વડોદરા : બાઇક ખાડામાં ખાબકતા મહિલાનું મોત, ત્રિકમપુરા ગામ પાસે બાઇક સ્લીપ ખાઇ જતા યુવાનનું મોત

0
2

વડોદરા શહેર નજીક બાઇક ખાડામાં ખાબકતા એક મહિલાનું અને બાઇક સ્લીપ ખાઇ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મહિલા તેમના બહેનના ઘરે મળવા જતા હતા. અને યુવાન તેના મિત્રનો બર્થ ડે મનાવીને પરત ફરી રહ્યો હતો.

બાઇક ખાડામાં પડતા મહિલાનું મોત, યુવાન ઇજાગ્રસ્ત

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માનીયાપુરા (પાનીયા) ગામના કાંતાબહેન ઉમેદભાઇ સોલંકી(ઉં.60) વડોદરા ઘાંઘરેટીયા કૃષ્ણનગરમાં રહેતા બહેનના ઘરે આવ્યા હતા. ત્યાંથી 29 જૂનના રોજ કાંતાબહેન બહેનના પુત્ર વિજયસિંહ પરમારની બાઇક ઉપર વડદલા ગામમાં રહેતા બીજા બહેનના ઘરે મળવા જઇ રહ્યા હતા. દરમિયાન તરસાલી બાયપાસ જલારામ ટીમ્બર માર્ટ પાસે બાઇકનું વ્હીલ ખાડામાં પડતાં કાંતાબહેન અને વિજય રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત કાંતાબહેન અને વિજયને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં કાંતાબહેન સોલંકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મકરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે જઇ રહેલા યુવાનનું બાઇક સ્લીપ ખાઇ જતા મોત

બીજા બનાવમાં 28 જૂનના રોજ વડોદરાના ભાયલી વણકરવાસમાં રહેતો ભાવેશ રમેશભાઇ પરમાર(ઉં.19) અને ગામમાં મસ્જીદવાળા ફળિયામાં રહેતો ગુલઝારહુસેન રફીકમીયાં શેખ બાઇક ઉપર વાઘોડિયા તાલુકાના ત્રિકમપુરા ગામ પાસે મિત્રની બર્થ ડેમાં ગયા હતા. બર્થ ડે મનાવી બંને મિત્રો પરત ફરી રહ્યા હતા. બાઇક ગુલઝારહુસેન શેખ ચલાવી રહ્યો હતો. ત્રિકમપુરા ગામ નજીક નર્મદા કેનાલ પાસે મોટર સાઇકલ સ્લીપ ખાઇ જતાં બંને રોડ ઉપર ફંગોડાઇ ગયા હતા. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં ગુલઝારહુસેન શેખનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાઘોડિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.