા નહીં હોય.


શું છે અનુચ્છેદ 370?

ભારતીય બંધારણની કલમ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.

જો તેના ઇતિહાસમાં જઈએ તો વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા.

બાદમાં તેમણે કેટલીક શરતો સાથે ભારતમાં વિલયની સહમતિ દર્શાવી હતી.

જે બાદ ભારતીય બંધારણમાં કલમ 370ની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

જોકે, રાજ્ય માટે અલગ બંધારણની માગ કરવામાં આવી હતી.

એ બાદ 1951માં રાજ્યને બંધારણ સભાને અલગથી બોલવવાની મંજૂરી મળી ગઈ.

નવેમ્બર, 1956માં રાજ્યના બંધારણનું કામ પૂર્ણ થયું અને 26 જાન્યુઆરી, 1957ના રોજ રાજ્યમાં વિશેષ બંધારણ લાગુ થઈ ગયું.

બંધારણની કલમ 370 વાસ્તવમાં કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીરના સંબંધોની રૂપરેખા છે.

વડા પ્રધાન જવાહર લાલ નહેરુ અને શેખ મોહમ્મદ અબ્દુલ્લાએ પાંચ મહિનાની વાતચીત બાદ કલમ 370ને બંધારણમાં સામલે કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here