ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બન્ને ટીમ હોટેલ હયાત પહોંચી, ઢોલ-નગારાથી પરંપરાગત સ્વાગત કર્યું

0
14

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે બંને ટીમ આજે બપોરના ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટથી ટીમ આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થઈ હતી. જે બસમાં બેસીને બંને ટીમ એરપોર્ટથી હોટેલ પહોંચી તે બસનું એરપોર્ટ પર જ CISF દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હયાત રેજન્સી પહોંચી હતી. જ્યાં ઢોલ નગારા વગાડીને બન્ને ટીમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પરિવારો સાથે હોટેલ હયાત પહોંચેલા ક્રિકેટરો બસમાંથી ઉતર્યા બાદ લાઇનમાં ઉભા રહ્યાં હતા. જ્યાં ટેમ્પરેચર ચેક કર્યા બાદ તમામને સેનેટાઇઝ કર્યા હતા.

ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ પર ઉમટ્યા

ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એરપોર્ટ બહાર આવતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ અભિવાદન કરવા એરપોર્ટ બહાર ભેગા થયા હતા. જેવી ક્રિકેટરોની લક્ઝરી બસ બહાર આવી ત્યારે લોકોએ બૂમો પાડીને ક્રિકેટરોને વધાવ્યા હતા. આ અંગે એક ક્રિકેટ પ્રેમીએ ઉમેશે જણાવ્યું હતું કે ટીમ આવવાની છે તેવી જાણ થતાં જ તે એરપોર્ટ પર પોતાના ભાઈ અને અન્ય મિત્રો સાથે એરપોર્ટ આવ્યા હતા અને ટીમનું સ્વાગત કર્યું હતું.

ચૂસ્ત બંદોબસ્ત અને સઘન ચેકિંગ

બંને ટીમના આગમનને લઈને એરપોર્ટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીમના આગમનને લઈને એરપોર્ટના VVIP ગેટ પાસે બંને ટીમની લક્ઝરી બસ પણ પહોંચી હતી. બંને બસ એરપોર્ટ અંદર જઈને ત્યાંથી ખેલાડીઓને લઈને બસ હોટલ પર પહોંચી છે. આ પહેલા લક્ઝરી બસનું એરપોર્ટ ગેટ બહાર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. બસની ડેકીને ખોલીને તેમાં રહેલા તમામ સામાન બહાર કાઢીને ચકાસવામાં આવ્યો હતો. બસની અંદરની તમામ સીટો પણ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસવામાં આવી છે. બસના કાચ પર પણ ઇન્ડીયા-ઇંગ્લેન્ડના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા તે સ્ટીકર પણ ઉખાડીને ચેક કરીને ફરીથી લગાવવામાં આવ્યા. સંપૂર્ણ બસનું બારીકાઈથી ચેકીંગ કરી એરપોર્ટ અંદર જવા રવાના કરી હતી.

એરપોર્ટ પર આવી પહોંચેલા ક્રિકેટ પ્રેમીઓ

એરપોર્ટ પર આવી પહોંચેલા ક્રિકેટ પ્રેમીઓ

હોટલ હયાતના 150 કર્મચારીઓ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં

ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ગુરુવારે બપોરે 4.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા આશ્રમ રોડ પરની હયાત હોટલમાં જશે. જો કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ આવરી લેવાયા છે. જો કે બંને ટીમ 33 દિવસ સુધી હયાત હોટલમાં રોકાવાની હોવાથી તેમની સેવામાં તહેનાત હોટલ સ્ટાફના 150 મેમ્બરો પણ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં. આ 33 દિવસ સુધી 150 સ્ટાફ મેમ્બરોને પણ ફરજીયાત હોટલમાં જ રહેવું પડશે. જેથી હોટલમાં જ તેમને રહેવાની, ખાવાની સૂવાની, કપડા સહિતની તમામ સગવડ કરવામાં આવી છે. આટલા દિવસ માટે હોટલના આ સ્ટાફ મેમ્બરો તેમના પરિવારના સભ્યોને પણ મળી શકશે નહીં.

બસની અંદરની તમામ સીટો પણ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસવામાં આવી

બસની અંદરની તમામ સીટો પણ બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસવામાં આવી

હોટલ – સ્ટેડિયમ અને રોડ બંદોબસ્તમાં 2000 પોલીસ તહેનાત

હોટલ હયાતની અંદર એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી જઈ શકશે નહીં. પરંતુ હોટલની ફરતે વાડજ પોલીસ સ્ટેશનના 120 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. જ્યારે હોટલ થી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ ઉપર, સ્ટેડિયમની આસપાસના પાર્કિંગમાં ટ્રાફિક પોલીસના 1155 અધિકારી – કર્મચારી તહેનાત રહેશે. જ્યારે સ્ટેડિયમની અંદર અને બહાર 800 જેટલા પોલીસ અધિકારી – કર્મચારી તહેનાત રહેશે.

બંને ટીમો માટે હોટલના 7 માળ પર બધા રૂમ બુક, બહારનાને નો એન્ટ્રી

આશ્રમ રોડ પરની 11 ફલોરની હયાત હોટલના 7 ફલોર બંને ટીમ માટે બુક કરી દેવામાં આવ્યા છે. જેમાં ફલોર નંબર – 1, 2, 7, 8, 9, 10 અને 11 નો સમાવેશ થાય છે. આ ફલોર ઉપર બંને ટીમના મેમ્બરો સિવાય બીજા કોઈના પણ આવવા જતા ઉપર પ્રતિબંધ રહેશે.

ટીમ સિવાય હોટલના સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટનો ઉપયોગ નહીં કરી શકે

હોટલનો સ્વિમિંગ પૂલ, જીમ, રેસ્ટોરન્ટ, ઈનડોર ગેમનો ઉપયોગ બંને ટીમના મેમ્બર સિવાય બીજું કોઈ કરી શકશે નહીં. ટીમના મેમ્બરો મેચ રમવા માટે સ્ટેડિયમમાં જશે અને મેચ પૂરી થતા સીધા સ્ટેડિયમથી હોટલ ઉપર આવી જશે. ટીમનો મેમ્બર ક્યાંય જઈ શકશે નહીં.

24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ પરથી ટિકિટ મળશે

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન આગામી 20 તારીખથી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here