અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં ભાજપ અને કોંગ્રેસને રાજ્યસભાની 1-1 બેઠક મળી જશે

0
9

માત્ર એક જ સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું છે. તેઓ જૂન મહિનામાં જ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા હતા. આ અગાઉ ગયા મંગળવારે કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ અહેમદ પટેલના અવસાનથી એક બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે.

અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાય ત્યારે ભાજપ તેની બેઠક વિધાનસભામાં પોતાના સભ્યોના સંખ્યાબળને આધારે જીતે તેમ હતું, પરંતુ હવે ભારદ્વાજના નિધનને કારણે ખાલી પડેલી બેઠકને કારણે મતોની સંખ્યા વહેંચાવાથી કોંગ્રેસ એક બેઠક મેળવી શકશે.

બે બેઠક ખાલી પડી હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા જરૂરી મતોની ગણતરી પ્રમાણે હાલ ઉમેદવારને જીતવા માટે 61 મત જોઈએ. હાલ ભાજપ પાસે 111 ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે હજુ બીજા 11 ધારાસભ્યો જોઇએ, જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને તે એક બેઠક જીતવા માટે પૂરતા છે.

ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હવેની સ્થિતિ જોતાં હાઇકમાન્ડ બીજી બેઠક માટે ઉમેદવાર ઊભો નહીં રાખે અને આથી ચૂંટણી બિનહરીફ થશે. જોકે હાલના તબક્કે આ વાત કરવી અઘરી છે. જ્યારે કોંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર, આ અંગે ભાજપ કઇ રીતે વર્તશે એ કહી શકાય નહીં. હજુ પણ ભાજપ તોડફોડના પ્રયત્નો કરે એવી શક્યતા છે. જોકે કોંગ્રેસના નેતા આ વાતને હાલ જાહેરમાં જણાવશે નહીં, કારણ કે અત્યારથી જ આવા મુદ્દા ઊભા કરીને કોંગ્રેસની સ્થિતિ નબળી થઇ શકે તેવી બાબત બહાર આવે એ યોગ્ય નથી.

ભાજપ દલિત ઉમેદવારને ઊભો રાખી શકે, સામે કોંગ્રેસ ભરતસિંહને ફરીથી તક આપી શકે છે

જ્યાં સુધી ભાજપના ઉમેદવારનો પ્રશ્ન છે ત્યાં સુધી ભાજપ રાજ્યસભામાં હવે કોઇ દલિત ઉમેદવારને ઊભો રાખી શકે છે. આ માટે ભાજપમાં રમણલાલ વોરા અથવા શંભુપ્રસાદ ટુંડિયાને સ્થાન મળી શકે છે. જો આ સમીકરણ ન બેસે તો સૌરાષ્ટ્રમાંથી જ કોઇ નેતાને કેન્દ્રમાં મોકલી શકે છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઇ વખતે ભરતસિંહ સોલંકી હાર્યા હતા, પરંતુ કોરોના બાદ તેમનું સ્વાસ્થ્ય થોડું નબળું છે, આથી જો તેઓ પોતે ઇચ્છે તો તેમને ટિકિટ મળી શકે છે અથવા કોંગ્રેસ કોઇ અન્ય નેતાને તક આપશે.