‘ફાસ્ટેગ’થી ટોલનાકે વાહનોનો સમય ઘટવાને બદલે વધી ગયો

0
22

નવી દિલ્હી તા.17
ધોરીમાર્ગો પર ટોલનાકાઓ પર વાહનોની લાંબી લાઈનો અટકાવવા માટે ‘ફાસ્ટેગ’નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી સમયની બચત થવાને બદલે ઉપાધિ વધી ગઈ છે. વાહનચાલકોને નોર્મલ કરતા 29 ટકા વધુ સમય વેડફવો પડી રહ્યો છે.


દેશમાં ડીજીટલ ટોલ પેમેન્ટ ‘ફાસ્ટેગ’ના અમલ બાદ હાથ ધરાયેલા પ્રથમ અભ્યાસમાં એવી વિગતો બહાર આવી છેકે રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ફાસ્ટેગ મારફત ટોલ વસુલાત શરૂ થયા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીની વસુલાતમાં 60 ટકા જેવી મોટી વૃદ્ધિ થઈ છે. પરંતુ સામે ટોલનાકા પરનો પ્રતિક્ષાગાળો 29 ટકા જેટલો વધી ગયો છે. તમામ વાહનોમાં હજુ ફાસ્ટેગ લાગ્યા નથી અને ડીજીટલ સીસ્ટમને કારણે પ્રારંભીક પ્રન્નો હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિવહન મંત્રાલયના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે હાઈવે પરના ટોલનાકા પર ટોલટેકસની વસુલાતમાં 60 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે કુલ વસુલાત વૃદ્ધિના આંકડા પ્રાપ્ય બન્યા નથી છતાં ટોલટેકસ ચોરીની છટકબારી બંધ થવા લાગી હોવાની છાપ છે.
સેન્ટ્રલ ટોલ પ્લાઝા ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમના રિપોર્ટમાં એમ સૂચવાયું છે કે 15 નવેમ્બર 2019થી 14 ડિસેમ્બર 2019 દરમ્યાન ટોલનાકા પર વાહનોને સરેરાશ 7.44 મીનીટ ઉભુ રહેવુ પડતુ હતું. તે સમયે 15 ડિસેમ્બર 2019થી 14 જાન્યુઆરી 2020 દરમ્યાન વધીને 9.57 થયો છે. 2018ના આખા વર્ષ દરમ્યાન વાહનચાલકોને ટોલનાકા પર સરેરાશ 8.16 મીનીટ ઉભુ રહેવુ પડતુ હતું.
ભારતમાં દરરોજ 60 લાખ વાહનો ટોલનાકાઓ પરથી પસાર થાય છે. ટોલટેકસ ચુકવવા માટે વાહનોએ ઉભુ રહેવુ પડતુ હોવાથી વર્ષે 12000 કરોડનુ ઈંધણ બરબાદ થાય છે.
માસિક સર્વેમાં એવું બહાર આવ્યુ છે કે ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, તામીલનાડુ, હરિયાણા તથા રાજસ્થાન જેવા રાજયોમાં ટોલનાકા ઘણા સાંકળા છે જયાં વાહનોને વધુ સમય ઉભુ રહેવુ પડે છે. મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશમાં ટોલનાકા સારા છે. સમય અને ઈંધણની બરબાદી
રોકવા માટે ડીજીટલ ટોલ પેમેન્ટ રૂપે ફાસ્ટેગ લાગુ પાડવામાં આવ્યા છે. પ્રારંભીક મુશ્કેલીઓને કારણે હજુ પણ સીસ્ટમ પાટે ચડી શકી નથી અને વાહનચાલકોને નોર્મલ કરતા પણ વધુ સમય ઉભુ રહેવુ પડે છે.
સમય-ઈંધણનો વ્યય રોકવા માટે 15 ડિસેમ્બરથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ફાસ્ટેગ ફરજીયાત બનાવવામાં આવ્યા હતા. થોડો વખત છુટછાટો આપવામાં આવી હતી. 15મી જાન્યુઆરીથી અમલ ફરજીયાત થયો હતો.
નેશનલ હાઈવેની ભલામણને પગલે પરિવહન મંત્રાલયે મોટો ટ્રાફિક ધરાવતા 65 ટોલનાકા પરની એક લોન વધુ 30 દિવસ માટે કેશકમ ફાસ્ટેગ માટે અનામત રાખી હતી.
સરકારી અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે પ્રારંભીક સમસ્યા સ્વાભાવિક છે. હજારો વાહનચાલકો પ્રથમવાર ફાસ્ટેગનો ઉપયોગ કરતા હોવાથી સિસ્ટમ પાડે ચડવામાં વાર લાગે છે. થોડા વખતમાં સીસ્ટમ નોર્મલ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here