રાજકોટ : ગોંડલ : પતિની વીમા પોલિસી અને જમીન મુદ્દે ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો : કારચાલકની પણ હત્યા.

0
4

ગોંડલ તાલુકાના વેકરી ગામ પાસેના ડેમ નજીક પુલ નીચે પાણીમાંથી ગત મોડી રાત્રિએ કારમાં 2 પુરુષની લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરું ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCBએ મૃતકના સાળાને દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે, જ્યારે મૃતકની પત્નીની શોધખોળ ચાલુ છે.

ચોટીલા દર્શન કરવા જવાનું આયોજન કરી કાર ભાડે કરી હતી

ઘટનાની વિગત અનુસાર, જૂનાગઢ રહેતા રમેશભાઈ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફ મરિયમ અને રમેશભાઈના સાળા એટલે કે મંજુનો ભાઇ નાનજી ઉર્ફ નાસીર ભીમા ત્રણ દિવસ પહેલાં ચોટીલા ચામુંડા માતાનાં દર્શન કરવા જવાનું આયોજન કરી જૂનાગઢના અશ્વિનભાઇ પ્રેમજીભાઇ પરમારની કાર ભાડે બાંધી ચોટીલા ગયાં હતાં. બાદમાં પરત ફરતી વખતે મંજુ ઉર્ફે મરિયમ ગોંડલ ઊતરી ગઇ હતી. એ સમયે મંજુનો ભાઇ નાનજી ઉર્ફ નાસીરે ડ્રાઇવર અશ્વિનને કાર વેકરી તરફ લેવાં જણાવ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરા મુજબ રસ્તામાં નાનજી ઉર્ફે નાસીરે પોતાના બનેવી રમેશભાઈ તથા કારચાલક અશ્વિનને દારૂ પિવડાવ્યો હતો. બન્ને દારૂ પીને ચિક્કાર થઇ જતાં નાનજીએ વેકરી નજીક ડેમ પાસે કાર ઊભી રાખી દારૂના નશામાં ચૂર બનેલા રમેશભાઈ અને અશ્વિન સહિત કારને પુલ નીચે ધક્કો મારી ગબડાવી દેતાં કાર 20 ફુટ ઊંડા પાણીમાં ગરક થતાં રમેશભાઈ અને અશ્વિનભાઈનાં મોત નીપજ્યાં હતાં. બાદમાં નાનજી ઉર્ફે નાસીર ગોંડલ આવી બહેન મંજુને લઇ જૂનાગઢ પરત ફર્યો હતો.

પોલીસે પતિની હત્યા કરનાર મુખ્ય સૂત્રધાર મંજુની શોધખોળ હાથ ધરી

3 દિવસથી રમેશભાઈ લાપતા હોઈ તેના ભાઇએ જૂનાગઢ પોલીસમાં જાણ કરતાં બીજી બાજુ અશ્વિનભાઇ પણ ભાડું બાંધી ચોટીલા ગયા બાદ પરત નહીં ફરતાં તેના પરિવારે જૂનાગઢ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરતાં પોલીસે તપાસ LCB ને સોંપી હતી. LCB ની તપાસમાં રમેશભાઈની પત્ની મંજુ ઉર્ફે મરિયમ તથા તેના ભાઇ નાનજી ઉર્ફે નાસીરે રમેશભાઈની જમીન તથા વીમા પોલિસી હડપ કરવા કારસો રચી કારચાલક સહિત રમેશભાઈને ચિક્કાર દારૂ પીવડાવી કાર સહિત બન્નેને ઊંડા પાણીમાં ધકેલી મોતને અંજામ આપ્યો હતો. પોલીસે નાનજી ઉર્ફ નાસીરને ઝડપી લેતાં મર્ડર મિસ્ટ્રીનો ઘટસ્ફોટ થયો હતો. તાલુકા પોલીસે પતિની હત્યાની મુખ્ય સૂત્રધાર મંજુ ઉર્ફ મરિયમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી નાનજી ઉર્ફે નાસીરની વધુ પૂછપરછ હાથ ધરી છે.

મોડી રાત્રે બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા

ગોંડલ ફાયરબ્રિગેડના સ્ટાફે વેકરી ગામ પાસેના ડેમ નજીક પુલ નીચે 20 ફુટ ઊંડા પાણીમાંથી કારમાં રહેલી બે વ્યક્તિની લાશ બહાર કાઢી હતી. મોડી રાત્રિના એક વાગ્યે હત્યા કરાયેલી લાશ કાર સહિત શોધવા ફાયર સ્ટાફને સફળતા મળી હતી. કારમાં હત્યા કરાયેલી હાલતમાં એક પુરુષ આગળની સીટમાં હતો, જ્યારે બીજો પુરુષ પાછળની સીટ પર હતો.