વડોદરા : વેદાંત હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત, તબીબોની નિષ્કાળજીના આક્ષેપ સાથે પરિવારે પોલીસ ફરિયાદ કરી

0
8

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી વેદાંત હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપનાર મહિલાનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં દોડી ગયેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો

વડોદરા શહેરના પ્રતાપ રોડ વિહાર ટોકીઝની પાછળ આવેલી સત્યયુગ કોલોનીમાં રહેતા મીનાબહેન સચિનભાઇ ચુનારાની વાઘોડિયા રોડ સુલેમાની ચાલની બાજુમાં આવેલી વેદાંત હોસ્પિટલમાં છેલ્લા 6 માસથી પ્રેગ્નેન્સીની સારવાર ચાલતી હતી. આજે સવારે તેમની તબિયત બગડતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મીનાબહેનનું બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યુ થયું હતું. મીનાબહેનનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરોની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકીને હોબાળો મચાવ્યો હતો. મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ દ્વારા પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

હોસ્પિટલમાં પરિવરજનોનું આક્રંદ
(હોસ્પિટલમાં પરિવરજનોનું આક્રંદ)

 

પતિએ તબીબોની નિષ્કાળજીને કારણે પત્નીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો

ડિલિવરી દરમિયાન મોતને ભેટેલા મીનાબહેનના પતિ સચિનભાઇ ચુનારાએ જણાવ્યું હતું કે, સવારે મારી પત્નીની તબિયત બગડતા હોસ્પિટલમાં લાવ્યો હતો. ડિલિવરી દરમિયાન મારી મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ પત્ની અને બાળકની તબિયત સારી હતી. દરમિયાન એકાએક પત્નીનું મોત નીપજ્યું છે. ડોક્ટરો દ્વારા મોતનું ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ, મારી પત્નીનું મોત ડોક્ટરની નિષ્કાળજીના કારણે જ થયું છે.

મહિલાના કોરોના સહિતના તમામ રિપોર્ટ કઢાવ્યા હતા

વિજેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, વેદાંત હોસ્પિટલમાં મીનાબહેનની સારવાર છેલ્લા હોસ્પિટલમાં પ્રેગ્નેન્સીની સારવાર ચાલતી હતી. હોસ્પિટલ દ્વારા કોરોના સહિત તમામ પ્રકારના રિપોર્ટ કઢાવ્યા હતા. જે તમામ રિપોર્ટ હોસ્પિટલના કહેવાથી નોર્મલ હતા. બે દિવસ પહેલાં મીનાબહેનને હોસ્પિટલમાં બતાવવા માટે લાવ્યા હતા, ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે, હજી ડિલિવરીને 10 દિવસની વાર છે. 10 દિવસ પછી આવજો. દરમિયાન આજે ગુરૂવારે વહેલી સવારે મીનાબહેનની તબિયત બગડતા સવારે 7 વાગે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા મીનાબહેનની હાલત જોઇ તેમની ડિલિવરી કરાવી હતી. મીનાબહેને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે, પરંતુ, મીનાબહેનનું મોત નીપજ્યું છે.

વેદાંત હોસ્પિટલમાં પહોંચેલી પોલીસ
(વેદાંત હોસ્પિટલમાં પહોંચેલી પોલીસ)

 

પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી

વધુમાં તેઓએ જણાવ્યું કે, ડોક્ટરોએ અમને જણાવ્યું હતું કે, મીનાબહેનની નોર્મલ ડિલિવરી થઇ છે. વાસ્તવમાં તેમની ડિલિવરી વેક્યુમથી કરવામાં આવી છે. વધુ પ્રમાણમાં બ્લડ નીકળતા મીનાબહેનનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ડોક્ટરે મીનાબહેનની ડિલિવરી સિઝર કે વેક્યુમથી કરાવવા માટે પરવાનગી લેવી જોઇએ, પરંતુ, કોઇ પરવાનગી લીધી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. મીનાબહેનનું મોત હોસ્પિટલના ડોક્ટરોની નિષ્કાળજીના કારણે જ થયું છે. અને આ અંગે અમે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમારે ન્યાય જોઇએ છે.

પુત્ર જન્મની ખુશી મહિલાના મૃત્યુ બાદ માતમમાં ફેરવાઇ ગઇ

મીનાબહેનનું ડિલિવરી દરમિયાન મોત નીપજતાં હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો ફેલાવી દીધો હતો. મીનાબહેને પુત્રને જન્મ આપતા પતિ અને પરિવારજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું, પરંતુ, એક કલાક બાદ મીનાબહેનના મોતના સમાચાર મળતા પરિવારની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. પરિવારજનોએ મીનાબહેનના મોત માટે હોસ્પિટલના ડોક્ટરોને જવાબદાર ઠેરવી ભારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી.

હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ
(હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ)

 

તબીબ કહે છે કે, ડિલિવરી બાદ મહિલાને શ્વાસની તકલીફ શરૂ થઇ ગઇ હતી

વેદાંત હોસ્પિટલના ડો. નિરવ શાહે જણાવ્યું હતું કે, મીનાબહેન ચુનારા અમારી હોસ્પિટલમાં છેલ્લા 7-8 માસથી પ્રેગ્નેન્સીની ટ્રીટમેન્ટ લેતા હતા. પેશન્ટની 9 વાગે નોર્મલ ડિલિવરી થઇ છે. 10 વાગે ગભરામણ શરૂ થઇ હતી. પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થતાં ઓક્સિજન ઉપર લીધા હતા, જેથી તમામ જરૂરી સારવાર ચાલુ કરી હતી, પરંતુ, શ્વાસ લેવામાં તકલીફ ચાલુ રહી હતી. તબીબી ભાષામાં આ તકલીફને એમ્બોલીઝમ કહે છે. જેની કોઇ દવા નથી. અમે હેલ્પલેશ હતા. અમે મહિલાને બચાવી શક્યા નથી. મીનાબહેનનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવે તો જ તેમના મોતનું ચોક્કસ કારણ બહાર આવી શકે. અમે સામેથી મહિલાનું પોસ્ટ મોર્ટમ કરાવવા જણાવ્યું છે.

વેક્યુમનો ઉપયોગ ડિલિવરીના અંતિમ તબક્કામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો

પરિવારજનો જે વેક્યુમ દ્વારા ડિલીવરી કરવામાં આવી હોવાથી મોત નીપજ્યું હોવાના મુકેલા આક્ષેપ અંગે ડોક્ટરે જણાવ્યું કે, આ મહિલાની ડિલિવરી મે જ કરાવી છે. વેક્યુમ ડિલિવરી નોર્મલ ડિલિવરી છે. વેક્યુમનો ઉપયોગ ડિલિવરીના અંતિમ તબક્કામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળક સ્વસ્થ છે. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવવા દો હું જવાબ આપવા માટે તૈયાર છું.

મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોનો હોબાળો
(મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોનો હોબાળો)

 

મૃતક મહિલાના પતિએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આ બનાવ અંગે મરનાર મીનાબહેનના પતિ સુનિલભાઇ ચુનારાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી ગર્ભવતી પત્ની મીનાબહેનને વહેલી સવારે 6:30 કલાકે દુખાવો ઉપડતા વાઘોડિયા રોડ ખાતે આવેલી વેદાંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પત્નીને નોર્મલ ડિલિવરી થઇ હતી. અને બાળકને જન્મ આપ્યો હતો. દરમિયાન પત્નીને શ્વાચ્છોશ્વાસની તકલીફ થતાં અને તાવ આવતા તેઓને 11:50 કલાકે ડોક્ટરે મૃત જાહેર કર્યાં છે. પાણીગેટ પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ PSI આર.કે. ભરવાડ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here