સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારે અપસેટ સાથે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા

0
13

ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઈટી ખાતે મત ગણતરી યોજવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી જ વિવિધ પક્ષના કાર્યકરો તેમજ નેતાઓની ભીડ જામવાનું શરૂ થઇ ગયું હતું. જો કે બપોરના સમયે સર્કલ પર પગ રાખવાની પણ જગ્યા જોવા મળી ન હતી. તેથી લોકો સર્કલ પર રાખવામાં આવેલા સિંહના સ્ટેચ્યુ પર પણ ચઢી ગયા હતાં.
  • ગત ટર્મ કરતાં 13ના વધારા સાથે 93 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
  • આમ આદમી પાર્ટીનું અકલ્પનીય પ્રદર્શન, 27 બેઠકો પર વિજય મેળવ્યો
  • કોંગ્રેસના સુપડા સાફ, એક પણ બેઠક પર ઉમેદવારો જીતી શક્યા નહીં
  • વોર્ડ 2, 3, 4, 5, 16, 17માં આપની આખી પેનલનો વિજય થયો

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારે અપસેટ સાથે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. મંગળવારે થયેલી મતગણતરીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. તેની સામે 27 બેઠકો કબજે કરીને આપ ત્રીજી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તો ભાજપે ગત ટર્મની સરખામણીમાં 13 બેઠકોના વધારા સાથે 93 બેઠકો પર પોતાનો વિજય પરચમ લહેરાવ્યો છે. મતગણતરીની શરૂઆતમાં આગળ દેખાતી કોંગ્રેસ ચાર થી છ રાઉન્ડમાં જ પરાસ્ત થતી દેખાતા ઉમેદવારોએ મતગણતરી કેન્દ્રો છોડી ચાલતી પકડી હતી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ અકલ્પનીય કહીં શકાય તેમ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે. એક વખત ભાજપના ગઢ ગણાતા વરાછા, કાપોદ્રા, સરથાણા વગેરે વિસ્તારમાં જેમાં વોર્ડ નં.2 અમરોલી- મોટા- વરાછા- કઠોર, વોર્ડ નં.3 મોટા વરાછા- સરથાણા- સીમાડા- લસકાણામાં, વોર્ડ નં.4 કાપોદ્રા, વોર્ડ નં.5 ફૂલપાડા- અશ્વનિકુમાર, વોર્ડ નં.16 પૂણા (પશ્ચિમ), વોર્ડ નં.17 પૂણા (પૂર્વ), વોર્ડમાં આપની આખી પેનલનો વિજય થયો છે. તો વોર્ડ નં.7 કતારગામમાં 2 અને વોર્ડ નં.8 ડભોલી -સિંગણપોર ખાતે 1 ઉમેદવાર આમ આદમી પાર્ટીનો વિજય થતા ભાજપ પેનલ તુટી છે. એસવીએનઆઇટી મતગણતરી કેન્દ્રો પર વોર્ડ નં.30માં અને વોર્ડ નં.26માં ઇવીએમ મશીન ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. જેથી થોડી વખત મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. આ સિવાય મતગણતરી શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

ભાજપના પાટીદારો કમિટેડ વોટ હતાં પરંતુ અનામત અંગે નારાજગી હજી અકબંધ!

પાટીદારો કે જે ભાજપાના જ કમિટેડ વોટરો હતાં તે છેલ્લા 5 વર્ષથી નારાજ થઈ ગયાં છે. પાટીદારોને લીધે 10 ટકા અનામત આપવામાં આવ્યું પરંતુ તેમ છતાં નારાજગી હજી અકબંધ જ છે.! શહેરમાં હજુ પણ સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં નારાજગી છે. વરાછા, કતારગામમાં પાલિકાની ચૂંટણીમાં હજી પણ પાટીદારો ભાજપથી વિમુખ હોવાનું પરિણામો આવતાં સામે છે. પાટીદાર સમાજના ઉમેદવારો વધુ ઉભા રાખવા છતાં બીજેપીની સામે નારાજગી જ રહી છે. પાલિકા ઇલેક્શનમાં પાટીદારોને મનાવવામાં બીજેપી નિષ્ફળ રહી છે.

કોંગ્રેસ રાહ જ જોતી રહી ગઈ

પાટીલે સંબોધન કરતાં કહ્યું હતું કે, સુરતમાં આપ ની જીત થઈ તેની મને પિડા છે. સુરતમાં 27 બેઠકો આપ લઈ ગઈ છે પરંતુ તે ખોટા વચનો આપીને આપ ઉમેદવારો જીત્યા છે. જ્યારે કોંગ્રેસ રાહ જોતી રહી કે તેમને ફાયદો થશે પરંતુ હાર જ મળી કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. જ્યારે ભાજપાના કેટલાંક ઉમેદવારોએ હાર સહન કરવી પડી છે તેમાં મનોમંથન કરવા પણ જણાવ્યું હતું. કાર્યકરો કોર્પોરેટરોને ફરિયાદ કરશે તો ગંભીરતાથી લેવાશે કેટલાંક ઉમેદવારો કેમ હાર્યા તેના પર મનોમંથન કરવું પડશે, જેમને ટિકીટ મળી નથી તેમનો કોઈ વાંક નથી, ક્યાં કમી રહી ગઈ છે તે શોધીને કામ કરવું પડશે. આવતી કાલથી નવા કોર્પોરેટરોએ જનતા વચ્ચે જવાનું છે.

પરિણામનું વિશ્લેષણ : સીઆરના સુકાનથી ભાજપને સરપ્લસ 13 સીટ મળી, હાર્દિકની સભા પણ કોંગ્રેસને લાભ ન અપાવી શકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here